લોકો વહેલી સવારે ઉઠીને ગામની શેરીઓ વાળે છે, ભારત જ નહી એશિયાનું છે સૌથી સ્વચ્છ ગામ
૧૦૦ ટકા સાક્ષરતા અને અંગ્રેજી ભાષા બધાને આવડે છે
સ્વચ્છતા ત્યાં પ્રભુતા સુત્રને ખરા અર્થમાં સાકાર કર્યુ છે
શિલોંગ,20 ડિસેમ્બર,2023,બુધવાર
ભારતના ૭ લાખથી વધુ ગામડાનો બનેલો દેશ છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે પૂર્વ ભારતમાં આવેલા મેઘાલય રાજયનું એક નાનકડું ગામ માવલ્યાન્નોંગ માત્ર ભારતનું જ નહી એશિયાનું સૌથી સ્વચ્છ ગામ હોવાનું ગૌરવ ધરાવે છે. પ્રકૃતિના ખોળામાં વસેલા આ ગામની ચોખ્ખાઇથી ભરેલી રહેણી કહેણી જેવા માટે દુર દૂરથી પ્રવાસીઓ આવે છે. આજુ બાજુની લીલોતરી જોઇને આ ગામને ગોડસ ઓવન ગાર્ડન અર્થાત ભગવાનનો પોતાનો બગીચો એવું નામ પણ આપવામાં આવ્યું છે.
આ ગામનો સાક્ષરતા દર ૧૦૦ ટકા છે અને બધા જ શિક્ષિત લોકો અંગ્રેજી ભાષામાં જ વાત કરે છે.ખાસી હિલ જિલ્લામાં આવેલું આ ગામ મેઘાલયના પાટનગર શિલોંગથી ૯૦ કીમી દૂર છે.અહીંથી ભારત અને બાંગ્લાદેશની સરહદ પણ નજીકમાં છે. ગામમાં રહેતા ૧૦૦ પરિવારોના ઘરે વાંસમાંથી બનાવેલું ડસ્ટબીન રાખવામાં આવ્યા છે.આ ડસ્ટબીનમાં કચરો જમા થાય તેમાંથી ખાતર તૈયાર કરવામાં આવે છે.સોપારીની ખેતીએ ગામ લોકોનો મુખ્ય વ્યવસાય છે.
આ ગામ ૨૦૦૩માં એશિયાનું સૌથી સ્વચ્છ ગામ બન્યું તેની પાછળ ગામ લોકોની મહેનત અને સ્વચ્છતા પ્રત્યેનો લગાવ રહેલો છે.ગામ લોકો કહે છે કોઇ પણ નાગરીકને સહેજ ગંદકી જણાય કે સાત કામ પડતા મુકીને સ્વચ્છ કરવા મચી પડે છે. ગંદકી કોને કરી અને કેમ કરી એવા વિવાદમાં પણ પડતા નથી. મેઘાલયના આ ગામની વિશિષ્ટ ટેવ તેને ભારતના અન્ય ગામોથી જુદું પાડે છે.
ગામ લોકો સેનિટેશનની સુવિધા માટે જરાં પણ સરકાર પર આશ્રીત નથી.વૃક્ષો અને વનરાજીથી ઘેરાયેલા ગામમાં ઝાડના પાન સતત ખરતા રહે છે. તેને મહિલાઓ વીણીને એકત્ર કરતી રહે છે. વહેલી સવારે ઉઠીને મહિલાઓ તથા પુરુષો પહેલું કામ ગામ વાળવાનું કરે છે. ચેરાપુંજીથી ૯૨ કીમી દૂર આવેલા આગ ગામની ચોતરફ પાણીના ધોધ વહેતા હોવાથી કુદરતી સાઇટસનો નજારો માણવા પ્રવાસીઓ આવે ત્યારે ભગવાનના બગીચા તરીકે ઓળખતા સ્વચ્છ ગામની અચુક મુલાકાત લે છે.