અમેરિકામાં ગેરકાયદે ભારતીયો અંગે ભારતનું વલણ કેવું? PM મોદીએ ટ્રમ્પ સાથેની બેઠકમાં કરી સ્પષ્ટતા
PM Modi US Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના બે દિવસના પ્રવાસ બાદ આજે (14મી ફેબ્રુઆરી) ભારત પરત ફરી રહ્યા છે. આ દરમિયાન તેમણે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની બેઠકોમાં સંરક્ષણ સહિત ઘણાં સોદાઓને અંતિમ સ્વરૂપ આપ્યું. આ બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના મુદ્દા પર પણ વાત કરી હતી.
ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પર પીએમ મોદીએ શું કહ્યું?
અહેવાલો અનુસાર, દ્વિપક્ષીય વાટાઘાટો પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, 'જે લોકો અન્ય દેશોમાં ગેરકાયદે રીતે રહે છે તેમને ત્યાં રહેવાનો કોઈ કાયદેસર અધિકાર નથી. જ્યાં સુધી ભારત અને અમેરિકાનો સવાલ છે, અમે હંમેશા કહ્યું છે કે જે લોકો ભારતના ખરા નાગરિક છે અને જો તેઓ અમેરિકામાં ગેરકાયદે રીતે રહેતા હોય, તો ભારત તેમને પાછા લેવા તૈયાર છે.'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, 'ગેરકાયદે રીતે રહેતા મોટાભાગના લોકો સામાન્ય પરિવારના છે અને માનવ તસ્કરો દ્વારા તેમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે.'
'માનવ તસ્કરી સામે લડીશું'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, 'અમારા માટે આ લોકોને પાછા લેવા પૂરતું મર્યાદિત નથી. આ સામાન્ય પરિવારના લોકો છે. તેમને મોટા સપના બતાવવામાં આવે છે અને તેમાંથી મોટાભાગનાને ગેરમાર્ગે દોરીને અહીં લાવવામાં આવે છે. તેથી, આપણે માનવ તસ્કરીની આ સમગ્ર વ્યવસ્થા પર પ્રહાર કરવો જોઈએ. માનવ તસ્કરીનો અંત લાવવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારતે સાથે મળીને આવા જોડાણને તોડી પાડવા માટે કામ કરવું જોઈએ.'
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અમેરિકાએ 104 ભારતીયોને ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ ગણાવીને લશ્કરી વિમાન દ્વારા પાછા મોકલ્યા છે, જેના પછી ભારતમાં રાજકીય વિવાદ શરુ થયો છે.