સચિન પાયલોટ ગદ્દાર છે, તેમને મુખ્યપ્રધાન બનાવી ન શકાય ઃ ગેહલોત

પાયલોટે ૨૦૨૦માં મારી સરકાર પાડી દેવાના પ્રયત્નો કર્યા હતાં ઃ મુખ્યપ્રધાન

મુખ્યપ્રધાને દાવો કર્યો છે કે તેમની પાસે પાયલોટ સહિત દરેક ધારાસભ્યને ૧૦-૧૦ કરોડ રૃપિયા અપાયા હતાં

Updated: Nov 24th, 2022


Google NewsGoogle News


(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૨૪સચિન પાયલોટ ગદ્દાર છે, તેમને મુખ્યપ્રધાન બનાવી ન શકાય ઃ ગેહલોત 1 - image

રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે ગુરૃવારે કોંગ્રેસ નેતા સચિન પાયલોટને ગદ્દાર ગણાવતા જણાવ્યું હતુંકે તેમણે ૨૦૨૦માં કોંગ્રેસની વિરુદ્ધ બળવો કર્યો હતો અને મારા નેતૃત્ત્વવાળી સરકારને પાડી દેવાના પ્રયત્નો કર્યા હતાં તેથી તેમને મુખ્યપ્રધાન બનાવી ન શકાય.

ગેહલોતે આ નિવેદનથી રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક ખેંચતાણ વધી રહી છે તે સ્પષ્ટ થઇ ગયું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા રાજસ્થાનમાં પણ આવનારી છે.

મધ્ય પ્રદેશમાં ભારત જોડો યાત્રામાં ગુરૃવારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની સાથે પગપાળા ચાલી રહેલા પાયલોટે ગેહલોતના નિવેદન પર કોઇ પ્રતિક્રિયા આપી નથી.

ગેહલોતે એ પણ આરોપ મૂક્યો છે કે જ્યારે પાયલોટના નેતૃત્ત્વમાં કોંગ્રેસના કેટલાક ધારાસભ્ય ગુરુગ્રામના એક રિસોર્ટમાં એક મહિનાથી વધુ સમય સુધી રહ્યાં હતાં  ત્યારે આ બળવામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનની પણ ભૂમિકા પણ હતી.

રાજસ્થાનના મુખ્યપ્રધાને દાવો કર્યો હતો કે તેમની પાસે એ વાતના પુરાવા છે કે પાયલોટ સહિત પ્રત્યેક ધારાસભ્યને ૧૦-૧૦ કરોડ રૃપિયા આપવામાં આવ્યા હતાં.

તેમણે જણાવ્યું હતું કે પાર્ટી હાઇકમાન્ડ ઇચ્છે તો ૧૦૨ ધારાસભ્યોમાંથી પાયલોટને છોડીને કોઇને પણ મુખ્યપ્રધાન બનાવી શકે છે.

ગેહલોતે જણાવ્યું હતું કે ધારાસભ્યો ક્યારેય પણ પાયલોટનો સ્વીકાર કરશે નહીં  જેણે બળવો કર્યો હોય. તે મુખ્યપ્રધાન કેવી રીતે બની શકે છે. ધારાસભ્યો એવી વ્યકિતને કેવી રીતે મુખ્યપ્રધાન સ્વીકારશે જેમણે બળવો કરવા માટે ૧૦-૧૦ કરોડ રૃપિયા લીધા હોય.

 

 

 


Google NewsGoogle News