ભારત સાથે વધી રહી છે ફિલિપાઈન્સની મૈત્રી, બ્રહ્મોસ મિસાઈલ બાદ વધુ એક મહત્વની ડીલ થવાની શક્યતા
Image Source: Wikipedia
નવી દિલ્હી, તા. 13. ફેબ્રુઆરી 2024 મંગળવાર
ચીન જે દેશો સાથે સંઘર્ષમાં ઉતર્યુ છે તે દેશો પૈકી ઘણા મદદ માટે ભારત તરફ નજર દોડાવી રહ્યા છે.ફિલિપાઈન્સ પણ તેમાંનો એક દેશ છે.
ફિલિપાઈન્સ અને ભારત વચ્ચેનો સહયોગ વધારે મજબૂત બની રહ્યો છે.હવે ફિલિપાઈન્સની રાજધાની મનિલાના નિનોય એક્વિનો ઈન્ટરનેશનલ એરપોર્ટના પુન નિર્માણ માટે પણ ભારતની કંપનીને કોન્ટ્રાક્ટ મળે તેવી શકયતાઓ છે.
નિનોય એક્વિનો ઈન્ટરનેશનલ એરપોર્ટ ઘણી સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યુ છે.અહીંયા ફ્લાઈટોની મોડા પડવાની, એરપોર્ટ પર ભીડભાડ જેવી સમસ્યાઓ છે.જેથી સરકારે આ એરપોર્ટનુ ત્રણ અબજ ડોલરના ખર્ચે પુન નિર્માણ અને વિસ્તરણ કરવાનુ નક્કી કર્યુ છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે ચાર જેટલી કંપનીઓએ તેના માટે બોલી લગાવી છે અને તેમાં ભારતીય કંપની સૌથી આગળ છે.
હાલમાં આ એરપોર્ટ પર કુલ ક્ષમતા કરતા 50 ટકા વધારે ફ્લાઈટો ઓપરેટ થઈ રહી છે.આ પહેલા તેના વિસ્તરણના બે પ્રયાસો નિષ્ફળ ગયા છે.સરકારનુ લક્ષ્યાંક નિનોય એક્વિનો ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોની સંખ્યા બમણી કરવાનુ છે અને આ માટે ચારમાંથી જે ત્રણ કંપનીઓ શોર્ટ લિસ્ટ થઈ છે તેમાં ભારતીય કંપનીનો પણ સમાવેશ થાય છે.
આ પહેલા ચીનના ખતરાને જોતા ભારત પાસેથી ફિલિપાઈન્સ બ્રહ્મોસ મિસાઈલ ખરીદી ચુકયુ છે અને એ પછી બંને દેશો વચ્ચે વધુ એક મહત્વની ડીલ થવાની શક્યતાઓ સર્જાઈ છે.