ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે PM મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિને કર્યો ફોન, તણાવ ઓછો કરવા અને શાંતિ સ્થાપવા અંગે થઈ વાતચીત
PM મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીને કર્યો ફોન
વડાપ્રધાન મોદીએ ઈઝરાયલ-હમાસ યુદ્ધ પર કરી વાતચીત
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે (6 નવેમ્બર) ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી સાથે ફોન પર વાત કરી.
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા X પર જણાવ્યું કે, પશ્ચિમ એશિયાની મુશ્કેલ પરિસ્થિતિ, ઈઝરાયલ-હમાસ યુદ્ધને લઈને ઈરાનના રાષ્ટ્રપતિ સૈયદ ઈબ્રાહિમ રઈસી સાથે ફોન પર વાત કરી.
તેમણે અને ઈરાનના રાષ્ટ્રપતિ રઈસીએ તણાવ ઓછો કરવા, માનવીય સહાયતા યથાવત રાખવા અને શાંતિની સ્થાપવા પર ભાર આપ્યો. વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, ચાબહાર બંદરગાહ સહિત દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિનું સ્વાગત કર્યું.
વડાપ્રધાન મોદીએ આ પહેલા ફોન પર ઈઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂ અને પેલેસ્ટાઈન સત્તાના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે પણ વાત કરી ચૂક્યા છે.
ઈરાનના વિદેશ મંત્રી સાથે પણ થઈ હતી વાત
વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ રવિવારે (5 નવેમ્બર) ઈરાનના વિદેશ મંત્રી હુસૈન આમિર-અબ્દુલ્લાહિયન સાથે ઈઝરાયલ-હમાસ યુદ્ધને લઈને ફોન પર વાત કરી હતી. જયશંકરે કહ્યું કે, યુદ્ધને રોકવા અને માનવીય સહાયતા ઉપલબ્ધ કરાવવાના મહત્વથી અવગત કરાવ્યા.
10 હજારથી વધુ લોકોના જીવ ગયા
ઈઝરાયલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે. 7 ઓક્ટોબર સવારે હમાસે ઈઝરાયલ પર રોકેટ હુમલો કરતા ઘુષણખોરી કરી દીધી હતી. ત્યારબાદ ઈઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂએ કહ્યું હતું કે, અમે યુદ્ધમાં છીએ અને અમારી જીત થશે.
હમાસના આ એટેકમાં ઈઝરાયલના 1400 લોકોના જીવ ગયા હતા. હમાસે 200થી વધુ લોકોને બંધક બનાવ્યા છે. ત્યારે, ન્યૂઝ એજન્સી APએ ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના હવાલાથી જણાવ્યું કે, ઈઝરાયલના હુમલામાં પેલેસ્ટાઈનના 10 હજારથી વધુ લોકોના જીવ ગયા છે.