વડાપ્રધાન મોદીએ, TMC સાંસદે કરેલી ધનખરની મીમીક્રી અંગે તેમની સમક્ષ X ઉપર દુ:ખ વ્યક્ત કર્યું

Updated: Dec 21st, 2023


Google NewsGoogle News
વડાપ્રધાન મોદીએ, TMC સાંસદે કરેલી ધનખરની મીમીક્રી અંગે તેમની સમક્ષ X ઉપર દુ:ખ વ્યક્ત કર્યું 1 - image


- રાષ્ટ્રપતિ મુર્મુ પણ આ ઘટનાથી ઘણાં વ્યથિત છે

- જ્યારે તૃણમૂલનો નિલંબિત સાંસદ કલ્યાણ બેનર્જી મિમિક્રી કરતા હતા ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી મોબાઈલ પર તેની ફિલ્મ ઉતારતા હતા

નવી દિલ્હી :  વડાપ્રધાન નરેન્દ્ર મોદી X ઉપર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરનો સંપર્ક સાધી ગઇકાલે તૃણમૂલના નિલંબિત સાંસદે તેમની કરેલી મિમિક્રી અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું સાથે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કલ્યાણ બેનર્જીને વારવાને બદલે તે મિમિક્રીની તેમના મોબાઈલ ઉપર ઉતારેલી ફિલ્મ અંગે પણ આઘાત વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત વડાપ્રધાને ઉપરાષ્ટ્રપતિ સાથે ફોન ઉપર પણ વાતચીત કરી હતી.

આ અંગે ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, આજે સવારે મારી ઉપર વડાપ્રધાન શ્રી નરેન્દ્રજીનો ફોન આવ્યો હતો. તેઓએ પવિત્ર તેવી સંસદના પરિસરમા માન્ય સાંસદે જે અસામાન્ય નાટક કર્યું તે વિષે દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેઓએ તેમ પણ કહ્યું કે છેલ્લાં ૨૦ વર્ષથી હું આવાં અપમાનો સહન કરતો જ આવ્યો છું હજી પણ તેમ થાય છે. પરંતુ, ઉપરાષ્ટ્રપતિ પદ જેવી સંવૈધાનિક પદ ધરાવતી વ્યક્તિ સાથે આમ બને અને તે પણ સંસદનાં પરિસરમાં જ તે ઘણું જ બદનસીબ છે.

તેઓએ મોદીને પ્રત્યુત્તરમાં કહ્યું હતું કે આવી ક્ષુલ્લક જેવી ઘટનાઓ એ મારી ફરજ બજાવતાં અને સંવિધાનમાં સ્થાપિત સિદ્ધાંતોને અનુસરતાં રોકી નહીં શકે. તે મૂલ્યો માટે હું મારાં અંતરથી પ્રતિબધ્ધ છું. કોઈપણ પ્રકારનાં અપમાનો મને મારો માર્ગ છોડાવી નહીં શકે.

કેન્દ્રના દરેક મંત્રીઓએ તૃણમૂલ સાંસદનાં તે કૃત્યને વખોડી કાઢ્યું હતું તેમજ તૃણમૂલના નિલંબિત સાંસદ કલ્યાણ બેનર્જી જ્યારે ઉપરાષ્ટ્રપતિ પદ ધરાવતી વ્યક્તિનું આ રીતે અપમાન થઇ રહ્યું હતું ત્યારે કોંગ્રેસના વરિષ્ટ નેતા રાહુલ ગાંધી બેનર્જીને વારવારે બદલે તે ઘટનાની તેઓના મોબાઈલમાં ફિલ્મ ઉતારતા હતા. તેની પણ તેઓએ ટીકા કરી હતી.

જ્યારે રાષ્ટ્રપતિ સુશ્રી દ્રૌપદી મુર્મુએ ઉપરાષ્ટ્રપતિની આવી મિમિક્રી અંગે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, આપણા માનનીય ઉપરાષ્ટ્રપતિનું આ રીતે અપમાન એક માન્ય સાંસદ દ્વારા જ કરાય છે ત્યારે મને ઘણો આઘાત લાગે છે. નિર્વાચિત પ્રતિનિધિઓને પોતાનાં મંતવ્યો રજૂ કરવાની છૂટ છે જ. પરંતુ તેનો ઉપયોગ ગૌરવ અને આદર સાથે થવો જોઇએ. આ તો આપણી સાંસદીય પરંપરા છે, અને તે માટે આપણે સર્વે ગૌરવાત્વિત છીએ. ભારતના જનસામાન્ય પણ ઇચ્છે છે કે આપણે તે યોગ્યત: અનુસરવાં જોઇએ.

લોકસભા અધ્યક્ષ ઓમ બિર્લા તો, ઉપરાષ્ટ્રપતિનાં નિવાસ સ્થાને ગયા હતા અને સમગ્ર ઘટના જાણી તે વિષે દુ:ખ વ્યક્ત કર્યું હતું.

ઉપરાષ્ટ્રપતિ ધનખર રાજસ્થાનનાં છે તેઓ જાટ સમાજમાંથી આવે છે. તેઓની આ વિડંબણા કરાતાં સમગ્ર રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશનાં જાટો પણ ગુસ્સે થયા છે.


Google NewsGoogle News