કેનેડાએ જ સંબંધો ખરાબ કર્યા છે, ભારતને કોઈ નુકસાન નહીં થાય: કેન્દ્રીય મંત્રીનો પલટવાર
Image Source: Twitter
- બંને દેશોમાં ચાલુ તણાવ વચ્ચે મોદી સરકારે કેનેડાને કડક મેસેજ આપ્યો
નવી દિલ્હી, તા. 04 નવેમ્બર 2023, શનિવાર
India Canada Tension: ભારત અને કેનેડા વચ્ચે કેટલાય મહિનાથી તણાવની સ્થિતિ યથાવત છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો દ્વારા લગાવવામાં આવેલા આરોપો બાદ બંને દેશોના સબંધો ખરાબ થયા છે. ભારત સરકારે પણ પલટવાર કરતા ભારતમાં હાજર અનેક કેનેડિયન રાજદ્વારીઓને દેશ છોડવાનું અલ્ટીમેટમ આપી દીધુ હતું અને ત્યારબાદ 41 રાજદ્વારીઓને બીજા દેશમાં મોકલી દેવામાં આવ્યા હતા. બંને દેશોમાં ચાલુ તણાવ વચ્ચે મોદી સરકારે કેનેડાને કડક મેસેજ આપ્યો છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે સ્પષ્ટ કરી દીધું કે, કેનેડાએ જ સબંધો ખરાબ કર્યા છે અને તેનાથી ભારતને નહીં પરંતુ કેનેડાને જ નુકશાન થવા જઈ રહ્યું છે.
પીયૂષ ગોયલને કેનેડા મુદ્દે સવાલ કરવામાં આવ્યો તો તેના પર તેમણે કહ્યું કે, કેનેડા સાથે અમે કોઈ વાતચીત નથી રોકી. તેમણે રોકી છે. ત્યાં કેટલોક ભ્રમ છે લોકો પર તેમના નેતાઓમાં. આ ભ્રમ કોઈ પણ આધાર વિનાનો છે. તેનાથી તેમને જ નુકશાન થશે ભારતને નહીં. અમારું માર્કેટ વધ્યુ છે. હવે નુકશાન કેનેડા અને ત્યાંની ઈકોનોમી ભરશે. આ ઉપરાંત પીયૂષ ગોયલે એમ પણ કહ્યું કે, યુકે સાથે અમારી ચર્ચા ચાલી રહી છે અને સારી ચાલી રહી છે. તેમાં અમે જયશંકર અને નિર્મલાજી સાથે મળીમે દેશ હિતમાં નિર્ણય લઈએ છીએ. લોકોની સલાહ લઈને નિર્ણય લેવામાં આવે છે. આ તે જૂનો FATA નથી જેના પર કોંગ્રેસના સમયમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેને ભારતીય ઉદ્યોગના લોકો દરરોજ ગાળો આપે છે કે અમને ફેર ડીલ નથી મળી. અમારી જેટલી પણ એફટીએ થઈ છે તેની કોઈ ટીકા જોવા નહીં મળે.
ભારત-કેનેડા વચ્ચે સબંધો ખરાબ થયા
છેલ્લા કેટલાક વર્ષોમાં કેનેડામાં ખાલિસ્તાની આંદોલનોમાં વધારો થયો છે. અનેક ખાલિસ્તાની સમર્થકોએ કેનેડામાં સમયાંતરે ખાલિસ્તાનના સમર્થનમાં પ્રદર્શનો કર્યા છે. તેને લઈને G-20 દરમિયાન જસ્ટિન ટ્રુડો જ્યારે ભારત આવ્યા હતા ત્યારે પીએમ મોદીએ પણ વાતચીતમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. બાદમાં સપ્ટેમ્બરમાં ટ્રુડોએ સંસદમાં નિવેદન આપીને હોબાળો મચાવી દીધો હતો. તેમણે કહ્યું હતું કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્સીઓનો હાથ છે. ત્યારબાદથી ભારત અને કેનેડાના સબંધો વણસ્યા છે.