PM મોદીનું સમર્થન હતું પણ અધિકારીઓને મનાવવામાં સમય લાગ્યો: ઈન્કમ ટેક્સમાં રાહત મુદ્દે સીતારમણનું નિવેદન
Budget 2025: કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે આર્થિક બજેટ રજૂ કર્યું તેમાં સૌથી વધુ ચર્ચાસ્પદ મુદ્દો 12 લાખની આવક પર ઝીરો ટેક્સ રહ્યો છે. આ નિર્ણય અંગે નાણામંત્રી સીતારમણે જણાવ્યું કે, વડાપ્રધાન મોદી સંપૂર્ણ રીતે ઈન્કમ ટેક્સમાં ઘટાડો કરવાના પક્ષમાં હતાં. તેઓ શરૂઆતથી જ ઈચ્છતા હતા કે, અમે ટેક્સમાં ઘટાડો કરીએ. અને તેને લાગુ કરવા માટે સૌથી વધુ સમય અધિકારીઓને સમજવામાં લાગ્યો હતો.
ટેક્સ ઘટાડવાનો સંકલ્પ
નાણામંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન મોદી આ મામલે શરૂઆતથી જ સ્પષ્ટ હતા કે, આપણે ટેક્સમાં ઘટાડો કરવા કંઈક કરવુ જોઈએ. બાદમાં અમારા મંત્રાલયે સહજપણે એક યોજના બનાવી અને તેને પ્રસ્તાવ રૂપે આગળ વધારી. પીએમના સમર્થન બાદ અમારી સામે મોટો પડકાર બોર્ડને સમજવાનો હતો. અંતે અમે અમારી વાતને શ્રેષ્ઠ રીતે રજૂ કરવામાં સફળ રહ્યા.
નાણામંત્રીએ કહ્યું કે વડાપ્રધાન મોદી દલિતો, પછાત વર્ગો, આદિવાસીઓ અને સામાન્ય લોકોની વાત સાંભળે છે અને તેમની જરૂરિયાતો પણ સમજે છે. કેન્દ્ર સરકાર દરેક માટે કામ કરે છે અને તેમની સમસ્યાઓ ઉકેલે છે. આવી સરકારનો ભાગ બનીને હું ખૂબ જ ખુશ છું.
વડાપ્રધાન મોદી શું બોલ્યા...
કેન્દ્રીય બજેટ 2025-26માં કેન્દ્ર સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો હતો. આ નવા નિયમ હેઠળ 12 લાખ રૂપિયા સુધી કોઈ ઈન્કમટેક્સ ચૂકવવો પડશે નહીં. પીએમ મોદીએ પણ આ નિર્ણય વિશે કહ્યું હતું કે, આ નિર્ણય 1.4 અબજ ભારતીયોની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે. સામાન્ય રીતે જ્યારે બજેટ રજૂ કરવામાં આવે છે ત્યારે તેનો ઉદ્દેશ્ય સરકારી તિજોરી ભરવાનો હોય છે. પરંતુ આ બજેટનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય લોકોના ખિસ્સામાં પૈસા રહે અને તેમની બચત કેવી રીતે વધે તે સુનિશ્ચિત કરવાનો છે.