નાગરિકતા સુધારા કાયદાને ઓવૈસીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો, બંધારણ વિરુદ્ધ ગણાવતાં કરી મોટી માગ
આગામી 19 માર્ચના રોજ સુપ્રીમકોર્ટ 200થી વધુ અરજીઓ પર સુનાવણી કરશે
CAA and Owaisi news | નાગરિકતા સુધારા કાયદા (CAA) વિરુદ્ધ AIMIM ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પણ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા છે. તેમણે પોતાની અરજીમાં કહ્યું કે સીએએ કાયદો બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધ છે. તે કલમ 14, 25 અને 21 નું ઉલ્લંઘન કરે છે એટલા માટે જ્યાં સુધી સુનાવણી પતી ન જાય ત્યાં સુધી આ કાયદાના અમલ પર રોક લગાવવામાં આવે.
મુસ્લિમો વિરુદ્ધ કાવતરું ગણાવ્યું
અસદુદ્દીન ઓવૈસીએ સીએએને મુસ્લિમો વિરુદ્ધ કાવતરું ગણાવતાં તેને ભેદભાવપૂર્ણ ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં સીએએ પર રોક લગાવવાની માગ કરતી લગભગ 200થી વધુ અરજીઓ કરવામાં આવી છે અને આ મામલે સુપ્રીમ કોર્ટે આગામી 19 માર્ચે સુનાવણી કરવાની તૈયારી બતાવી છે. ઓવૈસીએ માગ કરી હતી કે સીએએની કલમ 6બી હેઠળ સરકાર કોઈને પણ નાગરિકતા ન આપે.
2019માં કાયદો બન્યો હતો
ઉલ્લેખનીય છે કે નાગરિકતા સુધારા કાયદો (CAA) 2019માં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. જોકે તે પાસ થતાં જ દેશભરમાં દેખાવો થતાં કેન્દ્ર સરકારે ત્યારે કાયદાનો અમલ અટકાવી દીધો હતો. જોકે હવે તેને લાગુ કરવા માટે કેન્દ્ર સરકારે લોકસભા ચૂંટણી 2024ના ટાણે નોટિફિકેશન જાહેર કરી હતી.