ભાજપની બેઠકમાં PM મોદીએ મુખ્યમંત્રીઓને આપ્યું ટાસ્ક, કહ્યું- મિશન મોડમાં થવા જોઈએ કામ
Image Source: Twitter
BJP Chief Ministers Council Meeting: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી ભાજપની મુખ્યમંત્રી પરિષદની બેઠકમાં રાજ્યોને સુશાસન માટે મિશન મોડમાં કામ કરવા માટે કહેવામાં આવ્યું છે. બે દિવસની બેઠકના પ્રથમ દિવસે કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓએ પોતાનું પ્રેઝન્ટેશન પણ આપ્યું છે. તેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમા સામેલ છે.
મિશન મોડમાં થવા જોઈએ કામ
લોકસભા ચૂંટણી બાદ ભાજપની મુખ્યમંત્રી પરિષદની આ પ્રથમ બેઠક છે. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વખત ચૂંટણી જીતવા અને વડાપ્રધાન બનવાનો રેકોર્ડ બનાવવા બદલ ખાસ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે વડાપ્રધાને ભાજપના તમામ મુખ્યમંત્રીઓ અને ડેપ્યુટી સીએમને સુશાસનની દિશામાં મિશન મોડમાં કામ કરવા માટે કહ્યું છે.
રાજ્યોને કહેવામાં આવ્યું કે સરકારની સાતત્યતા અકબંધ છે અને તમારે ચૂંટણી પરિણામોને લઈને હેરાન ન થવું. તમામ આંકડા આપણી લીડના છે અને કેટલીક બેઠકોમાં ઘટાડો આવ્યો છતાં આપણે સમગ્ર દેશમાં આગળ વધ્યા છીએ. તેથી નિરાશ થવાની જરૂર નથી પરંતુ આપણે વધુ ઉત્સાહ સાથે જનતાના વિશ્વાસ પર ખરા ઉતરવાનું છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રેઝન્ટેશન આપ્યું
લગભગ ત્રણ કલાક ચાલેલી બેઠકમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગ્રામ સચિવાલય ડિજિટાઈઝેશન અને રાજ્યની અર્થવ્યવસ્થાને એક ટ્રિલિયન ડલર સુધી લઈ જવા અંગે પોતાનું પ્રેઝન્ટેશન આપ્યું હતું. આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ રોજગાર અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ ઉપરાંત બિહારના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીએ રાજ્યમાં ગેરકાયદેસર ખનન રોકવા અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું જ્યારે ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ 'દ્વાર પર સરકાર' વિષય પર પ્રેઝન્ટેશન આપ્યું હતું.
બેઠકમાં મુખ્યમંત્રીઓને સંગઠન સાથે વધુ સારી રીતે તાલમેલ અને પૂર્ણ સંકલન સાથે કામ કરવા માટે કહેવામાં આવ્યું છે. કાર્યકર્તાઓને સાથે રાખવા અને તેમનું સન્માન કરવા પણ કહ્યું છે. આ સાથે જ કેન્દ્ર રાજ્યની ફ્લેગશિપ યોજનાઓને સંપૂર્ણ જવાબદારી સાથે લાગુ કરવા માટે કહેવામાં આવ્યું છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે બેઠક પૂરી થયા બાદ પાર્ટીના એક ટોચના નેતાએ ઉત્તર પ્રદેશના બંને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રિજેશ પાઠક સાથે અલગથી ચર્ચા કરી અને તેમને આગામી વિધાનસભામાં પેટા ચૂંટણીમાં સંકલન અને તાકાત સાથે જોડાવા માટે કહ્યું છે.