ભારત ચીનના દુશ્મન દેશને વેચશે 7 ખતરનાક હેલિકોપ્ટર, રાષ્ટ્રપતિએ ટ્વિટ કરીને આપી માહિતી

ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિએ પ્રસ્તાવ અંગે પરિવહન વિભાગ-કોસ્ટ ગાર્ડ સાથે ચર્ચા કરશે

બંને દેશો વચ્ચેની ડીલ સફળતાપૂર્વક પાર પડવાના સંકેત, ભારતીય રાજદૂતે પણ કરી પુષ્ટી

Updated: Nov 6th, 2023


Google NewsGoogle News
ભારત ચીનના દુશ્મન દેશને વેચશે 7 ખતરનાક હેલિકોપ્ટર, રાષ્ટ્રપતિએ ટ્વિટ કરીને આપી માહિતી 1 - image

નવી દિલ્હી, તા.06 નવેમ્બર-2023, સોમવાર

ભારતે ચીનના પડોશી અને દુશ્મન ફિલિપાઇન્સ (Philippines)ને 7 હેલિકોપ્ટર આપવાની ઓફર કરી હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ અંગે ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ આર માર્કોસ જૂનિયરે (President Bongbong Marcos) પણ ટ્વિટ કરીને જાહેરાત કરી છે. ફિલિપાઈન્સ કોસ્ટ ગાર્ડ (PCG)ના વડા આ વર્ષે ઓગસ્ટમાં ભારતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે એડવાન્સ્ડ લાઈટ હેલિકોપ્ટર (Advanced Light Helicopter-ALH MKIII)નું પ્રદર્શન નિહાળ્યું હતું, જેનાથી તેઓ ખુબ જ પ્રભાવિત થયા હતા, ત્યારે ભારત આ હેલિકોપ્ટ ફિલિપાઈન્સને સોંપશે, તેવી સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે.

ફિલિપાઈન્સે અગાઉ ભારત પાસેથી મિસાઈલો ખરીદી હતા

ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ આર માર્કોસ જૂનિયરે કહ્યું કે, ભારતે PCGને 7 હેલિકોપ્ટર ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ ભવનના કોમ્યુનિકેશન ઓફિસ દ્વાર ગઈકાલે બહાર પડાયેલી પ્રેસ રિલિઝમાં જણાવ્યું છે કે, રાષ્ટ્રપતિ માર્કોસ ભારતના પ્રસ્તાવ અંગે પરિવહન વિભાગ અને ફિલિપાઈન્સ કોસ્ટ ગાર્ડ સાથે ચર્ચા કરશે. જો આ ડીલ થશે તો ફિલિપાઈન્સ ભારતમાં બનાવાયેલ ALH MKIII ખરીદનાર પ્રથમ દેશ બનશે. ઉલ્લેખનિય છે કે, અગાઉ ફિલિપાઈન્સે રશિયા-ભારતના સંયુક્ત સાહસ હેઠળ ભારતમાં બનાવાયેલ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલો ખરીદી હતી.

ફિલિપાઈન્સ કોસ્ટ ગાર્ડ પણ રસ દાખવ્યો

ફિલિપાઈન્સમાં ભારતના રાજદૂત કુમારને પણ પુષ્ટિ કરતા કહ્યું કે, દરિયાઈ ખોજ, બચાવ ઓપરેશન અને માનવીય મદદ માટે ફિલિપાઈન્સને 7 હેલિકોપ્ટર આપવા ભારત સરકાર, પીસીજી અને ડીઓટીઆર વચ્ચે વાતચીત ચાલી રહી છે. કુમારે રાષ્ટ્રપતિ માર્કોસને કહ્યું કે, ચર્ચા સફળતાપૂર્વક ચાલી રહી છે. ફિલિપાઈન્સ કોસ્ટ ગાર્ડ પણ રસ દાખવ્યો છે. 

ફિલિપાઈન્સ-ચીન વચ્ચે અવારનવાર વિવાદ

ઉલ્લેખનિય છે કે, ચીનનો ભારતની સાથે ફિલિપાઈન્સ સાથે પણ અવારનવાર વિવાદ થતો રહે છે.  અગાઉ 2021માં ચીને દક્ષિણ ચીની સમુદ્રમાં ફિલિપાઈન્સની પેટ્રોલિંગ શીપને અટકાવતા વિવાદ થયો હતો. એ વખતે ફિલિપાઈન્સના પ્રમુખે કહ્યું હતું કે જળનું પાણી લોહિયાળ બનશે પછી જ કદાચ આ વિવાદ ખતમ થશે. એવું કહીને તેમણે ચીન સાથે આરપારની લડાઈના સંકેતો આપ્યા હતા.

ભારત-ફિલિપાઈન્સ વચ્ચે ચાલી રહી છે વાતચીત

ભારતીય વિમાન ઉત્પાદક હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (Hindustan Aeronautics Limited-HAL) દ્વારા ઓગસ્ટ 2023માં ગોવામાં ગ્રાહકો માટે એક પ્રદર્શનનું આયોજન કરાયું હતું, જેમાં હેલિકોપ્ટરની ખાસીયત સહિતની બાબતોને ઉજાગર કરાઈ હતી. આ કાર્યક્રમમાં ફિલિપાઈન્સ કોસ્ટ ગાર્ડના વડા એડમિરલ આર્ટેમિયો એમ અબૂ પણ ઉપસ્થિત રહ્યા હતા.

હેલીકોપ્ટરની ખાસીયત

એડવાંસ્ડ લાઈટ હેલિકોપ્ટર MK III સ્વદેશી ધ્રુલ હેલીકોપ્ટરનું એક વેરિઅન્ટ છે. ભારતીય સેના અને કોસ્ટ ગાર્ડમાં પણ આ હેલિકોપ્ટરનો ઉપયોગ થાય છે. આ હેલિકોપ્ટરનું વજન 5.5 ટન છે, જે મલ્ટી-રોલ, મલ્ટી-મિશન અને બહુમુખી હેલિકોપ્ટર છે. હેલિકોપ્ટરનું આધુનિક સર્વેલન્સ રડાર દરિયામાં 120 કિલોમીટર દૂર જહાજો અને બોટોને સળતાથી જોઈ શકાય છે. હેલિકોપ્ટરમાં અન્ય એક અત્યાધુનિક ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ સેન્સર દરિયામાં 30 કિલોમીટર દૂર નાના જહાજો પર દેખરેખ રાખવાની ક્ષમતા ધરાવે છે. હેલિકોપ્ટરમાં એક ભારે મશીન ગન પણ છે.


Google NewsGoogle News