Get The App

રામલલાને જોતા જ પ્રથમ નજર ક્યાં ગઈ હતી, ભગવાને શું કહ્યું? વડાપ્રધાને કર્યો ખુલાસો

Updated: Mar 31st, 2024


Google NewsGoogle News
રામલલાને જોતા જ પ્રથમ નજર ક્યાં ગઈ હતી, ભગવાને શું કહ્યું? વડાપ્રધાને કર્યો ખુલાસો 1 - image


Ayodhya Ram Mandir : ઉત્તર પ્રદેશના અયોધ્યમાં 22મી જાન્યુઆરીએ ભવ્યાતિભવ્ય રામલલાનો પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ પૂજા-અર્ચના કરી હતી. આ માટે તેમણે 11 દિવસના અનુષ્ઠાન પણ કર્યા હતા. ત્યારે વડાપ્રધાને હવે ખુલાસો કર્યો છે કે, પ્રાણપ્રતિષ્ઠાના દિવસે તેમણે રામલલાને જોયા, ત્યારે તેમની નજર ક્યાં ગઈ. તેમણે એમ પણ કહ્યું કે, આ દરમિયાન મને એવું લાગ્યું કે, રામલલા મને કહી રહ્યા હતા કે, હવે સ્વર્ણિમ યુગ અને ભારતનો સમય આવી ગયો છે.

મારી પ્રથમ નજર રામલલાના આંખોમાં ગઈ : વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘જ્યારે હું રામલલા સામે પહોંચ્યો, ત્યારે મારી પ્રથમ નજર તેમના ચરણોમાં અને બીજી નગર તેમની આંખો પર ગઈ. આ દરમિયાન હું ત્યાં જ અટકી ગયો હતો. થોડા સમય સુધી તો મારું ધ્યાન માત્ર રામલલા પર જ હતું. મારા મનમાં વિચાર ભાવ પ્રગટ થયો કે, રામલલાજી મને કહી રહ્યા છે કે, સ્વર્ણિમ યુગ શરૂ થઈ ગયો છે. ભારતના દિવસો આવી ગયા છે. ભારત આગળ વધી રહ્યું છે. મેં જે વ્યક્તિગત અનુભવ કર્યો, તેને હું શબ્દોમાં કહી શકતો નથી.’

‘ચૂંટણી પહેલા પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમમાં મનુષ્યનો કોઈ રોલ નથી’

પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ જાણીજોઈને ચૂંટણી પહેલા બનાવાયો હોવાના આક્ષેપો અંગે પ્રશ્ન કરાયો તો તેમણે કહ્યું કે, ‘જ્યારે સુપ્રીમ કોર્ટનો ચૂકાદો આવ્યો, તે આધારે જ રામ મંદિરનું નિર્માણ શરૂ થઈ ગયું હતું. મંદિર બનાવનારા લોકો અલગ અને ટ્રસ્ટ અલગ હતું. ભગવાને જ સમય નિર્ધારિત કર્યો હશે. બની શકે કે સમય ખુદ ભગવાને નક્કી કર્યો હોય. નહીં તો તે જ સમયે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવવો, પછી નિર્માણ શરૂ થવું અને ત્યારબાદ પ્રાણપ્રતિષ્ઠા યોજાવી... આમાં મને કોઈ મનુષ્યનો રોલ દેખાતો નથી. કારણ કે એક પછી એક થઈ રહ્યું હતું. જેમણે ચુકાદો આપ્યો, તેમને પણ ખબર નહીં હોય કે, 2024ની ચૂંટણી પહેલા આ મુદ્દો ઉભો થશે.’


Google NewsGoogle News