શક્તિનો નાશ કરવા માગતા વિપક્ષનો જ નાશ થશે : મોદી
- તામિલનાડુમાં વડાપ્રધાન મોદીની રેલી
- વિપક્ષને એ ખ્યાલ જ નથી કે શક્તિનો અર્થ નારી શક્તિ પણ થાય છે : વડાપ્રધાન
સાલેમ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તામિલનાડુના સાલેમમાં રેલીને સંબોધી હતી, જે દરમિયાન તેમણે કોંગ્રેસ અને તેના સમર્થક પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના સાથી પક્ષ ડીએમકેને તામિલનાડુની જનતા ઉખાડી ફેંકશે. જે લોકો શક્તિનો નાશ કરવા માગે છે તેઓનો જ નાશ થઇ જશે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના શક્તિ શબ્દને ઉલ્લેખીને મોદીએ આ પ્રહારો કર્યા હતા. દરમિયાન નરેન્દ્ર મોદીની આ રેલીમાં ૧૧ મહિલાઓ શક્તિ અમ્માના સ્વરુપમાં આવી હતી. પીએમ મોદીએ જ્યારે આ મહિલાઓને જોઇ તો તેમણે તેમને મંચ પર બોલાવી હતી. મહારાષ્ટ્રના શિવાજી પાર્કમાં રાહુલ ગાંધીએ રેલીનો સંબોધતા કહ્યું હતું કે ભાજપ પાસે જે શક્તિ છે તેની સામે આપણે લડવાનું છે. આ નિવેદનથી ભારે વિવાદ થયો હતો, જે બાદ રાહુલે કહ્યું હતું કે હું કોઇ ધાર્મિક શક્તિ નહીં પણ ભાજપના ભ્રષ્ટાચાર અને જુઠાણાની શક્તિ અંગે વાત કરતો હતો.
જોકે રાહુલના અગાઉના નિવેદનને મોદીએ ચૂંટણી પ્રચારમાં મુદ્દો બનાવ્યો હતો અને ફરી શક્તિ શબ્દને લઇને આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો જે શક્તિનો નાશ કરવા માગે છે તે શક્તિ તેમનો જ નાશ કરી નાખવાની છે. તામિલનાડુમાંથી ડીએમકેનો નાશ થશે. શક્તિનો અર્થ થાય છે માતૃ શક્તિ, નારી શક્તિ, જોકે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનનું કહેવું છે કે તે આ શક્તિનો નાશ કરવા માગે છે. હિન્દુ ધર્મનું અપમાન કરવામાં આવી રહ્યું છે. અન્ય ધર્મના લોકો માટે આ લોકોના મોઢામાંથી એક શબ્દ પણ નથી નિકળતો.