Get The App

જાણો PM મોદીએ ‘મન કી બાત’માં ચૂંટણી વિશે શું કહ્યું, માતાના નામે એક અભિયાનની પણ શરૂઆત

Updated: Jun 30th, 2024


Google NewsGoogle News

PM Modi's 'Mann ki baat': વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ લોકસભા ચૂંટણી બાદ પ્રથમવાર 'મન કી બાત' કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. આ કાર્યક્રમમાં તેમણે તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણી, માતાના નામે એક વિશેષ અભિયાન, આદિવાસીઓના 'હુલ દિવસ', કુવૈતમાં હિન્દીમાં રેડિયો કાર્યક્રમ, ઓલમ્પિક ગેમ્સ, વિદેશમાં રવિન્દ્ર ટાગોરના સન્માન અને ભારતીય પેદાશોની વિશ્વમાં વધતી માગ જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો. 

લોકસભા ચૂંટણીની સફળતા પર અભિનંદન પાઠવ્યા
વડાપ્રધાને ચૂંટણી અંગે વાત કરતા કહ્યું કે, "આજે હું દેશવાસીઓનો આભાર માનું છું કે તેઓએ આપણા બંધારણ અને દેશની લોકતાંત્રિક પ્રણાલીમાં તેમનો અતૂટ વિશ્વાસ પુનરાવર્તિત કર્યો છે. 2024ની ચૂંટણી વિશ્વની સૌથી મોટી ચૂંટણી હતી. આટલી મોટી ચૂંટણી ક્યારેય કોઈ દેશમાં થઈ નથી. આ માટે હું ચૂંટણી પંચ અને મતદાન પ્રક્રિયા સાથે જોડાયેલા દરેકને અભિનંદન આપું છું.

આદિવાસીઓના 'હુલ દિવસ'નો કર્યો ઉલ્લેખ
આજના દિવસના ઇતિહાસ વિશે વાત કરતા પીએમ મોદીએ 'હૂલ દિવસ' અંગે વાત કરી હતી. તેમણે કહ્યું કે, "આજે, 30મી જૂન, ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. આપણા આદિવાસી ભાઈ-બહેનો આ દિવસને 'હુલ દિવસ' તરીકે ઉજવે છે. આ દિવસ બહાદુર સિદ્ધો-કાન્હુની અદમ્ય હિંમત સાથે સંકળાયેલો છે, જેમણે વિદેશી શાસકો સામે લડત આપી હતી અને અત્યાચારનો ઉગ્ર વિરોધ કર્યો હતો.

'માતાના નામે એક વૃક્ષ' અભિયાનની શરૂઆત
આ પછી વડાપ્રધાન મોદીએ પોતાની માતાનો ઉલ્લેખ કરતા એક વૃક્ષ વાવવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, "જો હું તમને પૂછું કે દુનિયાનો સૌથી અમૂલ્ય સંબંધ કયો છે, તો તમે ચોક્કસ કહેશો - માતા. આપણા બધાના જીવનમાં 'મા'નો દરજ્જો સર્વોચ્ચ છે. માતાને આપણે કંઈ આપી શકતા નથી, તો આપણે તેમના માટે બીજું કંઈ કરી શકીએ? આને ધ્યાનમાં રાખીને આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ પર 'માતાના નામે એક વૃક્ષ' નામે  વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, મેં મારી માતાના નામે એક વૃક્ષ પણ વાવ્યું છે.

'કુવૈતમાં હિન્દીમાં રેડિયો કાર્યક્રમો'
પીએમ મોદીએ કહ્યું કે કુવૈત સરકારે તેના રાષ્ટ્રીય રેડિયો પર હિન્દીમાં એક વિશેષ કાર્યક્રમ શરૂ કર્યો છે . જે 'કુવૈત રેડિયો' પર દર રવિવારે અડધો કલાક પ્રસારિત થાય છે. આપણી ફિલ્મો અને કલા જગત સાથે સંબંધિત ચર્ચાઓ કુવૈતી ભારતીય સમુદાયમાં ખૂબ જ લોકપ્રિય છે. મને અહીં સુધી કહેવામાં આવ્યું છે કે કુવૈતના સ્થાનિક લોકો પણ તેમાં ઘણો રસ લઈ રહ્યા છે. આ અદ્ભુત પહેલ કરવા બદલ હું કુવૈતની સરકાર અને લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું.

'તુર્કમેનિસ્તાનમાં રવીન્દ્રનાથ ટાગોરનું સન્માન'
'મન કી બાત'માં નરેન્દ્ર મોદીએ તુર્કમેનિસ્તાનનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય કવિ રવિન્દ્રનાથ ટાગોરની 300મી જન્મજયંતિ આ વર્ષે મે મહિનામાં તુર્કમેનિસ્તાનમાં ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે તુર્કમેનિસ્તાનના રાષ્ટ્રપતિએ વિશ્વના 24 પ્રખ્યાત કવિઓની પ્રતિમાઓનું અનાવરણ કર્યું હતું. આમાંની એક પ્રતિમા ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની છે. આ ગુરુદેવ માટે આદર છે, ભારત માટે આદર છે.

'સ્થાનિક ઉત્પાદનો વૈશ્વિક બની રહ્યા છે'
આ પછી વડાપ્રધાને ભારતમાં બનેલા ઉત્પાદનો વિશે વાત કરી. તેમણે કહ્યું કે ભારતની ઘણી એવી પ્રોડક્ટ્સ છે જેની સમગ્ર વિશ્વમાં ખૂબ જ માંગ છે અને જ્યારે આપણે ભારતની કોઈપણ સ્થાનિક પ્રોડક્ટને વૈશ્વિક સ્તરે જતા જોઈએ છીએ ત્યારે ગર્વ થવું સ્વાભાવિક છે. દરમિયાન વડાપ્રધાને આંધ્રપ્રદેશની અરાકુ કોફી, જમ્મુ-કાશ્મીરના સ્નો પીસ, કેરળના કાર્થુમ્બી છત્રી વગેરેની સમગ્ર વિશ્વમાં લોકમાગ વિશે પણ ચર્ચા કરી હતી.

'ઓલિમ્પિક ગેમ્સ રોમાંચક હશે'
ઓલિમ્પિક અંગે વાત કરતા વડાપ્રધાને કહ્યું કે, મને ખાતરી છે કે તમે બધા ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓને ઉત્સાહિત કરવા રાહ જોતા હશો. ટોક્યોમાં અમારા ખેલાડીઓના પ્રદર્શને દરેક ભારતીયનું દિલ જીતી લીધું હતું. આ પછી, અમારા ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં પૂરા દિલથી વ્યસ્ત છે. આ વખતે અમારી ટીમના ખેલાડીઓ કુસ્તી અને ઘોડેસવારીની તે કેટેગરીમાં પણ ભાગ લેશે, જેમાં તેઓએ ક્યારેય ભાગ લીધો નથી. આ વખતે, આપણે રમતગમતમાં ઉત્તેજનાનું એક અલગ સ્તર જોશું.


Google NewsGoogle News