રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મુદ્દે વડાપ્રધાનની મંત્રીઓને ચેતવણી, કહ્યું- 'આસ્થા બતાવો, અગ્રેશન નહીં'
વડાપ્રધાનની મંત્રીઓને રામ મંદિર અંગે વિવાદાસ્પદ નિવેદનોથી બચવાની સલાહ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત શુક્રવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં મંત્રીઓ મંત્રીઓને સખત નિર્દેશ આપ્યો હતો. પીએમ મોદીએ અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને મંત્રીઓને સ્પષ્ટ ચેતવણી આપી હતી. આ બેઠકમાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, ‘રામ મંદિર મુદ્દે તમામ મંત્રીઓ, નેતાઓ અને કાર્યકરો આસ્થા જરૂર વ્યક્ત કરે, પરંતુ અગ્રેશન નહીં.’
પ્રાણ પ્રતિષ્ઠા વખતે કોઈ ગડબડ ન થાય તેનું ધ્યાન રાખવું
આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ તમામ મંત્રીઓને રામ મંદિર અંગે વિવાદાસ્પદ નિવેદનો આપવાથી બચવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે, ‘મંત્રીઓએ સરકારની મર્યાદાનો ખ્યાલ રાખવો જોઈએ. આ ઉપરાંત તમામ મંત્રીઓએ પોતપોતાના વિસ્તારોમાં પ્રાણ પ્રતિષ્ઠા વખતે કોઈ પણ પ્રકારની ગડબડ ન થાય તેનું ધ્યાન રાખવું. આ ઉપરાંત તમામે પોતાના વિસ્તારના લોકોને 22 જાન્યુઆરી બાદ જ રામલલાના દર્શન કરવા લઈ જવા.’
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે, જેમાં દેશના પસંદગીના લોકોને આમંત્રણ અપાયું છે. આમ છતાં મોટી સંખ્યામાં લોકો અયોધ્યા પહોંચે તેવી સંભાવના છે, જેને ધ્યાનમાં રાખી વડાપ્રધાન મોદીએ તમામ મંત્રીઓને આ પ્રકારના નિર્દેશ આપ્યા છે.
પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં કોને આમંત્રણ અપાયા છે?
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે જણાવ્યું હતું કે, ‘પ્રાણ પ્રતિષ્ઠામાં 125 સંત પરંપરાના સંત-મહાત્મા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત 13 અખાડા અને 6 સનાતન દર્શનના ધર્માચાર્ય પણ પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપશે. આ ઉપરાંત રમતગમત, મનોરંજન, વિજ્ઞાન, ન્યાય અને અન્ય ક્ષેત્રોની અઢી હજાર હસ્તીને પણ આમંત્રણ અપાયા છે. આ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ સિવાય 50 દેશોમાંથી લગભગ 100 મહેમાનો પણ અયોધ્યા પહોંચશે.
વિદેશમાં પણ થશે કાર્યક્રમનું જીવંત પ્રસારણ
દેશના તમામ રાજ્યો ઉપરાંત રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ વિદેશમાં વિવિધ ભારતીય દૂતાવાસોમાં પણ કરવામાં આવશે. આ ઐતિહાસિક અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ-વિદેશના તમામ રામ ભક્તોને સંબોધિત કરશે.