ભારતની ત્રણેય સેનાની તૈયારી, જાણો કેવી રીતે કામ કરશે દેશનું પહેલું સર્વિસ કોમન ડિફેન્સ સ્ટેશન
Tri-Service Common Defence Station : કેન્દ્ર સરકાર મુંબઈને દેશનું સૌથી શક્તિશાળી સૈન્ય મથક બનાવવાની યોજના બનાવી રહી હોવાના અહેવાલ સામે આવ્યા છે. યોજના હેઠળ મુંબઈ (Mumbai)માં ટ્રાઈ-સર્વિસ કૉમન ડિફેન્સ સ્ટેશન એટલે કે લશ્કર, વાયુ સેના અને નૌસેનાનું કૉમન સ્ટેશન સ્ટેશન બનાવાશે. આ સ્ટેશન ઈન્ટીગ્રેટેડ થિયેટર કમાન્ડ પહેલા બનવાની સંભાવના છે.
દેશમાં એક પણ કૉમન ડિફેન્સ સ્ટેશન નહીં
મીડિયા અહેવાલો મુજબ મુંબઈમાં ત્રણેય સેનાનું સંયુક્ત સ્ટેશન બનાવવા ટૂંક સમયમાં નિર્ણય લેવાશે. હાલ દેશમાં એક પણ કૉમન ડિફેન્સ સ્ટેશન નથી, માત્ર અંદમાન અને નિકોબારમાં જ ત્રણેય સેનાનું કમાન્ડ સેન્ટર છે અને તેને વર્ષ 2001માં બનાવાયું હતું. ત્રણે સેના માટે બનનારા નવા સ્ટેશનમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસીત કરાશે. તેમાં લોજિસ્ટિક સપોર્ટ, રિપેરિંગની સુવિધા અને મેન્ટેનન્સની વ્યવસ્થા પણ હશે.
નવા સ્ટેશનની જવાબદારી કોના માથે?
મળતા અહેવાલો મુજબ મુંબઈમાં નૌસેનાની ઉપસ્થિતિ વધારે હોવાથી નવા સ્ટેશનનું નેતૃત્વ તેને સોંપાશે. હાલ ત્રણે સેનાના સેન્ટરો મુંબઈમાં જુદા જુદા વિસ્તારોમાં આવેલા છે. હાલની યોજના મુજબ લોજિસ્ટિક, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એડમિનિસ્ટ્રેશનને એક સાથે લવાશે.
વધુ બે કૉમન ડિફેન્સ સ્ટેશન બનાવાશે
ટ્રાઈ-સર્વિસ કૉમન ડિફેન્સ સેન્ટર બનાવવાથી ત્રણે સેનાઓ એક સાથે દેશના પશ્ચિમી તટ અને વિસ્તારોમાં કોઈપણ પ્રકારના ઓપરેશનને અંજામ આપી શકશે. પાકિસ્તાન પર પણ કડક નજર રાખી શકાશે. આ ઉપરાંત સૈનિકો અને તેમના પરિવારજનો માટે અહીં સ્કૂલ, હોસ્પિટલ, સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, ટ્રેનિંગ સુવિધા પણ હશે. સામાન્ય રીતે ત્રણે સેનાઓ માટેનું અલગ-અલગ ફંડ રિલિઝ કરવામાં આવતું હોય છે. આ સ્ટેશન બન્યા બાદ ત્રણે સેનાને એક જ ચેઈનથી ફંડ રિલિઝ કરી શકાશે. એટલું જ નહીં મુંબઈ બાદ કોયમ્બતુરના સુલુર (Sulur in Coimbatore)માં અને ગુવાહાટી (Guwahati)માં કૉમન ડિફેન્સ સ્ટેશન બનાવાશે. સુલુરમાં વાયુ સેના સ્ટેશનનું નેતૃત્વ કરશે, જ્યારે ગુવાહાટીમાં લશ્કર સંભાળશે.