ભાજપ સામે મોટી મુશ્કેલી! રાજસ્થાનમાં બે ડેપ્યુટી CMએ શપથ લેતા PIL દાખલ, જાણો શું છે મામલો
અરજદારે ડેપ્યુટી સીએમનું પદ કાલ્પનિક ગણાવ્યું
બંને નાયબ મુખ્યમંત્રીઓની નિમણૂકને ગેરબંધારણીય ગણાવી
Rajasthan Politics : રાજસ્થાનમાં ભાજપે ભજન લાલ શર્માને મુખ્યમંત્રી બનાવ્યા હતા અને તેમની સાથે બે ડેપ્યુટી સીએમએ પણ શપથ લીધા હતા. જોકે આ બંને ડેપ્યુટી સીએમના શપથ બાદ એક નવી સમસ્યા સર્જાઈ છે. રાજસ્થાન હાઈકોર્ટમાં આ મામલે દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાના નાયબ મુખ્યમંત્રી (Deputy CM) તરીકે શપથ લેવા સામે જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી હતી.
બંનેના શપથને ગેરબંધારણીય ગણાવાયા
અરજદારે નાયબ મુખ્યમંત્રી પદ બંને નેતાઓના શપથને ગેરબંધારણીય ગણાવતાં અરજીમાં કહ્યું કે, ભારતના બંધારણમાં ડેપ્યુટી સીએમ જેવા હોદ્દાનો કોઈ ઉલ્લેખ જ નથી. આ ભારતના બંધારણની જોગવાઈઓનું ઉલ્લંઘન છે. બંધારણમાં નાયબ મુખ્યમંત્રી જેવું કોઈ પદ જ નથી. આ એક રાજકીય પોસ્ટ છે અને તે ગેરબંધારણીય છે. આ સાથે અરજદારે નાયબ મુખ્યમંત્રીઓની નિમણૂક રદ કરવાની અપીલ કરી હતી.
કોણે કરી હતી પીઆઈએલ?
રાજસ્થાન હાઈકોર્ટના વકીલ ઓમ પ્રકાશ સોલંકીએ આ અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે દિયા કુમારી અને પ્રેમ ચંદ બૈરવાના ડેપ્યુટી સીએમ તરીકે શપથ અને નિમણૂક ગેરબંધારણીય અને કાયદાની વિરુદ્ધ છે. એડવોકેટ ઓમ પ્રકાશ સોલંકીએ પોતાની અરજીમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી, કેન્દ્ર સરકારના સચિવ, મુખ્ય સચિવ, નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને પક્ષકાર બનાવ્યા છે. હાઈકોર્ટના વકીલ સોલંકીએ તેમની અરજીમાં વધુમાં જણાવ્યું હતું કે, ભારતના બંધારણમાં ક્યાંય પણ ડેપ્યુટી સીએમના પદનો કોઈ ઉલ્લેખ નથી અને ન તો આ પદ પર નિમણૂકની કોઈ જોગવાઈ છે. બંધારણની કલમ 163 અને 164 હેઠળ, રાજ્યપાલની મંત્રી પરિષદની નિમણૂક ફક્ત મુખ્યમંત્રીની ભલામણ પર કરવામાં આવે છે. શપથ માત્ર કલમ 163 હેઠળ લેવામાં આવે છે અને તેમાં રાજ્યપાલ મુખ્યમંત્રી અને તેમના મંત્રીઓને શપથ લેવડાવે છે.
વકીલે શું મુદ્દો ઊઠાવ્યો
અરજદાર વકીલ ઓમ પ્રકાશ સોલંકીએ કહ્યું કે જો કે શુક્રવારે દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા, જોકે બંધારણ હેઠળ માત્ર મંત્રીઓ જ શપથ લઈ શકે છે. આવી સ્થિતિમાં ડેપ્યુટી સીએમનું પદ કાલ્પનિક છે અને બંને ડેપ્યુટી સીએમ દ્વારા લીધેલા શપથ ગેરબંધારણીય છે. તેથી મેં અપીલ કરી છે કે આ બંને પદો અને નિમણૂકોને ગેરબંધારણીય જાહેર કરવામાં આવે અને તેને રદ કરવામાં આવે.