‘હવે તમારી સાથે જ રહીશ, આમતેમ નહીં જઉં...’, સ્ટેજ પરથી નીતીશે વચન આપતા જ PM મોદી હસવાનું રોકી ના શક્યા
PM મોદીએ ઔરંગાબાદમાં રૂ. 21,400 કરોડથી વધુના વિકાસ કામોનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
વડાપ્રધાને સંબોધનમાં સોનિયા ગાંધી પર કર્યો કટાક્ષ, તો નીતીશના ભાષણ વખતે પણ હસતા જોવા મળ્યા
PM Modi in Bihar : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિહારમાં ઘણા પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત, શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન નીતીશે ભાષણમાં એવી વાત કહી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પોતાનું હસવાનું રોકી શક્યા ન હતા. તેમણે કહ્યું હતું કે, ‘તમે પહેલાં પણ અહીં આવ્યા હતા, પણ હું ગાયબ થઈ ગયો હતો. જોકે હવે હું આશ્વાસન આપું છું કે, હવે તમારી સાથે જ રહીશ, આમતેમ નહીં જઉં.’
‘...પણ હું ગાયબ થઈ ગયો હતો’
નીતીશ કુમારે (Nitish Kumar) સંબોધનમાં વડાપ્રધાનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘હાલ જે ઘણા કામો ચાલી રહ્યા છે, તેને તેઓ ઝડપથી આગળ વધારશે.’ પીએમ મોદી (PM Narendra Modi) હસવા લાગ્યા. ત્યારે નીતીશે હસીને કહ્યું કે, ‘તમે અહીં આવ્યા છો, તે અમારા બધા માટે ખુશીની વાત છે. તમે પહેલા પણ આવ્યા હતા, પરંતુ અહીં અમે ગાયબ થઈ ગયા હતા. અમે તમને આશ્વાસન આપીએ છીએ કે, હવે હું આમ-તેમ જવાનો નથી, અમે રહીશું તો તમારી સાથે જ રહીશું.’
PM મોદીએ કોંગ્રેસ પર સાધ્યુ નિશાન
ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાન મોદીએ આજે ઔરંગાબાદમાં રૂ. 21,400 કરોડથી વધુની વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. તેમણે બિહાર સરકારની પ્રશંસા કરતાં ઉપરાંત કોંગ્રેસ (Congress) પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, ‘પરિવારવાદની પાર્ટીના નેતા લોકસભા ચૂંટણી લડવાની તૈયાર નથી, રાજ્યસભા જવાની ઈચ્છા રાખે છે.’