Get The App

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ સ્થિર થાય તો પેટ્રોલ-ડીઝલ સસ્તાં થઈ શકે

Updated: Mar 10th, 2024


Google NewsGoogle News
આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ સ્થિર થાય તો પેટ્રોલ-ડીઝલ સસ્તાં થઈ શકે 1 - image


- કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન હરદીપ પુરીનું સૂચક નિવેદન

- એલપીજીના ભાવમાં વિશ્વસ્તરે 300 ટકાના વધારા સામે કેન્દ્રએ ફક્ત 72 ટકા જ વધારો કર્યાનો દાવો

- કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પરની આબકારી જકાતમાં ઘટાડો કરીને 2.2 લાખ કરોડની આવક જતી કરી

નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ સ્થિર થાય તો કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવા વિચારી શકે તેમ કેન્દ્રીય પેટ્રોલિયન અને નેચરલ ગેસ પ્રધાન હરદીપપુરીએ જણાવ્યું હતું. જો કે ક્રુડ ઓઇલના ભાવે મે ૨૦૨૨માં પ્રતિ બેરલ ૧૪૦ ડોલરની ટોચ બનાવ્યા પછી છેલ્લા કેટલાય સમયથી પ્રતિ બેરલ ૮૦ ડોલર પર સ્થિર છે. છતાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટયા નથી.

આ અંગે હરદીપપુરીએ જણાવ્યું હતું કે ક્રૂડ ઓઇલના ભાવ હજી પણ અસ્થિર છે. ક્રૂડ ઓઇલના ભાવ ટોચે પહોંચ્યા હતા ત્યારે પેટ્રોલિયમ કંપનીઓને જંગી ખોટ ગઈ હતી, તેની રિકવરી હજી પણ ચાલુ છે. આ ઉપરાંત ડીઝલના ભાવમાં હજી પણ અંડર રિકવરી છે. તેમા યુક્રેન-રશિયા યુદ્ધની સાથે હવે ઇઝરાયેલ-હમાસ વચ્ચે ગાઝાપટ્ટીમાં યુદ્ધ ચાલી રહ્યુ છે અને હુથીઓ લાલ સમુદ્રમાં હુમલા કરી રહ્યા છે આ સંજોગોમાં ક્રૂડ ઓઇલના ભાવ વધુ નીચે જઈ શકે તેમ નથી. તેમણે જણાવ્યું હતું કે સરકારી ઓઇલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય ભાવ મુજબ તેમના ભાવમાં વધઘટ કરે છે. 

તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે નવેમ્બર ૨૦૨૧થી ૨૦૨૨ સુધીમાં પેટ્રોલ અને ડીઝલ પરની આબકારી જકાત ઘટાડીને અંદાજે ૨.૨ લાખ કરોડની આવક જતી કરી છે. તેમણે જણાવ્યું હતું કે સરકારે પેટ્રોલ પર પ્રતિ લિટર ૧૬ રુપિયા અને ડીઝલ પર પ્રતિ લિટર ૧૩ રુપિયા આબકારી જકાત ઘટાડી છે. તેના પરિણામે તેની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

તેમણે દાવો કર્યો હતો કે આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલા  એલપીજીના ભાવમાં ૩૦૦ ટકા ભાવવધારાની સામે અમે ફક્ત ૭૨ ટકા જ વધારો કર્યો છે. આમ આ વધારાનોનોંધપાત્ર હિસ્સો અમે શોષી લીધો છે.  તેમણે જણાવ્યું હતું કે સરકારે ૩૧ માર્ચ ૨૦૨૪ના રોજ પૂરી થતી એલપીજી સબસિડી સિલિન્ડરની સમયમર્યાદા એક વર્ષ લંબાવી છે. એલપીજીની કિંમત નીચી રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર સિલિન્ડરના ભાવમાં પ્રતિ સિલિન્ડર ૧૦૦ રુપિયાનો ઘટાડો કર્યો હતો. તેમણે જણાવ્યં  હતું કે દેશ ઓઇલની ૮૫ ટકા જરુરિયાતો આયાતમાંથી પૂરી કરે છે.


Google NewsGoogle News