દ્વિપક્ષીય બેઠક માટે ભારત પહોંચ્યા કતારના અમીર, PM મોદીએ એરપોર્ટ પર કર્યું સ્વાગત
India-Qatar Relations : કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાની ભારતની બે દિવસની મુલાકાતે આવી ગયા છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચી તેમનું ભવ્ય સ્વાગત કર્યું છે. કતારના અમીર શેખ તા.17 અને 18 ફેબ્રુઆરી સુધી ભારતની રાજકીય મુલાકાતે આવ્યા છે. પીએમ મોદી અને અલ-થાની બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો પર વાતચીત કરશે.
કતારના અમીર શેખ ભારતની બે દિવસની મુલાકાતે
ભારતીય વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, ‘કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાનીની ભારત યાત્રાથી બંને દેશોની ભાગીદારીને આગળ વધારશે. તેમની સાથે એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ ભારત આવ્યું છે, જેમાં મંત્રી, વરિષ્ઠ અધિકારીઓ તેમજ વેપાર સાથે સંકળાયેલ પ્રતિનિધિમંડળ સામેલ છે.
કતારના શેખની બીજી વખત ભારત મુલાકાત
મંત્રાલયે કહ્યું કે, કતારના શેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારતની બે દિવસ એટલે કે 17 અને 18 ફેબ્રુઆરી ભારતની રાજકીય યાત્રા કરશે. તેઓ બીજી વખત ભારત રાજકીયની મુલાકાતે પહોંચી ગયા છે. આ પહેલા તેઓ 2015માં ભારત આવ્યા હતા.
રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત
વિદેશ મંત્રાલયે આપેલી માહિતી મુજબ, ‘કતારના શેખનું 18 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. તેઓ યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે ચર્ચા-વિચારણા કરશે. આ દરમિયાન તેમના સન્માનના ભાગરૂપે ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેઓ દ્વિપક્ષીય સંબંધો હેઠળ પીએમ મોદી સાથે વિવિધ મુદ્દાઓ પર પણ વાતચીત કરશે.’