ભોપાલ ગેસ કાંડના કચરા મુદ્દે બબાલ, પીથમપુરમાં 2 યુવકનો આત્મદાહનો પ્રયાસ, પોલીસનો લાઠીચાર્જ
MP News: મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ઔદ્યોગિક ક્ષેત્ર પીથમપુરમાં ભોપાલમાંથી લાવવામાં આવેલા યુનિયન કાર્બાઈડના કચરાનો વિરોધ વધી રહ્યો છે. આ વિરોધ પ્રદર્શનમાં બે લોકોએ પેટ્રોલ છાંટી આગ ચાંપી આત્મદાહનો પ્રયાસ કર્યો હતો. તેમને ઈન્દોરના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
શુક્રવાર સવારથી જ પીથમપુરમાં બજારો બંધ છે. આ વિરોધમાં બંધને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. નાની-નાની દુકાનોથી માંડી મોટા વેપાર-ધંધાઓ બંધ પાળી રહ્યા છે.
રસ્તાઓ પર ચક્કાજામ
અમુક સમર્થકોએ ધનગઢ, બસ સ્ટેન્ડ અને આઝાદ ચોક પર પહોંચી રસ્તાઓ પર ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ત્યાં ઉપસ્થિત પોલીસ સાથે અથડામણ પણ થઈ હતી. પોલીસે અમુક સમર્થકો પર લાઠીચાર્જ કર્યો હતો. તદુપરાંત આ વિરોધ પ્રદર્શનમાં આમરણ ઉપવાસ પર બેઠેલા સંદીપ રઘુવંશીના સમર્થનમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી. સૈલાનાના ધારાસભ્ય કમલેશ ડોડિયાર પણ ઘરણાં કરી રહ્યા છે. જાહેર પરિવહન તેમજ ઔદ્યૌગિક ક્ષેત્રોમાં કારખાનાઓ ચાલુ છે. વિસ્તારમાં પોલીસ દળ ચુસ્ત બંદોબસ્ત સાથે ઉપસ્થિત છે.
આ પણ વાંચોઃ યુરિયામાંથી નકલી ઘી બનાવી 18 બ્રાન્ડના નામે બજારમાં ધૂમ વેચાણ, 2500 કિલો રૉ મટીરિયલ પકડાયું
કોંગ્રેસની આકરી ટીકા
ધારમાં લાઠીચાર્જ મુદ્દે કોંગ્રેસે ભાજપ સરકારને ઘેરી લીધી છે. કોંગ્રેસના ધારાસભ્યે પૂછ્યું છે કે, શું મધ્યપ્રદેશમાં લોકતંત્ર છે? પીથમપુરમાં યુનિયન કાર્બાઈડના ઝેરી કચરાની ઠાલવણી અને સળગાવવાનો વિરોધ કરી રહેલા લોકો પર લાઠીચાર્જ થઈ રહ્યો છે. એમપીપીએસસી વિરૂદ્ધ આંદોલન કરતાં યુવાનોને જેલભેગા કર્યા છે.
કોંગ્રેસ રાજકારણ રમી રહી છેઃ ડેપ્યુટી સીએમ
મધ્યપ્રદેશના ડેપ્યુટી સીએમ રાજેન્દ્ર શુક્લાએ જણાવ્યું કે, સરકારે પહેલાં જ સ્પષ્ટ કરી દીધુ હતું કે, કચરો હવે હાનિકારક નથી. આ ઘટનાના 25 વર્ષ બાદ પણ તેની અસર ખતમ થઈ નથી. પીથમપુરમાં પણ કચરો સળગાવવા પર કોઈ નુકસાન નથી. કોંગ્રેસ યુનિયન કાર્બાઈડના નામે રાજકારણ રમી રહી છે.
શું છે મામલો
ભોપાલ ગેસ કાંડના 40 વર્ષ બાદ યુનિયન કાર્બાઈડ કારખાનાનો 337 ટન ઝેરી કચરો ગુરૂવારે ઈન્દોર નજીક પીથમપુરની એક ઔદ્યોગિક કચરાના નિકાલ એકમમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આકરી સુરક્ષા વ્યવસ્થામાં ગ્રીન કોરિડોર બનાવી આ ઝેરી કચરાને પીથમપુર ટ્રાન્સફર કરાયો હતો. જેનો સ્થાનિકોએ પર્યાવરણ અને રહેણાંકો પર ગંભીર અસર થવાની ચિંતા સાથે વિરોધ કરી રહ્યા છે.
2015માં પણ 10 ટન કચરો નષ્ટ કરાયો હતો
આ વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા અમુક લોકોએ દાવો કર્યો છે કે, અગાઉ 2015માં પણ પીથમપુરમાં ટેસ્ટિંગના ભાગરૂપે યુનિયન કાર્બાઈડનો 10 ટન કચરો નષ્ટ કરવામાં આવ્યો હતો. જેના લીધે આસપાસના ગામની જમીન અને જળસ્રોતો પ્રદુષિત થયા હતા.