પહલગામ મામલે વડાપ્રધાન મોદીનું મોટું નિવેદન, કહ્યું- 'કાર્યવાહીનો સમય અને ઠેકાણા સેના નક્કી કરશે'
Pahalgam Terrorist Attack: પહલગામ હુમલા મામલે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં છે, ત્યારે દિલ્હીમાં પીએમ આવાસ પર વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં આજે (29 એપ્રિલ) સાંજે દોઢ કલાક સુધી હાઇ લેવલ બેઠક યોજાઈ હતી. પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો લગાવ્યા બાદ મંગળવારે આગામી રણનીતિ માટે હાઇ લેવલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ, સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને નૌસેના પ્રમુખ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક બાદ વડાપ્રધાન મોદીએ મોટું નિવેદન આપ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'અમે સેનાને ખુલ્લી છૂટ આપીએ છીએ. આતંકવાદનો જડબાતોડ જવાબ આપીશું. એટેકનો સમય, રીત અને ટાર્ગેટ સેના નક્કી કરે. સેનાની ક્ષમતા પર અમને સંપૂર્ણ ભરોસો છે. જડબાતોડ જવાબ આપવો રાષ્ટ્રીય સંકલ્પ છે.'
પહલગામ હુમલામાં 26 પ્રવાસીઓના થયા હતા મોત
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પગલગામમાં 22 એપ્રિલેના રોજ આતંકવાદીઓએ ભયાનક આતંકી હુમલો કર્યો હતો. આતંકીઓએ આડેધડ ગોળીબાર કરી 26 પ્રવાસીઓની હત્યા કરી હતી. આ ઉપરાંત અનેક લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા. હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ આકરી કાર્યવાહીઓ કરતાં પાકિસ્તાને નફ્ફટાઈની હદ વટાવી ભારતને ધમકી આપવાનું ચાલુ રાખ્યું છે. બીજીતરફ હુમલાની ઘટના બાદ સુરક્ષા દળના જવાનો આખા જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન કરી રહ્યા છે. સુરક્ષા દળની ટીમો ખૂણે-ખાંચરે પહોંચી તમામ સ્થળે કોમ્બિંગ કરી રહી છે. આ હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ છે, જેના કારણે ભારત સરકારે પાકિસ્તાન પર અનેક પ્રકારના પ્રતિબંધો લાદી દીધા છે.