મથુરામાં મોટી કરૂણાંતિકા, વીજળીના થાંભલા સાથે ગાડી ટકરાતાં નાસભાગ મચી, 4નાં કચડાઈ જતાં મોત
Mathura Accident : મથુરામાં ગુરૂવારે સવારે ભીષણ રોડ અકસ્માત સર્જાયો છે. એક પૂરપાટ ઝડપે આવી રહેલા પિકઅપએ કાબૂ ગુમાવતાં વીજળીના થાંભલા સાથે ટક્કર વાગી ગઇ હતી. અકસ્માતમાં 2 મહિલાઓ અને 2 બાળકીઓના મોત થયા છે. તો બીજી તરફ 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર પિકઅપમાં કુલ 25 લોકો સવાર હતા. તમામ લોકો બિહારના પલવલ મજૂરી કરવા જઇ રહ્યા હતા. ટક્કર લાગતાં જ ગાડીમાં કરંટ આવી ગયો હતો, જેથી ડરીને લોકો આમ તેમ કૂદવા લાગ્યા. કરંટથી બચવા માટે ડ્રાઇવરે ગાડી પાછળ લીધી તો 4 લોકો કચડાઇ ગયા. આ અકસ્માત સર્જાયા બાદ ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો.
અકસ્માતમાં 4 માતા-પુત્રીઓના મોત
પોલીસ મથક કોસી કલા ક્ષેત્રમાં શેરગઢ રોડ પર સર્જાયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં બિહારના ગયા જિલ્લા રહેવાસી ગૌરી દેવી (ઉ.વ. 35) અને પુત્રી કોમલ અને કુંતી દેવી ( ઉ.વ. 30) અને કુંતી દેવીની પુત્રી પ્રિયંકા (ઉ.વ. 2 ) નું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. ઇજાગ્રસ્તોમાં કાજલ, જીરા, માના, ગંગા અને સત્યેન્દ્રનું નામ સામેલ છે.
લોકોને લાગ્યો હતો કરંટ
પ્રાપ્ત માહિતી અનુસાર પિકઅપ જ્યારે થાંભલા સાથે ટકરાઇ તો તેમાં કરંટ આવ્યો. કરંટથી બચવા માટે સવાર લોકો બહાર નિકળી ગયા. કરંટથી બચવા માટે ડ્રાઇવરે પિકઅપને પાછળ કરી, જેમાં કેટલાક લોકો ચગદાઇ ગયા હતા. આ અકસ્માત બાદ ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ગાડીમાં સવાર તમામ લોકોને મજૂરી કામ માટે બિહારથી બોલાવવામાં આવ્યા હતા. ઇંટના ભટ્ટા પર કામ કરવા માટે તમામ લોકો બિહારના ગયાથી ટ્રેન વડે અલીગઢ પહોંચ્યા હતા. ત્યારબાદ તેમને પિકઅપ દ્વારા મથુરાના કોસીમાં આવેલા ઇંટના ભટ્ટા પર લઇ જવામાં આવી રહ્યા હતા.