કોંગ્રેસના સમયમાં 12 લાખ પર 2.60 લાખ ઈન્કમ ટેક્સ હતો...: PM મોદીએ બજેટનું 'ગણિત' સમજાવ્યું
Delhi Assembly Election: દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પક્ષો દ્વાર જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે રવિવારે (બીજી ફેબ્રુઆરી) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરકે પુરમમાં એક રેલી યોજી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, 'દિલ્હીમાં એક પણ ઝૂંપડપટ્ટી તોડી પાડવામાં આવશે નહીં.' નોંધનીય છે કે, છેલ્લા ઘણાં દિવસોથી, અરવિંદ કેજરીવાલ તેમની જાહેર સભાઓમાં આરોપ લગાવી રહ્યા છે કે જો ભાજપ સત્તામાં આવશે, તો તે ઝૂંપડપટ્ટીઓ તોડી પાડશે. આ વખતે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ઝૂંપડપટ્ટીનો મુદ્દો ખૂબ ચર્ચામાં રહ્યો છે.
"મેં ક્યારેય આટલી મોટી રાહત અનુભવી નથી"
જનસભાને સંબોધતા બજેટ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, 'વાર્ષિક 12 લાખ રૂપિયા કમાતા લોકોને આટલી મોટી રાહત ક્યારેય મળી નથી. નેહરુજીના સમયમાં જો તમે 12 લાખ રૂપિયા કમાતા હોત, તો સરકાર તમારી આવકનો ચોથો ભાગ પાછો લઈ લેતી હતી. ઇન્દિરા ગાંધીની સરકારમાં જો તમે 12 લાખ રૂપિયા કમાતા હોત, તો તમારે 10 લાખ રૂપિયા સુધી ચૂકવવા પડતા. 10-12 વર્ષ પહેલાં કોંગ્રેસ સરકારમાં જો તમે 12 લાખ રૂપિયા કમાતા હોત, તો તમારે 2,60,000 રૂપિયા ટેક્સમાં પાછા ચૂકવવા પડતા હતા.
'આ મધ્યમ વર્ગ માટે ફ્રેન્ડલી બજેટ છે'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, 'એક તરફ આપત્તિની ખોટી જાહેરાતો છે, તો બીજી તરફ તમારા સેવક મોદી છે. મોદીની ગેરંટીનો અર્થ થાય છે પરિપૂર્ણતાની ગેરંટી. મોદી જે કંઈ કહે છે, તે કરે છે. બજેટ મોદીની આવી ગેરંટી પૂરી કરવાની ગેરંટી છે. આવતીકાલનું બજેટ જનતાનું બજેટ છે. તમે એ પણ જાણો છો કે 10 વર્ષમાં, ભારતનું અર્થતંત્ર 10મા સ્થાનથી નીચે આવીને 5મા સ્થાને આવી ગયું છે. દેશની આર્થિક શક્તિ વધી રહી છે. નાગરિકોની આવક વધી રહી છે. જો પરિસ્થિતિ પહેલા જેવી જ હોત તો દેશની આ વધતી જતી આવક કૌભાંડોમાં ખોવાઈ ગઈ હોત. કેટલાક લોકોએ તેને પકડી લીધું હોત.'
વધુમાં બજેટ અંગે વાડપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, 'મધ્યમ વર્ગ માટે ફ્રેન્ડલી બજેટ છે. તેના અમલીકરણ પછી, કપડાં, જૂતા, ટીવી, મોબાઈલ ફોન વગેરે જેવી ઘણી વસ્તુઓનું ઉત્પાદન સસ્તું થશે. મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન મળશે. ભારતના વિકાસમાં આપણા મધ્યમ વર્ગનો મોટો ફાળો છે. આ ભાજપ છે જે મધ્યમ વર્ગનું સન્માન કરે છે અને પ્રામાણિક કરદાતાઓને પુરસ્કાર આપે છે. પહેલા બજેટને કારણે મધ્યમ વર્ગની ઊંઘ ઉડી જતી હતી.