બિહારના આ ગામના લોકો કાળી ચૌદસે ઉજવે છે દિવાળી, કારણ જાણીને ચોંકી જશો
ગામમાં માતા ભગવતીની ઉલટી શોભાયાત્રા કાઢવામાં આવે છે.
કાળી ચૌદસે દિવાળી ઉજવવાની પરંપરા કોઇ તોડવા ઇચ્છતું નથી
દરભંગા,૧૧ નવેમ્બર,૨૦૨૩,શનિવાર
વાઘબારશથી દિવાળી પર્વોની શરુઆત થાય છે,ધન તેરસ અને કાળી ચૌદસે પછી દિવાળીનો મુખ્ય તહેવાર ઉજવાય છે. ભારતમાં દિપોત્સવની ધામધૂમથી ઉજવણી થાય છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે બિહારના નવાદા જિલ્લાના ગામના પધારી ગામમાં એક દિવસ વહેલી એટલે કે કાળી ચૌદસે દિવાળી ઉજવાય છે. સમગ્ર ભારતમાં કાળી ચૌદશના દિવસે દિવાળી ઉજવતું એક માત્ર ગામ છે.
આતશબાજીના ધ્વની સાથે પધારી ગામમાં માતા ભગવતીની ઉલટી શોભાયાત્રા કાઢવામાં આવે છે. ઉલટી શોભાયાત્રાનું આયોજન કરવાથી રોગ અને સંતાપ દૂર થાય છે એમ ગ્રામજનો માને છે. આમ તો લક્ષ્મીજીની પૂજા માટે ધનતેરસ હોય છે પરંતુ પધારી ગામના લોકો દિવાળીના દિવસે જ પુજન કરે છે. એક દિવસ વહેલી દિવાળી ઉજવવાની પરંપરા અંગે કોઇ ચોકકસ માહિતી ધરાવતું નથી પરંતુ ગામના કેટલાક વડિલોનું માનવું છે કે દરભંગા મહારાજાના દરબારમાં ફરજપાલનના લીધે દિવાળીની રજા મળતી ન હતી
આથી ગામ લોકોએ એક દિવસ અગાઉ જ દિવાળી ઉજવવાની શરુ કરી હોવાનું માનવામાં આવે છે. પધારી જ નહી નવાદાના કેટલાક ગામોમાં વર્ષોથી આ પરંપરા છે. કાળી ચૌદસની સાથે દિવાળી પણ મનાવવાની પરંપરા તોડવાનું કોઇ હિંમત કરી શકતું નથી. ગામના યુવાઓ પણ આ પરંપરા સાથે જોડાય છે. બહારગામ રહેતા ગ્રામજનો પણ દિવાળી મનાવવા માટે એક દિવસ વહેલા આવી જાય છે.