લોકો મુશ્કેલીમાં, ટેન્કર માફિયાઓ સક્રિય સુપ્રીમે દિલ્હી સરકારનો ઉધડો લીધો
- રાજધાનીમાં પાણીની અછતનો કકળાટ સુપ્રીમ પહોંચ્યો
- તમારાથી ટેંકર માફિયા સામે કોઇ કાર્યવાહી ના થઇ શકે તેમ હોય તો અમે દિલ્હી પોલીસને આદેશ આપીશું : સુપ્રીમ
નવી દિલ્હી : દિલ્હીમાં પાણીની અછતનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે સોમવાર બાદ બુધવારે પણ આપ સરકારનો ઉધડો લીધો હતો. પાણીનો બગાડ અને ટેંકર માફિયાઓને લઇને શુ કાર્યવાહી કરવામાં આવી તે મુદ્દગ્દિલ્હી સરકાર પાસેથી જવાબ માગ્યો હતો. સાથે સરકાર કોઇ પગલા નહીં લે તો કોર્ટ પોલીસને ટેંકર માફિયાઓ સામે પગલા લેવા આદેશ આપશે તેવી ચેતવણી આપી હતી.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પ્રશાંત કુમાર મિશ્રા અને ન્યાયાધીશ પ્રસન્ના બી વરાલેની વેકેશન બેંચે દિલ્હી સરકારને કહ્યું હતું કે જે પાણી તમે ટેંકરોથી લોકો સુધી પહોંચાડી રહ્યા છો તે જ પાણી પાઇપથી કેમ ના પહોંચાડી શકાય? જો ટેંકર માફિયાઓની સામે કાર્યવાહી ના કરવામાં આવી તો અમે શહેરની પોલીસને પગલા લેવા આદેશ આપીશું. સુપ્રીમ કોર્ટની બેંચે સવાલ કર્યો હતો કે હિમાચલ પ્રદેશથી આ પાણી દિલ્હી આવી રહ્યું છે પણ દિલ્હીમાં તે ક્યાં જઇ રહ્યું છે? ટેંકર માફિયા સક્રિય છે. લોકો મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. તમામ ટીવી ચેનલો પર દેખાડવામાં આવી રહ્યું છે કે ટેંકર માફિયા કામ કરી રહ્યા છે. આ મામલે તમે શું પગલા લીધા?
સુુપ્રીમે નોંધ્યું હતંુ કે અમારી સમક્ષ રજુ થયેલા સોગંદનામા કહે છે કે આ સ્થિતિ વર્ષ ૨૦૧૮, ૨૦૧૯ અને ૨૦૨૧માં પણ જોવા મળી હતી. દર વખતે અમે કહ્યું છે કે તમારાથી આ કામ ના થઇ શકતું હોય તો તેને યમુના વોટર બોર્ડ દ્વારા કરવા દો. ટેંકર માફિયાઓ સામે તમે શું પગલા લીધા? કોઇ ફરિયાદ દાખલ કરાવી? જવાબમાં આપ સરકારે કહ્યું હતું કે વોટર ટેંકર દિલ્હી જળ બોર્ડ દ્વારા પુરા પાડવામાં આવી રહ્યા છે. આપ સરકાર દ્વારા સુપ્રીમમાં અપીલ દાખલ કરાઇ હતી, હિમાચલથી દિલ્હી આવતા પાણીને હરિયાણા દ્વારા રોકવામાં આવી રહ્યું હોવાનો આરોપ આ અપીલમાં લગાવવામાં આવ્યો છે. તેથી સુપ્રીમે હરિયાણા સરકાર પાસેથી પણ જવાબ માગ્યો હતો.