Get The App

અર્બન નક્સલીઓએ ગુજરાતમાં નર્મદા યોજના અટકાવેલી, મેં નેહરૂનું કામ પૂરૂ કર્યું: PM મોદી

Updated: Sep 23rd, 2022


Google NewsGoogle News
અર્બન નક્સલીઓએ ગુજરાતમાં નર્મદા યોજના અટકાવેલી, મેં નેહરૂનું કામ પૂરૂ કર્યું: PM મોદી 1 - image


- પર્યાવરણીય મંજૂરીના નામે દેશમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં રોડા નાખવામાં આવતા હોવાનો ઉલ્લેખ કર્યો

નવી દિલ્હી, તા. 23 સપ્ટેમ્બર, 2022, શુક્રવાર

ગુજરાતમાં નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે આજે વિવિધ રાજ્યોના પર્યાવરણ મંત્રીઓનું એક સંમેલન યોજાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી તેમાં હાજરી આપી હતી. પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાને નર્મદા યોજનાનો ઉલ્લેખ કરીને અર્બન નક્સલવાદ અંગે આકરા પ્રહારો કર્યા હતા. 

વડાપ્રધાને એવો આરોપ લગાવ્યો હતો કે, અર્બન નક્સલ અને રાજકીય સમર્થનવાળા વિકાસવિરોધી તત્વોએ ગુજરાતમાં અનેક વર્ષો સુધી નર્મદા નદી પર સરદાર સરોવર બાંધના નિર્માણ કાર્યને રોકી રાખ્યું. તેમણે પર્યાવરણના નામ પર આ પ્રકારે નર્મદા યોજનાને અટકાવી રાખી. 

પર્યાવરણ મંત્રીઓને સંબોધતી વખતે વડાપ્રધાન મોદીએ જે કામની શરૂઆત દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂએ કરી હતી તેને પોતે પૂર્ણ કર્યું હોવાનું જણાવ્યું હતું. 

પર્યાવરણીય મંજૂરીના નામે આડખીલી

વડાપ્રધાને કઈ રીતે પર્યાવરણની આડશ લઈને દેશમાં વિકાસના કામો રોકવા પ્રયત્ન કરવામાં આવ્યો તે વિશે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, 'આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગર દેશનો વિકાસ, દેશવાસીઓના જીવન સ્તરને સુધારવાનો પ્રયત્ન સફળ ન બની શકે. પરંતુ અમે જોયું કે, કઈ રીતે પર્યાવરણીય મંજૂરીના નામે દેશમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં રોડા નાખવામાં આવતા હતા.'

એકતા નગરનું જ ઉદાહરણ આપ્યું

વડાપ્રધાને પર્યાવરણીય મંત્રીઓને તેઓ જ્યાં એકઠા થયા હતા તે સ્થળનું જ ઉદાહરણ આપતા કહ્યું હતું કે, 'તમે જે સ્થળે બેઠા છો તે એકતા નગરનું ઉદાહરણ આંખો ખોલનારૂં છે. કઈ રીતે અર્બન નક્સલીઓએ, વિકાસના વિરોધીઓએ સરદાર સરોવર ડેમના કામને રોકી રાખેલું. તમે અહીં વિશાળ જળાશય જોયું હશે. આઝાદી બાદ તરત જ તેનો શિલાન્યાસ કરવામાં આવેલો. સરદાર વલ્લભભાઈ પટેલે તેમાં ઘણી મોટી ભૂમિકા ભજવી હતી અને પંડિત નેહરૂએ તેનો શિલાન્યાસ કર્યો હતો. પરંતુ તમામ અર્બન નક્સલીઓ મેદાનમાં આવી ગયા અને દુનિયાના લોકો પણ આવી ગયા. ખોટો પ્રચાર કરવામાં આવ્યો, એવું અભિયાન ચલાવાયું કે, તે કામ પર્યાવરણવિરોધી છે. જે કામની શરૂઆત નેહરૂજીએ કરી હતી તે મારા આવ્યા બાદ પૂર્ણ થયું. દેશના કેટલા રૂપિયા બરબાદ થયા.'

અર્બન નક્સલીઓએ ગુજરાતમાં નર્મદા યોજના અટકાવેલી, મેં નેહરૂનું કામ પૂરૂ કર્યું: PM મોદી 2 - image


Google NewsGoogle News