વડાપ્રધાને અનુરાગ ઠાકુરનો વીડિયો શેર કરીને સંસદીય વિશેષાધિકારનો ભંગ કર્યો : કોંગ્રેસ
- ઠાકુરે કરેલી ટિપ્પણીઓ દલિતો, આદિવાસીઓ અને પછાતોનું અપમાન
- અનુરાગે ઠાકુરે સંસદમાં આપેલા ભાષણની વડાપ્રધાને એક્સ પર પ્રશંસા કરી તેને સાંભળવા અપીલ કરી હતી
- કોંગ્રેસ નેતા ચન્નીએ ઠાકુરની ટિપ્પણીના કેસમાં વડાપ્રધાનની વિરુદ્ધ લોકસભા અધ્યક્ષને વિશેષાધિકાર ભંગની નોટિસ આપી
નવી દિલ્હી : બજેટ પર ચર્ચા દરમિયાન ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે કરેલી ટિપ્પણીઓ દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગોનું અપમાન છે તેવો આરોપ વિપક્ષી દળોએ આજે મૂક્યો છે.
કોંગ્રેસે દાવો કર્યો છે કે વડાપ્રધાન મોદીએ સંસદીય વિશેષાધિકારના ભંગને વેગ આપ્યો છે. ઠાકુરે મંગળવારે લોકસભામાં બજેટ પર ચર્ચામાં ભાગ લેતા જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર ઉગ્ર પ્રહારો કર્યા હતાં.
પોતાના ભાષણમાં તેમણે જણાવ્યું હતું કે જેની જાતિની ખબર નથી તે જાતિ આધારિત વસ્તી ગણતરીની વાત કરે છે. કોંગ્રેસ સભ્યોએ આ ટિપ્પણીનો જોરદાર વિરોધ કરી ભારે હોબાળો કર્યો હતો. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય પ્રધાને તેમનું અપમાન કર્યુ છે.
વડાપ્રધાન મોદીએ અનુરાગે ઠાકુરે સંસદમાં આપેલા ભાષણની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે આ ભાષણ ચોક્કસ સાંભળવું જોઇએ.
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે એક્સ પર જણાવ્યું છે કે વડાપ્રધાન જે ભાષણ ચોક્કસ સાંભળવાનું કહી રહ્યાં છે તે ભાષણમાં તેમના સાંસદે ખૂબ જ અપમાનજનક, ગેરબંધારણીય અને ટીકાપાત્ર ટિપ્પણીઓ કરી છે. આ વીડિયો શેર કરીને વડાપ્રધાને સંસદીય વિશેષાધિકારના ભંગને વેગ આપ્યો છે.
તેમણે આરોપ મૂક્યો છે કે અનુરાગ ઠાકુરે એક સાંસદ અને વિપક્ષના નેતાને તેમની જાતિ પૂછીને સંસદીય સંવાદ અને ચર્ચાના સ્તરને નીચે લઇ ગયા છે.
રમેશે જણાવ્યું હતું કે વિપક્ષના વિરોધ પર અધ્યક્ષ જગદંબિકા પાલે ખાતરી આપી હતી કે ભાષણના તેમના અંશો હટાવી દેવામાં આવશે. જો કે વડાપ્રધાને જાહેરમાં આ વીડિયો શેર કરીને પ્રશંસા કરી છે.
કોંગ્રેસ નેતા ચરણજિત સિંહ ચન્નીએ ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરની ટિપ્પણીના કેસમાં બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને વિશેષાધિકાર ભંગની નોટીસ આપી છે.
પંજાબના જલંધરના લોકસભા સાંસદ ચન્નીએ આ નોટીસમાં દાવો કર્યો છે કે વડાપ્રધાન મોદીએ ઠાકુરના ભાષણવાળો વીડિયો એક્સ પર શેર કર્યો છે જેને સંસદની કાર્યવાહીમાંથી દૂર કરવામાં આવ્યો છે.