દિલ્હીના માલિક સમજી બેઠેલાઓનો અહંકાર જનતાએ ઉતાર્યો : વડાપ્રધાન
- દિલ્હીની પ્રજા આડંબર, અરાજકતા અને આપ-દાથી મુક્ત થઈ : મોદી
- ભાજપ પર વિશ્વાસ બદલ આભાર, ડબલ એન્જિનની સરકાર ડબલ સ્પીડથી દિલ્હીનો વિકાસ કરી બતાવશે : વડાપ્રધાન
નવી દિલ્હી : દિલ્હીમાં બે દસકા બાદ ભાજપની જીત પર ખુશી વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યાલય પર કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. આ દરમિયાન તેમણે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસ-રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. કેજરીવાલને આડેહાથ લેતા મોદીએ કહ્યું હતું કે દિલ્હીના માલિક હોવાનો અહંકાર જનતાએ ઉતાર્યો.
મોદીએ કહ્યું હતું કે દિલ્હીની ડબલ એન્જીન સરકાર દિલ્હીનો ડબલ સ્પીડથી વિકાસ કરીને બતાવશે. આ વિજય ઐતિહાસિક છે, દિલ્હીના લોકોએ આપદાને બહાર કરી દીધી છે. લોકોનો જનાદેશ આવી ગયો છે, આજે અહંકાર, અરાજકતાની હાર થઇ છે, દિલ્હીવાળાઓને હવે આપદાથી મૂક્તિનું સુકુન મળી ગયું છે. દિલ્હીની મૂળ માલિક જનતા જ છે તે સ્પષ્ટ થઇ ગયું. જે લોકોને દિલ્હીના માલિક હોવાનો ઘમંડ હતો જનતાએ તેમનો આ ઘમંડ ઉતારી દીધો છે તે આ ચૂંટણીમાં સાબિત થઇ ગયું છે. દિલ્હીની જનતાએ મોદીની ગેરંટી પર વિશ્વાસ કરીને આપદાને વિદાય આપી છે.
કોંગ્રેસ પર પ્રહારો કરતા મોદીએ કહ્યું હતું કે વર્ષ ૨૦૧૪ પછી કોંગ્રેસના નેતાઓ મંદિરે જઇને, માળાઓ પહેરીને હિન્દુ બનવા લાગ્યા, તેમને એવી આશા હતી કે ભાજપના મતોને નુકસાન કરશે, પરંતુ હવે તેઓએ મંદિરે જવાનું માળા પહેરવાનું વગેરે બંધ કરી દીધુ છે, તેમને અહેસાસ થઇ ગયો કે આ તો ભાજપનું ડોમેઇન છે, હવે તેઓ સ્થાનિક પક્ષો પર નજર કરી રહ્યા છે, ઇન્ડી ગઠબંધનના લોકોને પણ અહેસાસ થઇ ગયો છે કે કોંગ્રેસ આ નાના પક્ષોની મત બેંક છીનવી લેશે. દેશની આઝાદી બાદ જેવી કોંગ્રેસ હતી તેવી હાલ નથી, આ કોંગ્રેસ અર્બન નક્સલનંુ રાજકારણ કરી રહી છે. કોંગ્રેસના નેતા પ્રશાસન સામે લડવાની વાત કરી રહ્યા છે આ અર્બન નક્સલની ભાષા છે.