PM મોદીએ અમેરિકામાં પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ સાથે કરી દ્વિપક્ષીય બેઠક, ગાઝાની સ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા
PM Modi US Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ રવિવારે ન્યૂયોર્કમાં પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તો, પીએમ મોદીએ ગાઝાની સ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે પીએમ મોદીએ પેલેસ્ટિનિયન લોકોને ભારતના સમર્થનની પણ પુષ્ટિ કરી હતી.
પીએમ મોદીએ ગાઝામાં માનવીય સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી
પીએમ મોદીની આ દ્વિપક્ષીય બેઠક અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતાં કહ્યું હતું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહામહિમ મહમૂદ અબ્બાસ સાથે મુલાકાત કરી હતી. જેમાં વડાપ્રધાને ગાઝામાં માનવીય પરિસ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી અને ભારતના સતત સમર્થનની પુષ્ટી કરી હતી." તમને જણાવી દઈએ કે ભારત લાંબા સમયથી ઈઝરાયેલ-પેલેસ્ટાઈન સંઘર્ષનો સમાધાન અંગે વિચાર કરી રહ્યું છે.
પીએમ મોદીએ હમાસ હુમલાની નિંદા કરી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પહેલા 7 ઓક્ટોમ્બરના રોજ હમાસ દ્વારા ઈઝરાયલ પર કરવામાં આતંકવાદી હુમલાની નિંદા કરી હતી. ભારતે ગાઝાની સ્થિતિ પર વારંવાર ચિંતા વ્યક્ત કરી છે. આ સાથે ભારતે તેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે ગાઝાના લોકોને માનવતાવાદી મદદ કરી હતી. ભારતે જુલાઈ 2024-25 માટે પેલેસ્ટાઈન શરણાર્થીઓ માટે સંયુક્ત રાષ્ટ્રની રાહત અને કાર્ય એજન્સી UNRWAને 2.5 મિલિયન ડોલરનો પહેલો હપ્તો પણ પહોંચાડ્યો હતો.
આ નેતાઓ સાથે પણ કરી દ્વિપક્ષીય બેઠક
વડાપ્રધાનની અમેરિકા યાત્રા દરમિયાન તેમણે નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી અને કુવૈતના ક્રાઉન પ્રિન્સ શેખ સબાહ ખાલિદ અલ-હમદ અલ-મુબારક અલ-સબાહ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરી હતી. આ ઉપરાંત પીએમ મોદીએ કુવૈતના ક્રાઉન પ્રિન્સ સાથે ભારત-કુવૈત દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી. જેમાં બંને નેતાઓએ બંને દેશો વચ્ચેના ઐતિહાસિક સંબંધો અને લોકો વચ્ચે મજબૂત સંપર્કોને વધુ મજબૂત કરવા અંગે પણ ચર્ચા કરી હતી.