સિંધુ જળ સંધિ ખતમ કરવાનો પ્લાન તૈયાર, ત્રણ તબક્કામાં લાગુ થશે નિર્ણય, જાણો શું થશે હવે પાકિસ્તાનનું
India-Pakistan Indus Water Treaty : આતંકવાદીઓએ કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર આડેધડ ગોળી વરસાવી મોતને ઘાટ ઉતાર્યા બાદ પાકિસ્તાન ચોતરફ મુશ્કેલીમાં આવી ગયું છે. હુમલા બાદ ભારત સરકાર પાકિસ્તાન વિરુદ્ધ એક પછી એક કડક નિર્ણયો લઈ રહી છે. આતંકવાદીઓનો ગઢ બનેલું પાકિસ્તાને સબક શિખડાવવા માટે ભારતે 1960ની સિંધુ જળ સંધિ સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી. હવે એવી માહિતી સામે આવી છે કે, આ સંધિ સમાપ્ત કરવાનો ભારતે પ્લાન બનાવી દીધો છે, જેને ત્રણ તબક્કામાં લાગુ કરાશે.
પાકિસ્તાન જતું પાણી અટકાવાશે, પ્લાનની તૈયારીઓ શરૂ
સૂત્રોના જણાવ્યા મુજબ, ભારત સરકારે સિંધુ નદીના પાણીનો પ્રવાહ પાકિસ્તાન તરફ જતો અટકાવવાનો નિર્ણય લઈ લીધો છે. આ માટે સિંધુ બેસિન નદીઓ પર બંધોની ક્ષમતા વધારવામાં આવશે. કેન્દ્ર સરકાર પાકિસ્તાન વિરુદ્ધનો આ નિર્ણય ત્રણ તબક્કામાં લાગુ કરવાનો પ્લાન બનાવી રહી છે.
સિંધુ જળ સંધિ અંગે લીધેલા નિર્ણયનું સંપૂર્ણ પાલન કરાશે : પાટીલ
જળ ઉર્જા મંત્રી સી.આર.પાટિલે સ્પષ્ટ કહ્યું કે, કેન્દ્ર સરકારે સિંધુ જળ સંધિ અંગે લીધેલા નિર્ણયનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે, પરંતુ તેને ત્રણ તબક્કામાં એટલે કે 1... તાત્કાલીક, 2... મિડ ટર્મ અને 3... લૉન્ગ ટર્મમાં લાગુ કરવામાં આવશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, ભારતથી પાકિસ્તાન પાણીનું એકપણ ટીપું ન જાય, તેની સંપૂર્ણ વ્યવસ્થા કરાશે.
સંધિ સસ્પેન્ડ કરવાની વાત સાંભળતા જ પાકિસ્તાન ફફડ્યું
જમ્મુ-કાશ્મીરના પહરલગામમાં મંગળવારે (22 એપ્રિલે) ભયાનક આતંકવાદી હુમલો થયા બાદ ભારત પાકિસ્તાન વિરુદ્ધ કડકાઈથી કાર્યવાહી કરી છે. ભારતે 1960 સિંધુ જળ સમજૂતી ખતમ કરવા સહિત અનેક પગલા ભર્યા છે, જેના કારણે પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. ભારતના નિર્ણયની અસર આખા પાકિસ્તાન પર પડી છે. આ જ ક્રમમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ગુરુવારે (24 એપ્રિલ, 2025) એક ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક પણ બોલાવી હતી, જેમાં તેમણે ભારતીય ફ્લાઇટ્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં શાહબાજ સરકારે કહ્યું કે, પાણી રોકવું યુદ્ધ જેવી કાર્યવાહી છે.
પાકિસ્તાનની NSCની બેઠકમાં કયાં નિર્ણયો લેવાયા હતા?
- પાકિસ્તાને સિંધુ જળ કરાર અટકાવવાના ભારતના નિર્ણયને નકાર્યો છે.
- NSCએ કહ્યું કે, કહ્યું કે, સિંધુ જળ કરાર એ વિશ્વ બેંકની મધ્યસ્થાથી કરેલી આંતરરાષ્ટ્રીય સંધી છે, જેને એકતરફથી સસ્પેન્ડ ન કરી શકાય.
- પાકિસ્તાને કહ્યું કે, જો ભારત પાણી રોકવાનો અથવા દિશા બદલવાનો પ્રયાસ કરશે તો તેને યુદ્ધની કાર્યવાહી માનવામાં આવશે, જેનો અમે સંપૂર્ણ તાકાત સાથે જવાબ આપીશું.
- તેણે કહ્યું કે, અમે ભારત સાથેના તમામ દ્વિપક્ષીય કરારોને સસ્પેન્ડ કરી શકીએ છીએ, તેમાં શિમલા સમજૂતી કરાર પણ સામેલ છે.
- ભારતે અટારી બોર્ડર ચેક પોસ્ટ બંધ કરવાનો નિર્ણય બાદ પાકિસ્તાને વાઘા બોર્ડરને તાત્કાલીક અસરથી બંધ કરી દીધી છે, માત્ર માન્ય પરવાનગી સાથે આવેલા લોકો 30 એપ્રિલ સુધી પાછા જઈ શકે છે.
- તેણે SAARC વિઝા યોજના હેઠળ તમામ ભારતીય નાગરિકોના વીઝા પણ રદ કર્યા છે. માત્ર શિખ શ્રદ્ધાળુઓને છૂટ આપી છે. જ્યારે અન્ય ભારતીયોને 48 કલાકમાં પાકિસ્તાન છોડવાનો આદેશ આપ્યો છે.
- ઈસ્લામાબાદે ભારતીય સેના, નૌસેના અને વાયુસેનાના સલાહકારોને ‘અનિચ્છનીય વ્યક્તિ’ જાહેર કરી પાકિસ્તાન છોડવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત પાકિસ્તાન સ્થિત હાઈ કમિશનનો સ્ટાફ ઘટાડીને 30 કરી દીધો છે.
- પાકિસ્તાનું એરસ્પેસ ભારતની કોમર્શિયલ સહિતની તમામ ફ્લાઈટો માટે બંધ કરી દેવાયું છે.
- પાકિસ્તાને ભારત સાથેનો તમામ વેપાર વ્યવહાર ભલે તે ત્રીજા દેશનો રસ્તો હોય, તે બંધ કરવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો : VIDEO : RDX, હેન્ડ ગ્રેનેડ્સ, પિસ્તોલ, રિમોટ... પંજાબ બોર્ડર પાસેથી ઝડપાયા હથિયાર
પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતનો પાકિસ્તાનને જવાબ
ઉલ્લેખનીય છે કે, આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કર્યો હતો, જેમાં 26 લોકોના મોત અને 17 લોકોને ઈજા થઈ હતી. આ કાયરતાપૂર્વકની અને ભયાનક ઘટના બાદ દેશભરમાં રોષ ભભૂક્યો હતો. એટલું જ નહીં વિદેશમાં પણ હુમલાના પડઘા પડ્યા હતા. હુમલા બાદ સુરક્ષા દળો અનેક વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કરી રહ્યા છે. બીજીતરફ કેન્દ્ર સરકારે ગઈકાલે સિંધુ જળ સમજૂતી સહિતના મોટા મોટા નિર્ણય લઈને પાકિસ્તાનને મુશ્કેલીમાં મુકી દીધું છે. પહલગામમાં ભયાનક આતંકવાદી હુમલો થયા બાદ કેન્દ્ર સરકારે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે.
ભારત અનેક નિર્ણય લઈ પાકિસ્તાનને આપ્યો ઝટકો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગઈકાલે સીસીએસ (કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી)ની બેઠક યોજાઈ હતી, ત્યારબાદ ભારતે સિંધુ જળ સંધિ રદ કરવા સહિત અનેક જાહેરાત કરી છે. ભારતે 23 એપ્રિલે અટારી બોર્ડર ચેક પોસ્ટ બંધ કરવાનો અને સિંધુ જળ કરાર પર રોક લગાવવાનો નિર્ણય લીધો હતો. આ ઉપરાંત તમામ પાકિસ્તાનીઓના વિઝા રદ કરવાનો અને SAARC હેઠળ પાકિસ્તાની નાગરિકોને મળેલી વિઝા છૂટ રદ કરી દીધી છે. ભારતમાં રહેતા પાકિસ્તાનીઓને 48 કલાકમાં ભારત છોડવા આદેશ, ભારતમાં પાકિસ્તાન ઉચ્ચાયુક્ત બંધ કરવાનો અને તમામ પાકિસ્તાની સૈન્ય સલાહકારોને ભારત છોડવા આદેશ અપાયો છે. ભારત પણ પોતાના સલાહકારોને પરત બોલાવશે. ભારતે ઉચ્ચાયુક્તોની કુલ સંખ્યા 55થી ઘટાડીને 30 કરવાનો નિર્ણય પણ લીધો છે.
સિંધુ જળ સંધિ શું છે?
ભારત અને પાકિસ્તાન વચ્ચે પંજાબમાંથી વહેતી છ નદીઓના પાણીની વહેંચણી માટે 19 સપ્ટમ્બર-1960ના રોજ સિંધુ જળ સંધિ થઈ હતી. આઝાદી પછી તરત જ પાકિસ્તાને કાશ્મીર પર હુમલો કર્યો ત્યારે ભારત અને પાકિસ્તાનના સંબંધો તંગ બન્યા હતા. પાકિસ્તાને 1951માં ડર વ્યક્ત કર્યો હતો કે, ભારત સિંધુ સહિતની નદીઓનાં પાણી રોકીને પાકિસ્તાનમાં પાણીની કૃત્રિમ અછત ઉભી કરીને દુકાળ લાવી શકે છે. પાકિસ્તાને યુ.એન.માં રજૂઆત કરતાં યુનાઈટેડ નેશન્સે વર્લ્ડ બેંકને મધ્યસ્થી કરવા કહેતાં વાટાઘાટો શરૂ થઈ અને નવ વર્ષના અંતે સંધિ થઈ હતી. ત્યારબાદ ઈન્ડસ રિવર સિસ્ટમ એટલે કે સિંધુ જળ પ્રણાલિમાં 70 ટકા પાણી પાકિસ્તાનને જ્યારે 30 ટકા પાણી ભારતને મળ્યું હતું.
સિંધુ જળ સંધિ હેઠળ ભારત-પાકિસ્તાને મળી ત્રણ-ત્રણ નદી
વર્લ્ડ બેંકની મધ્યસ્થીમાં થયેલી સિંધુ જળ સંધિમાં ભારત વતી જવાહરલાલ નહેરૂ અને પાકિસ્તાન વતી અયુબ ખાને તેના પર સહી કરી હતી. આ સંધિ પ્રમાણે ભારત અને પાકિસ્તાનમાં થઈને વહેતી છ મોટી નદીમાંથી ત્રણ-ત્રણ નદી બંને દેશોને વહેંચી દેવાઈ છે. ભારતના ભાગે પૂર્વમાં વહેતી બિયાસ, રાવિ અને સતલજ એ ત્રણ નદી આવી હતી, જ્યારે પાકિસ્તાનના ભાગે પશ્ચિમની સિંધુ, ચેનાબ અને ઝેલમ નદી આવી.
સિંધુ જળ સંધિ હેઠળના નિયમો
સિંધુ જળ સંધિ પ્રમાણે ભારત સિંધુ, ચેનાબ અને ઝેલમ નદીના પાણીનો ઉપયોગ સિંચાઈ, ટ્રાન્સપોર્ટ, પાવર જનરેશન એ ત્રણ ઉદ્દેશ માટે પોતાને મનફાવે એ રીતે કરી શકે છે પણ તેના પર મોટા ડેમ ના બનાવી શકે કે આ નદીઓના કાંઠે ઉદ્યોગો ના ઉભા કરી શકે. ભારત ચોક્કસ માત્રામાં પાણીનો સંગ્રહ કરી શકાય તેવા ડેમ બનાવી શકે પણ ડેમ બનાવતી વખતે પાકિસ્તાનને અમુક માત્રા કરતાં ઓછું પાણી ના મળે તેનું પણ ધ્યાન રાખવું પડે. જો કે ભારતને એવી જરૂર નથી પડી. ભારતે સતલજ, બિયાસ ને રાવિ એ ત્રણ નદીનાં પાણીનો ભરપૂર ઉપયોગ પોતાના ફાયદા કર્યો છે. સતલજ પર બંધાયેલા ભાખરા-નાંગલ બંધે પંજાબ-હરિયાણામાં ખેતીને સમૃધ્ધ કરી છે. પંજાબ અને હરિયાણાની હરિત ક્રાંતિ સતલજ નદીને આભારી છે. ભારત સતલજના પાણીનો મહત્તમ ઉપયોગ કરે છે.
અગાઉ ભારતે ક્યારેય સિંધુ જળ સમજૂતીને અટકાવી નહોતી. જોકે પાકિસ્તાન આતંકનું કેન્દ્ર અને ઉદભવ કેન્દ્ર બની ગયું છે. પાકિસ્તાનની સરહદ પરથી અવાર-નવાર આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરતા રહે છે અને નિર્દોષ નાગરિકોને નિશાન બનાવતા રહે. આવું જ ગઈકાલે પહેલગામમાં પણ થયું, જ્યાં આતંકીઓએ પ્રવાસીઓ પર આડેધડ ફાયરિંગ કરી 28 નિર્દોષોને મોતને ઘાટ ઉતારી દીધા. આ ઘટના બાદ દેશભરમાં આક્રોશ ફેલાયો છે. કેન્દ્ર સરકારે પણ કડક નિર્ણયો લેવાની શરૂઆત કરી સિંધુ જળ સમજૂતીને રદ કરી દીધો છે. આ નિર્ણય દર્શાવે છે કે, હવે આતંકવાદને સમર્થન આપતી પાકિસ્તાની નીતિને ભારત ક્યારેય સહન નહીં કરે.
સિંધુ જળ સમજૂતી રદ કરતા પાકિસ્તાનમાં શું પડશે અસર?
1... કૃષિ સંકટ વધશે : પાકિસ્તાન 80%થી વધુ સિંચાઈ કામગીરીમાં સિંધુ નદીના પાણીનો ઉપયોગ કરે છે. જો ભારત પાણી છોડવાનું બંધ કરે અથવા અટકાવી દે, તો તેની સીધી અસર પાકિસ્તાનની ખેતી પર પડશે.
2... ઉર્જાનું પણ સંકટ : પાકિસ્તાને સિંધુ અને ઝેલમ નદીઓ પર અનેક જળવિદ્યુત પ્રોજેક્ટ્સ બનાવ્યા છે. જો પાણી પુરવઠો બંધ થશે તો વીજ ઉત્પાદન ઘટશે, જેના કારણે દેશમાં ભયાનક ઊર્જા સંકટ ઉભું થશે.
3... પીવાના પાણીની અછત : પંજાબ અને સિંધ જેવા વિસ્તારોમાં લાખો લોકો પીવાના પાણી માટે સિંધુ નદી સિસ્ટમ પર આધાર રાખે છે, આવી સ્થિતિમાં ત્યાં પાણીની કટોકટી વધુ ઘેરી બની શકે છે.