મહિલાઓને પીરિયડ લીવ આપવી જરૂરી, પરંતુ ફરજિયાત રજાથી મુશ્કેલી સર્જાશે : સુપ્રીમ
- પીઆઇએલની સુનાવણી દરમિયાન સુપ્રીમની ટિપ્પણી
- રજાની ગાઇડલાઇન માટે કેન્દ્ર રાજ્યોની સાથે ચર્ચા કરે તેવી સુપ્રીમ કોર્ટની સલાહ
નવી દિલ્હી : નોકરી કરતી મહિલાઓને પીરિયડ એટલે કે માસિક દરમિયાન રજા આપવામાં આવે તેવી માગ કરતી એક પીઆઇએલ સુપ્રીમ કોર્ટમાં થઇ છે. જેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું છે કે આ અંગે કોઇ ગાઇડલાઇન જાહેર કરી શકાય તેમ છે કે કેમ તેને લઇને રાજ્યોની સાથે ચર્ચા કરવામાં આવે. રજા મળવાથી મહિલાઓમાં કામ કરવાનો ઉત્સાહ વધી શકે છે પણ આવી રજા ફરજિયાત કરવાથી મહિલાઓ વર્કફોર્સથી દૂર પણ થઇ શકે છે.
શૈલેન્દ્ર ત્રિપાઠી નામના વકીલ દ્વારા દાખલ પીઆઇએલની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે કહ્યું હતું કે પીરિયડ દરમિયાન મહિલાઓને કામમાંથી રજા આપવામાં આવે તો તેમનામાં કામ પ્રત્યે ઉત્સાહ પણ વધી શકે છે. જોકે સાથે જ સુપ્રીમે એ પણ કહ્યું કે આ પ્રકારની રજાઓને જો ફરજિયાત કરી દેવામાં આવે તો મહિલાઓ વર્કફોર્સથી એટલે કે નોકરી વગેરે કામથી દૂર પણ થઇ શકે છે અને અમે નથી ઇચ્છતા કે મહિલાઓ કામથી દૂર થઇ જાય.
સુપ્રીમ કોર્ટે બાદમાં કહ્યું કે આ એક પોલિસીનો મામલો છે, જેનો નિર્ણય કેન્દ્ર અને રાજ્ય સરકારો લઇ શકે છે. સુપ્રીમ કોર્ટે અરજદારને આ મામલે કેન્દ્રીય બાળ અને મહિલા વિકાસ મંત્રાલય સમક્ષ રજુઆત કરવા કહ્યું, સાથે કેન્દ્રને કહ્યું કે રાજ્યો સાથે આ અંગે વાતચીત કરવામાં આવે અને શક્ય હોય તો ગાઇડલાઇન પર વિચારણા કરવામાં આવે. પીઆઇએલમાં માગણી કરાઇ હતી કે સુપ્રીમ કોર્ટ મહિલાઓને પીરિયડ દરમિયાન સ્કૂલ કે નોકરી સ્થળે રજા આપવામાં આવે તેવા આદેશ રાજ્યોને આપવામાં આવે. અમે આ મામલે કેન્દ્રને મે ૨૦૨૩માં રજુઆત કરી છતા કોઇ પગલા નથી લેવાયા, બાદમાં સુપ્રીમે કેન્દ્રને સલાહ આપી હતી કે તે રાજ્યો સાથે આ મુદ્દે ચર્ચા કરે. જોકે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે રાજ્યો પોતાની રીતે નિર્ણય લેવા સ્વતંત્ર છે.