રાષ્ટ્રપતિએ પૂર્વ ન્યાયમૂર્તિ પિનાકી ચંદ્ર ઘોષને લોકપાલ પ્રમુખ તરીકે શપથ લેવડાવ્યા
- લોકપાલ સમિતિમાં એક અધ્યક્ષ અને વધીને આઠ જેટલા સદસ્યોની જોગવાઈ
- સરકારી સેવકો વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોની તપાસ માટે કેન્દ્રમાં લોકપાલ અને રાજ્યમાં લોકાયુક્તની નિયુક્તિની જોગવાઈ
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 23 માર્ચ, 2019, શનિવાર
સર્વોચ્ય અદાલતના સેવાનિવૃત્ત ન્યાયાધીશ પિનાકી ચંદ્ર ઘોષે શનિવારે દેશના પહેલા લોકપાલ તરીકે શપથ ગ્રહણ કર્યા. રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે લોકપાલ પદના શપથ ગ્રહણ કર્યા હતા.
સર્વોચ્ય અદાલતના પૂર્વ ન્યાયાધીશ ન્યાયમૂર્તિ ઘોષનું મંગળવારે દેશના પ્રથમ લોકપાલ તરીકે નામાંકન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિભિન્ન ઉચ્ચ અદાલતોના પૂર્વ મુખ્ય ન્યાયાધીશો- ન્યાયમૂર્તિ દિલિપ બી. ભોસલે, ન્યાયમૂર્તિ પ્રદીપ કુમાર મોહંતી, ન્યાયમૂર્તિ અભિલાષા કુમારી તથા છત્તીસગઢ હાઈ કોર્ટના વર્તમાન મુખ્ય ન્યાયાધીશ અજય કુમાર ત્રિપાઠીની લોકપાલમાં ન્યાયિક સદસ્ય તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
જ્યારે સશસ્ત્ર સીમા દળના પૂર્વ પ્રથમ મહિલા પ્રમુખ અર્ચના રામસુંદરમ, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય સચિવ દિનેશ કુમાર જૈન, પૂર્વ આઈઆરએસ અધિકારી મહેન્દ્ર સિંહ અને ગુજરાત કેડરના પૂર્વ આઈએએસ અધિકારી ઈન્દ્રજીત પ્રસાદ ગૌતમ લોકપાલના ગેરન્યાયિક સદસ્ય છે. ન્યાયમૂર્તિ ઘોષ હાલ ૬૬ વર્ષના છે અને તેઓ મે, ૨૦૧૭માં સર્વોચ્ય અદાલતના ન્યાયાધીશના પદથી સેવાનિવૃત થયા હતા અને ત્યાર બાદ તેઓ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના સદસ્ય બન્યા હતા.
અમુક શ્રેણીના લોકસેવકો વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોની તપાસ માટે કેન્દ્રમાં લોકપાલ અને રાજ્યમાં લોકાયુક્તની નિયુક્તિની જોગવાઈ કરતો લોકપાલ અને લોકાયુક્ત કાયદો ૨૦૧૩માં પસાર કરવામાં આવ્યો હતો.
નિયમ મુજબ લોકપાલ સમિતિમાં અધ્યક્ષ સિવાય વધીને આઠ જેટલા સદસ્યોની જોગવાઈ છે અને તે પૈકીના ચાર ન્યાયિક સદસ્ય હોવા જોઈએ. પસંદગી પામ્યા બાદ અધ્યક્ષ અને સદસ્યો પાંચ વર્ષનો કાર્યકાળ કે પછી ૭૦ વર્ષની ઉંમર સુધી પદ સંભાળી શકશે.
લોકપાલ અધ્યક્ષનું વેતન તથા ભથ્થું દેશના મુખ્ય ન્યાયાધીશની સમાન અને સદસ્યોનું વેતન, ભથ્થું સર્વોચ્ય અદાલતના ન્યાયાધીશોને સમાન હશે. નિયમ મુજબ લોકપાલ સદસ્યોમાં ૫૦ ટકા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ, અલ્પ સંખ્યકો અને મહિલાઓ હોવા જોઈએ.