‘મંત્રીઓ, સમજી-વિચારને બોલજો, બોલવું જ હોય તો...’ કેબિનેટની બેઠકમાં PM મોદીનો મેસેજ

PM મોદીની અધ્યક્ષતા હેઠળ દિલ્હીમાં સતત 11.30 કલાક સુધી કેબિનેટની બેઠક યોજાઈ

વડાપ્રધાન મોદીએ લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ તમામ મંત્રીઓને આપી મહત્ત્વની સલાહ

Updated: Mar 3rd, 2024


Google NewsGoogle News
‘મંત્રીઓ, સમજી-વિચારને બોલજો, બોલવું જ હોય તો...’ કેબિનેટની બેઠકમાં PM મોદીનો મેસેજ 1 - image


Lok Sabha Elections 2024 : દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલી સુષ્મા સ્વરાજ ભવનમાં આજે કેબિનેટની બેઠક (Cabinet Meeting) યોજાઈ હતી. સવારે 10.00 વાગે શરૂ થયેલી બેઠક રાત્રે 9.30 કલાક સુધી યોજાઈ હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ઉપરાંત મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાને તમામ મંત્રીઓને વિવાદાસ્પદ નિવેદનોથી બચવા અને વધુ પડતું ન બોલવાની સલાહ આપી હતી. વડાપ્રધાને મંત્રીપરિષદના તમામ સભ્યોને કહ્યું કે, ‘સમજી વિચારીને બોલજો. ડીપ ફેકથી પણ સાવધાન રહેશે. જો બોલવું છે તો સરકારની યોજનાઓ પર બોલજો, પરંતુ વિવાદાસ્પદ નિવેદનો કરવાથી બચીને રહેજો. મેં મારા કેબિનેટમાં સામેલ રાજ્યસભા સાંસદોને આગામી લોકસભા ચૂંટણી લડવા માટે કહ્યું હતું.’

સાત કેન્દ્રીય મંત્રીઓ પણ ચૂંટણી મેદાનમાં

ઉલ્લેખનિય છે કે, ભાજપ દ્વારા શનિવારે બીજી માર્ચને 195 લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી (BJP Candidate List) જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં ભાજપે વર્તમાન રાજ્યસભાના સાત સાંસદો કે તેઓ કેન્દ્રીયમંત્રીઓ છે, તેમને ચૂંટણી મેદાને ઉતારવાનો નિર્ણય લીધો છે. આ સાત સાંસદો જ્યોતિરાદિત્ય સિંધિયા (મધ્યપ્રદેશની ગુના બેઠક), મનસુખ માંડવિયા (ગુજરાતની પોરબંદર બેઠક), ભૂપેન્દ્ર યાદવ (રાજસ્થાનની અલવર બેઠક), રાજીવ ચંદ્રશેખર (કેરળની તિવુવનંતપુરમ બેઠક), સર્બાનંદ સોનોવાલ (આસામની દિબ્રૂગઢ બેઠક), પરસોત્તમ રૂપાલા (ગુજરાતની રાજકોટ બેઠક) અને વી.મુરલીધરન (કેરળની અટ્ટિંગલ બેઠક) પરથી લોકસભા ચૂંટણી લડવાના છે.

યાદીમાં 50થી ઓછી ઉંમરના 47 ઉમેદવારો

ભાજપની યાદીમાં 16 રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉમેદવારના નામ સામેલ છે. ભાજપે જે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે, તેમાં 28 મહિલા ઉમેદવારો (Women Candidate)ના નામ સામેલ છે. જો ઉંમરની દ્રષ્ટિએ જોઈએ તો આ યાદીમાં 50થી ઓછી ઉંમરના 47 ઉમેદવારોના નામ છે. યાદીમાં 57 ઓબીસી ઉમેદવાર, શેડ્યૂલ કાસ્ટ (SC)ના 27, શેડ્યુલ ટ્રાયબલ (ST)ના 18 ઉમેદવારના નામ સામેલ છે.

પ્રથમ યાદીમાં સૌથી વધુ ઉત્તર પ્રદેશના ઉમેદવારના નામ

ભાજપની પ્રથમ યાદીમાં ઉત્તર પ્રદેશના 51, પશ્ચિમ બંગાળના 20, મધ્યપ્રદેશના 24, ગુજરાતના 15, રાજસ્થાનના 15, કેરળના 12, તેલંગાણાના 9, આસામના 11, ઝારખંડના 11, છત્તીસગઢના 11, દિલ્હીના 11 ઉમેદવારોનો સમાવેશ થાય છે. જમ્મુ-કાશ્મીરની 5, ઉત્તરાખંડની 3, અરુણાચલની 2, ગોવાની 1, ત્રિપુરાની 1, આંદામાનની 1, દમણ અને દીવની એક બેઠક માટે ઉમેદવારોના નામ સામેલ છે.

ખરાબ રિપોર્ટ કાર્ડ ધરાવતા સાંસદો 'નો રિપીટ'! 

પોતાની પ્રથમ યાદી દ્વારા ભગવાધારી પાર્ટીએ એવા વર્તમાન સાંસદોને મજબૂત સંદેશ આપ્યો છે જેમનું પ્રદર્શન અપેક્ષા મુજબનું નથી. જોકે, પ્રથમ યાદીમાં ભાજપે તે બેઠકો પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે જે તેણે 2019ની ચૂંટણીમાં ગુમાવી હતી. ગત લોકસભા ચૂંટણીમાં જીતેલી કેટલીક બેઠકો પર ભાજપે તેના ઉમેદવારો બદલ્યા છે. તેનું સૌથી મોટું ઉદાહરણ દિલ્હીની બેઠકો છે. દિલ્હીની જે પાંચ બેઠકો માટે પાર્ટીએ પ્રથમ યાદીમાં ઉમેદવારોની જાહેરાત કરી છે તેમાંથી માત્ર એક વર્તમાન સાંસદને જાળવી રાખવામાં આવ્યા છે. ભોજપુરી ગાયક અને અભિનેતા મનોજ તિવારી ફરી એકવાર ઉત્તર પૂર્વ દિલ્હી બેઠક પરથી ચૂંટણી લડશે.

વિવાદાસ્પદ સાંસદોથી અંતર જાળવ્યું 

પરંતુ પાર્ટીએ ચાંદની ચોકથી હર્ષવર્ધન અને નવી દિલ્હીથી મીનાક્ષી લેખીને રિપીટ નથી કર્યા. અન્ય એક  મેસેજમાં ભગવા પાર્ટીએ દક્ષિણ દિલ્હીના સાંસદ રમેશ બિધુડી, પશ્ચિમ દિલ્હીના સાંસદ પરવેશ સાહિબ સિંહ વર્મા અને ભોપાલના સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરની અવગણના કરી દીધી છે. બિધુડીએ ગયા વર્ષે સંસદમાં દાનિશ અલી સામે વાંધાજનક ટિપ્પણીઓ ગૃહમાં કરીને વિવાદનો મધપૂડો છંછેડ્યો હતો. જ્યારે મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસે માટે ઉજવણી કરવા અંગેની પ્રજ્ઞા ઠાકુરની ટિપ્પણી ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પસંદ આવી ન હતી. પરવેશ સાહિબ સિંહ વર્મા પણ તેમના કોમવાદી નિવેદનોને કારણે વિવાદોમાં રહ્યા છે. આ વખતે 2024ની ચૂંટણીમાં દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા રામવીર સિંહ બિધુડી દક્ષિણ દિલ્હીથી ચૂંટણી લડશે. ભાજપે મધ્ય દિલ્હીથી બાંસુરી સ્વરાજ અને પશ્ચિમ દિલ્હીથી કમલજીત સેહરાવતને ટિકિટ આપી છે. આલોક શર્મા ભોપાલથી ભગવા પાર્ટીનો ચહેરો હશે.


Google NewsGoogle News