વિશેષ છે આ વર્ષની દિવાળી, રામ મંદિર માટે 500 વર્ષમાં લાખો લોકોએ બલિદાન આપ્યા: PM મોદી
PM Modi Distributed Appointment Letter: રોજગાર મેળામાંથી પસંદગી પામેલા 51000થી વધુ યુવાનોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વીડિયો કોન્ફરન્સિંગ મારફત જોબ લેટર આપ્યા હતા. તેમજ દેશવાસીઓને ધનતેરસની શુભકામનાઓ પાઠવતાં કહ્યું કે, આ દિવાળી ખૂબ જ મહત્ત્વની છે. કારણકે, 500 વર્ષની લાંબી રાહ બાદ પ્રભુ રામલલા તેના નિજ સ્થાન અયોધ્યા મંદિરમાં બિરાજમાન છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બે દિવસ બાદ આપણે સૌ દિવાળીનો તહેવાર ઉજવીશું. આ વર્ષની દિવાળી અત્યંત ખાસ છે, કારણકે, 500 વર્ષ બાદ પ્રભુ શ્રીરામ અયોધ્યામાં પોતાના ભવ્ય મંદિરમાં બિરાજમાન છે અને ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા બાદ આ તેમની પ્રથમ દિવાળી છે. આ દિવાળી જોવા માટે અનેક પેઢીઓ તરસી હતી, લાખો લોકોએ બલિદાન આપ્યું હતું. પીડાઓ સહન કરી હતી. પરંતુ આપણે સૌ ભાગ્યશાળી છીએ કે, આપણે આ ખાસ, વિશેષ ભવ્ય દિવાળીના સાક્ષી બનીશું.
લાખો યુવાનો કાયમી નોકરી આપવાનું વચન
પીએમ મોદીએ કહ્યું કે, દેશના લાખો યુવાનોને ભારત સરકારમાં કાયમી સરકારી નોકરી આપવાનો સિલસિલો જારી છે. ભાજપ અને એનડીએ સાશિત રાજ્યોમાં લાખો યુવાનોને નોકરી મળી છે. હાલ હરિયાણામાં પણ સરકાર બનાવતાની સાથે જ 26 હજાર યુવાનોને નોકરીની ભેટ આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ ધનતેરસે સોના-ચાંદીમાં રોકાણ મંગલમય, રોકાણકારોને છેલ્લા સાત વર્ષથી કમાણી જ કમાણી
રોજગાર સર્જનમાં વધારો
દેશના યુવાનોને વધુને વધુ રોજગાર મળે તેવી પ્રતિબદ્ધતા સાથે સરકાર નીતિઓ અને નિર્ણયોને અમલમાં મૂકી રહી છે. એક્સપ્રેસ વે, હાઇવે, માર્ગ-રેલવે, પૉર્ટ, ઍરપૉર્ટ, ફાઇબર લાઇન સહિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરાયા છે. છેલ્લા 10 વર્ષમાં અમારી નીતિઓએ ખાદી અને ગ્રામોદ્યોગની તસવીર બદલી નાખી છે. ગ્રામીણ લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. ઉલ્લેખનીય છે, ખાદી ગ્રામોદ્યોગમાં વાર્ષિક ધોરણે દોઢ લાખ કરોડથી વધુનો વેપાર થઈ રહ્યો છે.
‘યુપીએ સરકારની તુલનાએ ખાદી...’
PM મોદીએ ખાદીના વસ્ત્રોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, યુપીએ સરકારની તુલનામાં ખાદીનું વેચાણ 400 ટકા વધ્યું છે. જે એક પ્રભાવશાળી ઉપલબ્ધિ છે. ખાદી ઉદ્યોગ વેગવાન બન્યો છે. જેનાથી કારીગરો, વણકરો અને વેપારીઓને સમાન લાભ થઈ રહ્યો છે. ખાદી ઉદ્યોગની વૃદ્ધિ સાથે સમાજના વિવિધ વર્ગોને પણ લાભ થઈ રહ્યો છે. રોજગારી અને આવકો વધી છે. આર્થિક વિકાસને પ્રોત્સાહન મળ્યું છે. લખપતિ દીદી યોજનાએ ગ્રામીણ મહિલાઓને રોજગાર અને સ્વરોજગારના નવા સાધનો આપ્યા છે. છેલ્લા એક દાયકામાં 10 કરોડ મહિલાઓ સેલ્ફ હેલ્પ ગ્રૂપ સાથે જોડાઈ છે. 10 કરોડ મહિલાઓને સ્વ-રોજગારના લીધે કમાણી થઈ રહી છે.