Get The App

બાંગ્લાદેશમાં ઈસ્કોન પર પ્રતિબંધની માગની વધુ એક અરજી દાખલ, ગણાવાયું કટ્ટરપંથી સંગઠન

Updated: Nov 27th, 2024


Google NewsGoogle News
Bangladesh supreme Court


Petition To Ban ISCKON In Bangladesh : બાંગ્લાદેશમાં લઘુમતીઓની સ્થિતિ અંગે ચિંતાજનક સ્થિતિ સર્જાઇ છે. આ ઉપરાંત દેશના હિંદુ સમુદાયના અગ્રણી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટમાં ઇસ્કોન સંપ્રદાય પર પ્રતિબંધ મૂકવાની માગ કરતી અરજી દાખલ કરવામાં આવી છે. મીડિયા અહેવાલ મુજબ, અરજીમાં ઇસ્કોનને 'કટ્ટરવાદી' સંગઠન ગણાવવામાં આવ્યું છે તેમજ આક્ષેપ કર્યો છે કે ઇસ્કોન રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે અને સાંપ્રદાયિક અશાંતિને પ્રોત્સાહન આપે છે. 

સુપ્રીમ કોર્ટના વકીલે દાખલ કરી અરજી

આ અરજી સુપ્રીમ કોર્ટના વકીલ અલ મામુન રસેલ દ્વારા દાખલ કરવામાં આવી છે, જેમાં 10 અન્ય કાનૂની વ્યાવસાયિકોએ તેમને સમર્થન આપ્યું છે. અરજીમાં માગણી કરવામાં આવી છે કે ઇસ્કોન સંપ્રદાય વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. આ અરજી બાંગ્લાદેશના ગૃહ મંત્રાલય, કાયદા અને ન્યાય મંત્રાલય અને બાંગ્લાદેશના પોલીસ મહાનિર્દેશકને પણ મોકલવામાં આવી છે.

આ પણ વાંચોઃ હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરો: બાંગ્લાદેશમાં ચિન્મય દાસની ધરપકડ અંગે ભારતે વ્યક્ત કરી ચિંતા

કટ્ટરવાદી સંગઠન હોવાનો આરોપ

અરજીમાં દાવો કરાયો છે કે, ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ વિરોધ પ્રદર્શનમાં તેમના સમર્થકોએ સુપ્રીમ કોર્ટના એક વકીલની હત્યા કરી છે. જે બાદ ઇસ્કોન પર બાંગ્લાદેશમાં એક કટ્ટરવાદી સંગઠન તરીકે કામ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, આ ઉપરાંત દાવો કરાયો છે કે, ઇસ્કોન સાંપ્રદાયિક હિંસા ભડકાવવા અને ધાર્મિક અસહિષ્ણુતાને પ્રોત્સાહન આપવામાં સામેલ છે.

મંદિરો પર કબજો કર્યાનો આક્ષેપ

અરજીમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઇસ્કોને બળજબરીથી સભ્યોની ભરતી કરી છે અને હિન્દુ સમુદાયના લોકો પર તેની ધાર્મિક આસ્થા થોપવા માટે સમુદાયના મંદિરો પર કબજો કર્યો છે. વધુમાં, ઈસ્કોન પર મસ્જિદો પર હુમલા કરવાનો આરોપ છે અને 2016માં ઈસ્કોન મંદિરમાંથી હથિયારો મળી આવ્યા હતા. આ ઉપરાંત ગોપાલગંજમાં ઈસ્કોન સરઘસ દરમિયાન પોલીસના વાહનો પર હુમલાની ઘટનાઓ પણ નોંધાઈ હતી.

આ પણ વાંચોઃ બાંગ્લાદેશમાં હિન્દુ દેખાવકારો પર પોલીસ તૂટી પડી



Google NewsGoogle News