ફિઝિક્સવાલાના પાંડેએ નીટના ગ્રેસિંગ માર્કસને સુપ્રીમમાં પડકાર્યા : આજે સુનાવણી

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
ફિઝિક્સવાલાના પાંડેએ નીટના ગ્રેસિંગ માર્કસને સુપ્રીમમાં પડકાર્યા : આજે સુનાવણી 1 - image


- સુપ્રીમમાં નીટના રિઝલ્ટને પડકારતી વધુ એક અરજી

- 1500થી વધુ વિદ્યાર્થીઓને મનસ્વી રીતે 70 થી 80 ગ્રેસિંગ માર્ક્સ અપાયા : અલખ પાંડેના વકીલ

- એનટીએ વિવિધ હાઇકોર્ટોમાં નીટના રિઝલ્ટને પડકારતી અરજીઓને સુપ્રીમમાં ટ્રાન્સફર કરવાની માગ કરશે

નવી દિલ્હી : એજયુકેશન ટેકનોલોજી કંપની ફિઝિક્સ વાલાના સીઇઓ અલખ પાંડેએ ચાલુ વર્ષે  અંડર ગ્રેજયુએટ મેડિકલ પ્રવેશ માટે લેવામાં આવતી નીટની પરીક્ષામાં ૧૫૦૦થી વધુ ઉમેદવારોને ગ્રેસિંગ માર્ક આપવાના એનટીએના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

ફિઝિક્સ વાલા વતી હાજર રહેલા વકીલ જે સાઇ દીપકે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ સમક્ષ અરજીની તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. જેના જવાબમાં ન્યાયમૂર્તિ વિક્રમ નાથની  અધ્યક્ષતાવાળી ખંડપીઠે જણાવ્યું હતું કે તે આ કેસને રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરે લિસ્ટિંગની અપીલ સીજેઆઇના માધ્યમથી મોકલી શકાય.

વકીલ જે સાઇ દીપકે કોર્ટને જણાવ્યું હતું કે કોર્ટમાં અનેક અરજીઓ સુચીબદ્ધ કરવામાં આવી છે. કેટલીક એરજીઓ પરિણામ જાહેર થવાના પહેલા જ પેપર લીક થવાના આધારે કરવામાં આવી હતી. આ અરજીઓના સંદર્ભમાં નોટીસ જારી કરવામાં આવી છે. 

તેમણે જણાવ્યું હતું કે તેમની અરજી અલગ છે. તેમણે જણાવ્યું હતું કે તે અલખ પાંડેનું પ્રતિનિધિત્ત્વ કરે છે અને જેમણે લગભગ ૨૦૦૦૦ વિદ્યાર્થીઓની સહી એકત્ર કરી છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે ઓછામાં ઓછા ૧૫૦૦ વિદ્યાર્થીઓને મનસ્વી રીતે  ૭૦ થી ૮૦  ગ્રેસિંગ માર્ક આપવામાં આવ્યા છે. 

કોર્ટે સંકેત આપ્યા છે કે આ અરજી અંગે પણ અન્ય અરજીઓ સાથે વિચાર કરવામાં આવશે. જો કે સુપ્રીમે સ્પષ્ટ કરી દીધું છે કે તે આ તબક્કે કાઉન્સિલિંગ પ્રક્રિયા રોકશે નહીં. 

વિવિધ કારણોસર વિદ્યાર્થીઓને સમય ઓછો અપાયા બદલ ૧૫૦૦થી વધુ ગ્રેસિંગ માર્ક આપવામાં આવ્યા હતાં. પાંચ મેના રોજ ૪૭૫૦ કેન્દ્રો પર ૨૪ લાખથી વધુ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી હતી. પરિણામ ૧૪ જૂને જાહેર થવાનું હતું પણ ૪ જૂને જ રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું. 

આ દરમિયાન એનટીએએ જણાવ્યું છે કે નીટ-યુજી અંગે દેશની વિવિધ હાઇકોર્ટોમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે. એનટીએ જણાવ્યું છે કે તે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી આ તમામ અરજીઓ સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની માગ કરશે.


Google NewsGoogle News