ન્યાયની આશામાં દેશ એકજૂટ, આંખોમાં આસું અને અવાજમાં દર્દ... કોલકાતા દુષ્કર્મ-હત્યા પછી આક્રોશની તસવીરો
Kolkata Doctor Rape And Murder Case : કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ-હોસ્પિટલના સેમિનાર હોલમાં નવમી ઓગસ્ટે પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેઇની મહિલા ડૉક્ટર મૃત હાલતમાં મળી આવી હતી. તેમના પર દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરી દેવાઈ હતી. આ ઘટનાને લઈને દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. દેશભરનાં ડૉક્ટર, મેડિકલ કર્મચારીઓ, વિદ્યાર્થીઓ સહિત અનેક લોકો ભારે વિરોધ-પ્રદર્શન સાથે દેખાવો કરી રહ્યા છે. કોલકાતામાં મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા ઘણા લોકો ન્યાયની માંગ કરી રહ્યા છે.
નવી દિલ્હી : વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન
કોલકાતામાં દુષ્કર્મના કેસ સામે વિરોધ પ્રદર્શનો દિલ્હીની AIIMS કોલેજ અને હોસ્પિટલમાં પણ થયા હતા, જ્યાં સેંકડો લોકો એકઠા થયા હતા અને પીડિતા માટે ન્યાયની માંગ કરી હતી. દેશની રાજધાની દિલ્હીમાં વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. હિંદુ મહાસભાના લોકોએ જંતર-મંતર ખાતે રેલી કાઢી અને ઉગ્ર વિરોધ કર્યો હતો. જ્યારે કનોટ પ્લેસમાં લોકોએ જમીન પર બેસી, મીણબત્તીઓ પ્રગટાવી અને હાથમાં પોસ્ટર પકડીનો દેખાવો કર્યા હતા.
કોલકાતા : ભારે વરસાદ વચ્ચે પણ દેખાવો
કોલકાતામાં હજારો લોકો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, પરંતુ લોકો હજુ પણ ઘૂંટણ સુધીના પાણીમાં બેસીને વિરોધ કરી રહ્યા છે. કોલકાતામાં, કેટલીક મહિલાઓ મશાલો સાથે રસ્તા પર ઉતરી હતી અને ઉગ્ર વિરોધ કર્યો હતો અને સરકાર પાસે બળાત્કાર પીડિતા માટે ન્યાયની માંગ કરી હતી. મહિલાઓએ રેલી કાઢીને મશાલો સળગાવી વિરોધ કર્યો હતો. સિનિયર ડૉક્ટર્સ કુણાલ સરકાર અને સુબર્ણા ગોસ્વામી પણ લાલબજાર ખાતે વિરોધ રેલીમાં જોડાયા હતા.
કોલકાતા : અભિનેત્રી અને ડાયરેક્ટર પણ વિરોધમાં જોડાયા
બંગાળી અભિનેત્રી પાઉલી દામે કોલકાતામાં એક રેલીમાં ભાગ લીધો હતો અને પીડિતા માટે સરકાર પાસે ન્યાયની માંગ કરી હતી. કોલકાતામાં ડાયરેક્ટર શ્રીજીત મુખર્જીએ પણ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો અને પીડિતા માટે ન્યાયની માંગ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. દિનાજપુરમાં મહિલાઓએ હાથમાં મીણબત્તીઓ અને પોસ્ટર લઈને વિરોધ કર્યો હતો. આ દરમિયાન તેની આંખોમાં ગુસ્સો દેખાતો હતો.
મહારાષ્ટ્ર : દોષિતોને કડક સજાની માંગ સાથે વિરોધ
મહારાષ્ટ્રના નાગપુરમાં સ્થાનિક લોકોએ હાથમાં પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતા. આ વિરોધમાં મહિલાઓની સાથે પુરૂષો પણ જોવા મળ્યા હતા. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ લોકો કોલકાતા રેપ કેસ સામે અવાજ ઉઠાવી રહ્યા છે અને દોષિતોને કડક સજાની માંગ કરી રહ્યા છે.
ઉત્તર પ્રદેશ : વિરોધમાં સૂત્રોચ્ચાર, શેરી નાટક કર્યા, બે મિનટનું મૌન પાળ્યું
યુપીના મુરાદાબાદમાં મહિલાઓએ હાથમાં મશાલ લઈને વિરોધ કર્યો હતો. આ દરમિયાન લોકો નારા લગાવતા પણ જોવા મળ્યા હતા. લખનઉની કિંગ જ્યોર્જ મેડિકલ કોલેજમાં ડોકટરોએ ન્યાયની માંગ સાથે બે મિનિટનું મૌન પાળ્યું હતું. આ ઉપરાંત મેડીકલના વિદ્યાર્થીઓએ શેરી નાટક દ્વારા પણ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. કાનપુરની GSVM મેડિકલ કોલેજમાં ડોક્ટરોએ હાથમાં લાલ પ્રિન્ટવાળા કપડા લઈને વિરોધ કર્યો અને પીડિતા માટે ન્યાયની માંગ કરી હતી. અયોધ્યામાં પણ તબીબોએ ઉગ્ર વિરોધ કર્યો હતો.
બિહાર, બેંગ્લોર, આસામમાં પણ ઉગ્ર વિરોધ
બિહારની રાજધાની પટનામાં સેંકડો મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી અને ભયાનક દુષ્ક્રમ-હત્યાના કેસ સામે ઉગ્ર વિરોધ કર્યો હતો. બેંગ્લોરમાં કોલકાતા રેપ કેસના વિરોધમાં ઘણા લોકો દેખાવો કરતા જોવા મળ્યા હતા. લોકોએ હાથમાં મીણબત્તીઓ લઈને ન્યાયની માંગ કરી હતી. આસામના ગુવાહાટીમાં લોકોએ હાથમાં સૂત્રોચ્ચાર સાથે પોસ્ટરો સાથે વિરોધ કર્યો હતો. કોલકાતાથી લઈને દિલ્હી સુધી દરેક જગ્યાએ લોકો રેપ કેસનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે.