વસુંધરા 'ચિંતિત', શિવરાજ 'ભાવુક', BJPના દિગ્ગજોથી PM મોદી નારાજ? નેતૃત્વ પરિવર્તનના સંકેત

મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણના ભાષણોમાં તેમની નિરાશા સ્પષ્ટ દેખાઈ આવે છે

રાજસ્થાનમાં વસુંધરા રાજેને સતત સાઈડલાઈન કરતાં પીએમ મોદી નારાજ હોવાની રાજકીય વર્તુળોમાં ચર્ચા

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
વસુંધરા 'ચિંતિત', શિવરાજ 'ભાવુક', BJPના દિગ્ગજોથી PM મોદી નારાજ? નેતૃત્વ પરિવર્તનના સંકેત 1 - image

મધ્યપ્રદેશ (Madhya Pradesh Assembly Election 2023 ) અને રાજસ્થાન (Rajasthan Assembly Election 2023)ના બે શક્તિશાળી અને દિગ્ગજ નેતા હાલના દિવસોમાં ભારે મૂંઝવણ અને તેમની ભૂમિકાને લઈને ભારે સસ્પેન્સના સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (CM Shivraj singh Chauhan) ચૂંટણીની જાહેરાતના થોડા દિવસો પહેલા ભાવુક જોવા મળ્યા હતા. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે જો રાજ્યમાં ભાજપ ફરી સત્તામાં વાપસી કરશે તો તો શિવરાજને કદાચ સુકાની પદ નહીં મળે. એવા સંકેતો છે કે દિલ્હી હાઈકમાન્ડ સીએમ શિવરાજને હવે સીએમ પદનો મોહ છોડવા કહી શકે છે. 

મધ્યપ્રદેશના સીએમ શિવરાજની બેચેની વધી... 

હાલમાં જ પોતાના વિધાનસભા ક્ષેત્ર બુધનીમાં એક રેલીને સંબોધિત કરતા શિવરાજે લોકોને પૂછ્યું કે શું તેમણે ચૂંટણી લડવી જોઈએ કે નહીં? આ પહેલા પણ મુખ્યમંત્રીએ તેમના ગૃહ જિલ્લા સિહોરમાં એક સભામાં કહ્યું હતું કે તેમના ગયા પછી લોકો તેમને યાદ કરશે. ખરેખર તો આ ચૂંટણીમાં દિલ્હી દરબારની ઉદાસીનતાના કારણે શિવરાજ સિંહ ચૌહાણની બેચેની વધી ગઈ છે. ચૂંટણી વ્યવસ્થાપનથી માંડીને ટિકિટ વિતરણ સુધી તમામ બાબતો પર રાજ્યમાં હાઈકમાન્ડનું નિયંત્રણ છે. આવી સ્થિતિમાં શિવરાજ ચિંતિત દેખાય છે. દરેક ચૂંટણીમાં યોજાતી જન આશીર્વાદ યાત્રામાં તેઓ પ્રથમ વખત મુખ્ય ચહેરો નહોતા. પાર્ટી પણ પોતાના ચહેરાને બદલે મોદીના (PM Modi) ચહેરાને સામે રાખીને ચૂંટણી મેદાનમાં ઉતરી છે.

મધ્યપ્રદેશમાં CMના ચહેરા પર સસ્પેન્સ યથાવત્

ભાજપની (BJP) બીજી યાદીએ પણ ચૌહાણની ચિંતા વધારી દીધી છે. પાર્ટીએ ત્રણ કેન્દ્રીય મંત્રીઓ સહિત ચાર સાંસદોને મેદાનમાં ઉતાર્યા છે. કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, પ્રહલાદ પટેલ, ફગ્ગન સિંહ કુલસ્તે અને સાંસદ ગણેશ સિંહ, રાકેશ સિંહ, ઉદય પ્રતાપ સિંહ અને રીતિ પાઠક ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે પાર્ટીના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય ઈન્દોર 1 બેઠક પરથી મેદાનમાં છે. 

શિવરાજના ભાષણોમાં નિરાશાની ઝલક 

શક્તિશાળી નેતાઓ મેદાનમાં ઉતર્યા બાદ, એવી અટકળોએ જોર પકડ્યું છે કે પાર્ટી રાજ્યમાં નેતૃત્વ બદલવાની વિચારણા કરી રહી છે. આ નેતાઓને મેદાનમાં ઉતારીને પાર્ટીએ માત્ર શિવરાજને જ નહીં પરંતુ જનતાને પણ સંદેશ આપ્યો છે કે જો પાર્ટી 2023માં જીતશે તો આમાંથી એક નેતાને સરકારનું નેતૃત્વ સોંપવામાં આવી શકે છે. જો કે, પાર્ટીએ હજુ સુધી સીએમ ચહેરાની જાહેરાત કરી નથી કે ચૌહાણને ફરીથી સીએમ બનાવવાની કોઈ ખાતરી આપી નથી. આવી સ્થિતિમાં ચૌહાણ એકલા લડતા જોવા મળે છે. શિવરાજ દરરોજ ઓછામાં ઓછી ત્રણથી ચાર રેલીઓ કરતા જોવા મળે છે. દરેક રેલીમાં તેઓ પોતાના 18 વર્ષના કાર્યકાળમાં થયેલા કામો વિશે જનતાને જણાવી રહ્યા છે.

રાજસ્થાનમાં વસુંધરા પોતાના દમ પર લડાઈ લડી રહી છે

ભાજપના અન્ય એક નેતા અને રાજસ્થાનના પૂર્વ સીએમ વસંધુરા રાજે (Vasundhra Raje) સિંધિયા પણ આવી જ મુંઝવણમાં ફસાયા છે. રાજ્યના પૂર્વ સીએમ અને શક્તિશાળી નેતાને હજુ સુધી કોઈ મહત્વની જવાબદારી આપવામાં આવી નથી. આમ છતાં રાજે ચૂંટણી પહેલા જ પોતાના પ્રચારમાં વ્યસ્ત છે. તે પોતાના સમર્થકો દ્વારા આયોજિત કાર્યક્રમોમાં સતત ભાગ લેતા રહે છે. પરંતુ ચૂંટણીમાં ભૂમિકા નક્કી ન થવાને કારણે વસુંધરા ચિંતિત અને નારાજ છે. તેની અસર ભાજપની પરિવર્તન યાત્રાઓમાં પણ જોવા મળી હતી. 

પીએમ મોદી નારાજ હોવાના અહેવાલ... 

રાજસ્થાનમાં જયપુર, ચિત્તોડગઢ અને જોધપુરમાં પીએમ મોદીની સભાઓથી વસુંધરા અને તેમના સમર્થકોની આશાઓને ફરી એકવાર ઝટકો લાગ્યો. જ્યારે મોદીએ વારંવાર કહ્યું કે રાજસ્થાનમાં ભાજપનો ચહેરો માત્ર 'કમળનો ફૂલ' નું પ્રતીક જ હશે. મોદીએ વારંવાર સ્પષ્ટ કર્યું છે કે રાજસ્થાનમાં ભાજપ કોઈના ચહેરા પર ચૂંટણી નહીં લડે. એટલે કે રાજસ્થાનની ચૂંટણી પણ મોદીના ચહેરા પર જ લડવામાં આવશે.

વસુંધરાને સંબોધન કરવાની તક પણ નથી અપાઈ રહી 

પૂર્વ સીએમ રાજેના ચહેરા પર ભાજપની ઉદાસીનતા સ્પષ્ટ દેખાય છે. રાજકીય વર્તુળોમાં આને લઈને અનેક અર્થ કાઢવામાં આવી રહ્યા છે. જયપુર, ચિત્તોડગઢ અને જોધપુરમાં પીએમની સભાઓ પર નજર કરીએ તો વસુંધરાને એક પણ જગ્યાએ સંબોધન કરવાનો સમય આપવામાં આવ્યો ન હતો. માત્ર વિપક્ષના નેતા રાજેન્દ્ર રાઠોડ, ગજેન્દ્ર સિંહ શેખાવત અને સીપી જોશી પીએમ મોદીની સભાને સંબોધતા જોવા મળે છે. આ વાત વસુંધરાના સમર્થકોને ઘણી પરેશાન કરી રહી છે. વડાપ્રધાનની બેઠકો દરમિયાન વસુંધરાને સાઈડલાઈન કરવામાં આવી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ છે. વસુંધરાનું ભાષણ પણ જયપુરમાં થયું ન હતું. આ દરમિયાન મોદીએ વસુંધરાને એક ક્ષણ પણ જોયા ન હતા. ત્યારથી વસુંધરાના ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાઈ રહી છે. તાજેતરમાં જ અમિત શાહ અને જેપી નડ્ડા જયપુર આવ્યા હતા. આ દરમિયાન તેમણે વસુંધરા સાથે લાંબા સમય સુધી વાત કરી. જોકે, આ મીટિંગ બાદ વસુંધરા ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી. રાજકારણમાં એવી અટકળો ચાલી રહી હતી કે બંને નેતાઓએ વસુંધરાને મનાવી લીધા છે. પરંતુ જોધપુરની સભામાં વસુંધરાને ફરી એકવાર સાઈડલાઈન કરાતાં ભાજપમાં રાજકારણ ગરમાયું છે. 

વસુંધરા 'ચિંતિત', શિવરાજ 'ભાવુક', BJPના દિગ્ગજોથી PM મોદી નારાજ? નેતૃત્વ પરિવર્તનના સંકેત 2 - image



Google NewsGoogle News