Get The App

ગરીબી રેખાથી બહાર આવ્યા 25 કરોડ લોકો: PM મોદીનો દાવો, કહ્યું- ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનશે ભારત

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
ગરીબી રેખાથી બહાર આવ્યા 25 કરોડ લોકો: PM મોદીનો દાવો, કહ્યું- ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનશે ભારત 1 - image


Image Source: Twitter

PM Modi in CII: બજેટ અંગે પીએમ મોદીએ તાજેતરમાં જ દાવો કર્યો હતો કે તે દેશના વિકાસમાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે. બીજી તરફ આજે CII દ્વારા આયોજિત એક સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય અર્થવ્યવસ્થાને લઈને મોટો દાવો કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા 8%થી વધુની ઝડપે વધી રહી છે અને તે દિવસ દૂર નથી જ્યારે દેશ મારા ત્રીજા કાર્યકાળમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવશે.

CII સંમેલનમાં પીએમ મોદીએ કહ્યું કે, હું જે સમુદાયમાંથી આવું છું તે સમુદાયની ઓળખ બની ગઈ છે. ચૂંટણી પહેલાં જે વાતો કરતાં તેને ચૂંટણી પછી ભૂલાવી દેવામાં આવે છે. પરંતુ હું તે સમુદાયમાં અપવાદ છું. પીએમ મોદીએ કહ્યું કે, મેં કહ્યું હતું કે મારા ત્રીજા કાર્યકાળમાં દેશ ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનશે. ભારત સતત મક્કમ પગલાંઓ સાથે આગળ વધી રહ્યું છે. 2014માં તમે અમને દેશની સેવા કરવાની તક આપી હતી. 2014માં જ્યારે સરકાર બની ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ જ હતો કે અર્થવ્યવસ્થાને પાછી પાટા પર કેવી રીતે લાવવી.

દરેક સેક્ટરની ઇકોનૉમી પર ફોક્સ કરી રહ્યું છે ભારત

પીએમ મોદીએ કહ્યું કે મૂડી ખર્ચ 10 વર્ષમાં પાંચ ગણાથી વધીને 11.11 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગયો છે. સરકારે છેલ્લા 10 વર્ષોમાં મંત્રાલયોની ફાળવણીમાં રૅકોર્ડ વધારો કર્યો છે જ્યારે ટેક્સના દર રૅકોર્ડ નીચા સ્તરે આવી ગયા છે. સરકાર જે ઝડપે અને સ્કેલ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહી છે તે અભૂતપૂર્વ છે. ભારત દરેક સેક્ટરની ઇકોનૉમી પર ફોક્સ કરી રહ્યું છે. 

પીએમ મોદીએ કહ્યું કે અગાઉની સરકારની તુલનામાં અમારી સરકારે રેલવેના બજેટમાં 8 ગણો વધારો કર્યો છે. હાઇવે બજેટમાં 8 ગણો વધારો કરવામાં આવ્યો છે. કૃષિ બજેટમાં 4 ગણો અને સંરક્ષણ બજેટમાં 2 ગણો વધારો કરવામાં આવ્યો છે. અમારી સરકારનો ઇરાદો અને પ્રતિબદ્ધતા સ્પષ્ટ છે, અમે સંપૂર્ણ રીતે વિકસિત ભારત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. અમે ટૂંક સમયમાં જ ઓફશોર મિનરલ બ્લોકની હરાજી શરુ કરીશું.

દેશમાં 1.40 લાખથી વધુ સ્ટાર્ટ અપ

આજે ભારત મોબાઇલ ફોનનું ટોચનું ઉત્પાદક છે. આજે ભારતમાં 1.40 લાખ સ્ટાર્ટઅપ છે અને આઠ કરોડ લોકોએ મુદ્રા લોનથી પોતાનો બિઝનેસ શરુ કર્યો છે. વિશ્વભરના રોકાણકારો ભારતમાં આવવા ઉત્સુક છે. ઉદ્યોગ માટે આ એક સુવર્ણ તક છે અને આપણે તેને ગુમાવવી ન જોઈએ. પીએમ મોદીએ કહ્યું છે કે દેશના 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને હવે ભારતનો ટાર્ગેટ વૈશ્વિક સ્તર પર ત્રીજા નંબરની ઇકોનૉમી બનવા પર છે. 


Google NewsGoogle News