દિલ્હી સરકારની નવી કેબિનેટનું ચિત્ર સ્પષ્ટ, આતિશી સાથે આ પાંચ મંત્રી લેશે મંત્રી પદના શપથ
Image Source: Twitter
Delhi New Government Cabinet: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દેતાની સાથે જ નવી કેબિનેટના ગઠનની પ્રક્રિયા તેજ થઈ ગઈ છે. ધારાસભ્ય દળના નવા નેતા તરીકે ચૂંટાયા બાદ આતિશીએ નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરી દીધો છે. હવે દિલ્હીમાં નવી સરકારનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. આતિશી મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે અને તેમની સાથે પાંચ મંત્રીઓ શપથ ગ્રહણ કરશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે આતિશી સાથે ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, સૌરભ ભારદ્વાજ અને ઈમરાન હુસૈન મંત્રી પદના શપથ ગ્રહણ કરશે. મુકેશ અહલાવત પણ કેબિનેટ મંત્રી પદના શપથ ગ્રહણ કરશે.
કોણ છે મુકેશ અહલાવત?
મુકેશ અહલાવતના રૂપમાં એક દલિત ચહેરાને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. જો કે, દલિત ચહેરાના રૂપમાં વિશેષ રવિ અને કુલદીપ કુમારના નામ પણ રેસમાં હતા. પરંતુ તેમના બદલે પ્રથમ વખતના ધારાસભ્ય મુકેશને મહત્વ આપવામાં આવ્યું છે. મુકેશે 2020માં આમ આદમી પાર્ટીની ટિકિટ પર સુલ્તાનપુર માજરાથી પ્રથમ વખત દિલ્હીની ચૂંટણી લડી હતી. તેમણે આ ચૂંટણીમાં 48,042 મતોથી જીત હાંસલ કરી હતી.
દિલ્હીના ઉપરાજ્યપાલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું રાજીનામું અને આતિશી દ્વારા નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરવાનો પત્ર રાષ્ટ્રપતિને મોકલી આપ્યો છે.
તમને જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દળના નવા નેતા તરીકે ચૂંટાયા બાદ આતિશીએ ઉપરાજ્યપાલ વીકે સક્સેના સાથે મુલાકાત કરી હતી અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. ઉપરાજ્યપાલે નવી સરકારના શપથ ગ્રહણ માટે 21 સપ્ટેમ્બરની તારીખનો પ્રસ્તાવ મૂક્યો છે.
દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં જામીન પર જેલમાંથી બહાર આવેલા અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. રાજીનામાની જાહેરાત કરતી વખતે કેજરીવાલે કહ્યું હતું કે હવે હું જનતાની અદાલતમાં જઈશ અને જ્યાં સુધી તેનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી હું સીએમની ખુરશી પર નહીં બેસીશ. કેજરીવાલના રાજીનામા બાદ આતિશીએ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.
એક દિવસ પહેલા જ ઉપરાજ્યપાલે 21 સપ્ટેમ્બરે નવી સરકારના શપથગ્રહણ માટે રાષ્ટ્રપતિને પ્રસ્તાવ મોકલ્યો હતો. શપથ ગ્રહણ ઉપરાજ્યપાલ સચિવાલયમાં થશે. જો આમ આદમી પાર્ટી તેના માટે અન્ય કોઈ સ્થળનો પ્રસ્તાવ મૂકશે તો ત્યાં પણ આયોજન કરાવાવવામાં આવી શકે છે.