હવે ફિલ્મો બનાવનારાઓની મહેનત પર નહીં ફરે પાણી : પાયરસી રોકવા સરકાર લાવશે નવો કાયદો
ફિલ્મોની પાયરસી રોકવા સંસદ સત્રમાં સિનેમેટોગ્રાફી બિલ 2023 લાવવાનો કેન્દ્રીય કેબિનેટનો નિર્ણય
કેન્દ્રીય કેબિનેટે નેશનલ ક્વાન્ટમ મિશનને પણ મંજૂરી આપી, મિશન માટે 6003 કરોડ રૂપિયાની જોગવાઈ
Image - Anurag Thakur, Facebook |
નવી દિલ્હી, તા.19 એપ્રિલ-2023, બુધવાર
આજે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ફિલ્મોની પાયરસીને લઈ મોટો નિર્ણય કરાયો છે. આ અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, ફિલ્મોની પાયરસીને રોકવા માટે સિનેમેટોગ્રાફ એક્ટ-2023 લાવવાનો કેન્દ્રીય કેબિનેટે નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે, આગામી સંસદ સત્રમાં આ મામલે સિનેમેટોગ્રાફી બિલ 2023 લાવવામાં આવશે. આજે ફિલ્મ જગત, કલાકારો અને પ્રશંસકોથી જોડાયેલો મોટો નિર્ણય લેવાયો છે. ઘણા સમયથી માંગ હતી કે, પાયરસી પર કોઈક નિર્ણય લેવામાં આવે.
નેશનલ ક્વાન્ટમ મિશન માટે રૂ.6003 કરોડની જોગવાઈનો નિર્ણય
બીજી તરફ મોદી સરકારે નેશનલ ક્વાન્ટમ મિશનને મંજૂરી આપી દીધી છે. આ મિશન માટે 6003 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, જેની સમય મર્યાદા 2023-24થી 2023-31 સુધીની છે. આ માટે ચાર કેન્દ્ર બનાવવામાં આવશે, જેનું સંચાલન વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના મિશન ડિરેક્ટર કરશે. આ મિશનને માર્ગદર્શન આપવા માટે એક ગર્વનિંગ બોડી હશે. ક્વાન્ટમ ટેકનિકલ ભૌતિકશાસ્ત્ર (ફિજિક્સ)ની એક શાખા છે. આજના સમયમાં કોમ્પ્યુટરમાં પ્રયોગ થનારી ટેકનોલોથી ક્વાન્ટમ ટેકનોલોજીને શ્રેષ્ઠ મનાય છે, જેનો સફળ પ્રયોગ રહ્યો છે. આ ટેકનોલોજીથી કોમ્પુટિંગમાં ઘણી મદદ મળશે. આના દ્વારા ડેટાને પ્રોસેસ કરવું અને તેને જરૂરિયાત મુજબ તૈયાર કરવામાં સરળતા રહેશે.