Get The App

ઉત્તરથી દક્ષિણ સુધી ભાજપને ઘેરવાનો પ્લાન, રાહુલ અને પ્રિયંકાની જોડી હવે કરશે આ મોટું કામ

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
ઉત્તરથી દક્ષિણ સુધી ભાજપને ઘેરવાનો પ્લાન, રાહુલ અને પ્રિયંકાની જોડી હવે કરશે આ મોટું કામ 1 - image


Rahul Gandhi-Priyanka Gandhi: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દેશભરમાં પાર્ટી માટે સતત પોલિટિકલ ગ્રાઉન્ડ મજબૂત કરી રહ્યા છે. ક્યારેક તેઓ મણિપુર તો ક્યારેક હાથરસની મુલાકાત લઈ રહ્યા છે. ક્યારેક તેઓ આસામમાં પૂર પીડિતો સાથે મુલાકાત કરી રહ્યા છે તો ક્યારેક રાયબરેલીમાં દર્દીઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. રાયબરેલી એ જ સીટ છે જેને રાહુલ ગાંધીએ જીતેલી વાયનાડ બેઠકને છોડીને પસંદ કરી છે. રાહુલ ગાંધી બે વખત રાયબરેલીની મુલાકાત લઈ ચૂક્યા છે. યુપીમાં રાહુલ ગાંધીની આ ત્રીજી મુલાકાત છે. 

હવે લાગે છે કે યુપીમાં કોંગ્રેસને ફરીથી જીવંત કરવાની જવાબદારી રાહુલ ગાંધીએ લીધી છે. પહેલા યુપીની જવાબદારી પ્રિયંકા પર હતી પરંતુ હવે તેમને વાયનાડથી ચૂંટણી લડવાની જવાબદારી સોંપવામાં આવી છે. એનો અર્થ એ કે એક પાસે ઉત્તર અને બીજા પાસે દક્ષિણ છે. કોંગ્રેસની ભાઈ-બહેનની જોડીએ ભાજપ માટે મુશ્કેલી વધારી દીધી છે, કારણ કે જો પ્રિયંકા વાયનાડથી જીતશે તો પાર્ટી દેશના બંને છેડેથી ભાજપને ઘેરશે. ચાલો જાણીએ કે કોંગ્રેસનો હવે શું પ્લાન છે.

યુપીમાં કોંગ્રેસને મજબૂત કરી રહ્યા રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ તાજેતરમાં જ રાયબરેલીની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓ એઈમ્સ પહોંચ્યા હતા અને દર્દીઓની સ્થિતિ જાણી હતી. તેઓ ન્યુરોલોજી ડિપાર્ટમેન્ટમાં 10 વર્ષની બાળકી સાથે લુડો પણ રમ્યા હતા. રાહુલના યુપી પ્રવાસને અંગે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ હવે એવો સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે કે હું આ રાજ્યને લઈને ખૂબ જ ગંભીર છે. રાહુલના આવા પ્રવાસોથી યુપીમાં પાર્ટીને મજબૂતી મળશે. આ જ કારણ છે કે રાહુલે વાયનાડ છોડીને પોતાની સંસદીય બેઠક તરીકે રાયબરેલી બેઠક પસંદ કરી.

જોકે, રાહુલ ગાંધીની સાચી અગ્નિપરીક્ષા યુપીમાં 10 વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી છે. તેનાથી એ જાણવા મળશે કે, રાહુલ ગાંધી યુપીથી સાંસદ બન્યા બાદ પાર્ટી અહીં કેટલી મજબૂત બની છે. જોકે, કોઈ પણ એ વાતથી ઈનકાર ન કરી શકે કે, યુપીમાં કોંગ્રેસને મજબૂત કરવાનું કામ પ્રિયંકા ગાંધીએ કર્યું છે. તેમણે રાયબરેલીમાં 9 દિવસ અને અમેઠીમાં સાત દિવસ ચૂંટણી પ્રચાર કર્યો હતો. 

વાયનાડ માટે ચાલી રહી છે પ્લાનિંગ

પ્રિયંકા ગાંધી વાડ્રા હવે વાયનાડથી ચૂંટણી લડશે અને તેમની પણ રાજનીતિમાં એન્ટ્રી થશે. કોંગ્રેસ વાયનાડ બેઠક પરથી જીત હાંસલ કરવા માટે કમર કસી લીધી છે. કોંગ્રેસને અહીંથી સરળતાથી જીત મળી જાય તેવી આશા છે. કોંગ્રેસના નેતાઓ લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે અને તેમના વિચારો તેમના સુધી પહોંચાડી રહ્યા છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે તેઓ વાયનાડના લોકોને રાહુલની ખોટ નહીં સાલવા દેશે. હવે આ સંદેશ લોકો સુધી કેટલો સારો પહોંચ્યો છે તે ચૂંટણીના પરિણામો જ જણાવશે. 

પ્રિયંકા ગાંધી પ્રથમ વખત ચૂંટણી લડવા જઈ રહી છે. 15 વર્ષમાં પહેલીવાર કોંગ્રેસને લાગે છે કે યુપીમાં તેની સ્થિતિ સુધરી શકે છે. જો પ્રિયંકા વાયનાડથી જીતશે તો ઉત્તર અને દક્ષિણના રાજ્યોમાંથી ગાંધી પરિવારના સભ્યો લોકસભામાં જોવા મળશે. સોનિયા ગાંધી પહેલાથી જ રાજ્યસભામાં છે. ઉત્તરમાંથી રાહુલ ગાંધી, દક્ષિણમાંથી પ્રિયંકા ગાંધી અને પશ્ચિમમાંથી સોનિયા ગાંધી કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરતા જોવા મળી શકે છે.

હવે સવાલ એ ઉઠે છે કે ભાઈ-બહેનની જોડી સંસદમાં કોંગ્રેસને મજબૂત કરતી નજર આવશે કે નહીં. 17 જૂને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે રાહુલ ગાંધી પોતાની પાસે રાયબરેલી બેઠક રાખશે જ્યારે પ્રિયંકા ગાંધી વાયનાડથી ચૂંટણી મેદાનમાં ઉતરશે. વાયનાડની ચૂંટણી પછી જ ખબર પડશે કે આ જોડી કમાલ કરશે કે નહીં.


Google NewsGoogle News