નાગદેવતા સમજીને એક છોડની પૂજા કરવા લાગ્યા લોકો, બાદમાં વિજ્ઞાનીઓએ જણાવી હકીકત
Mushroom Like Naag Devta in Assam: આસામના સોનીતપુર જિલ્લાના ચારિદુવારના અમલોગા ગામમાં અંધશ્રદ્ધાનો એક અજીબ મામલો સામે આવ્યો છે. અહીં લોકોએ એક જંગલી છોડને 'નાગ દેવતા' સમજીને તેની પૂજા શરૂ કરી દીધી.
આ ઘટના ત્યારની છે જ્યારે ગામના એક વ્યક્તિ તિલક કોચ પોતાના ઘરની પાછળ ઝાડીઓને સાફ કરી રહ્યાં હતાં. આ દરમિયાન તેમને જમીનથી ઉભરતી એક અજીબોગરીબ સાંપ જેવી આકૃતિ દેખાઈ. તિલકને આ એક ચમત્કારી શોધ લાગી અને ટૂંક સમયમાં જ આ સમાચાર સમગ્ર ગામમાં ફેલાઈ ગયા.
લોકોએ શરૂ કરી દીધી પૂજા
જોતજોતામાં તિલકના ઘરની આસપાસ શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી. લોકો આને નાગ દેવતા માનીને પૂજા કરવા લાગ્યા. અમુકે અગરબત્તીઓ પ્રગટાવી, પ્રાર્થનાઓ કરી અને આ આકૃતિને સમૃદ્ધિ અને કલ્યાણનું પ્રતીક માનીને આશીર્વાદ માગ્યા.
વિજ્ઞાનીઓએ જણાવ્યું સત્ય
જોકે, આ બધું વધુ દિવસો સુધી ચાલ્યું નહીં. રંગાપારા કોલેજના વનસ્પતિ વિભાગના સહાયક લેક્ચરર શુભમ રોય અને તેમના વિદ્યાર્થીઓએ આ ઘટનાની તપાસ કરી. તેમણે જાણ્યું કે જેને નાગ દેવતા માનવામાં આવી રહ્યાં હતાં, તે હકીકતમાં એક જંગલી મશરૂમ હતું.
એક પ્રકારના ફૂગની છે પ્રજાતિ
રંગાપારા કોલેજના વનસ્પતિ વિભાગના આ મશરૂમ આસામની ભેજની સ્થિતિમાં ઉગનારી ફૂગની પ્રજાતિઓ પૈકીની એક છે. વિભાગે છેલ્લા એક વર્ષમાં લગભગ 40 અલગ-અલગ મશરૂમ પ્રજાતિઓની ઓળખ અને દસ્તાવેજ તૈયાર કર્યાં છે. આ વિશેષ મશરૂમને એક દુર્લભ પરંતુ કુદરતી રીતે મળનારી પ્રજાતિના રૂપમાં ઓળખવામાં આવ્યા.