Get The App

પેજર બ્લાસ્ટ થઈ શકે તો EVM કેમ હેક ના થઈ શકે ? કોંગ્રેસ નેતાના સવાલ પર ચૂંટણી પંચે આપ્યો જવાબ

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News
પેજર બ્લાસ્ટ થઈ શકે તો EVM કેમ હેક ના થઈ શકે ? કોંગ્રેસ નેતાના સવાલ પર ચૂંટણી પંચે આપ્યો જવાબ 1 - image


Image: Facebook

Rajeev Kumar on EVM Tampering Issue: હરિયાણા વિધાનસભા ચૂંટણી બાદ વિપક્ષી દળોએ એક વખત ફરી ઈવીએમમાં ગડબડીનો મુદ્દો ઉઠાવ્યો. ચૂંટણી પંચે આજે મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણીની તારીખોની પણ જાહેરાત કરી દીધી છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે આ પહેલા કહ્યું કે 'જનતાએ ચૂંટણી પ્રક્રિયામાં ઉત્સાહભેર ભાગ લઈને જ તમામ સવાલોના જવાબ આપી દીધા છે. જ્યાં સુધી ઈવીએમની વાત છે તો આ 100 ટકા ફૂલપ્રૂફ છે. જો વિપક્ષ ફરીથી સવાલ ઊભા કરશે તો અમે તેમને જવાબ આપીશું.'

પેજર બ્લાસ્ટ થઈ શકે તો ઈવીએમ કેમ હેક ના થઈ શકે ? : કોંગ્રેસનો સવાલ

કોંગ્રેસ નેતા રાશિદ અલવીએ કહ્યું હતું કે 'જે રીતે ઈઝરાયલે હિઝબુલ્લાહના પેજર્સને હેક કરી લીધા તે રીતે ઈવીએમને પણ હેક કરી શકાય છે. મહારાષ્ટ્રમાં વિપક્ષે દબાણ બનાવવું જોઈએ કે ચૂંટણી બેલેટ પેપર્સથી થાય. નહીંતર મહારાષ્ટ્રમાં પણ ભાજપની સરકાર અને ચૂંટણી પંચ કંઈ પણ કરી શકે છે. જો ઈઝરાયલ લોકોના વોકીટોકી અને પેજર્સને હેક કરી શકે છે તો ઈવીએમ કેમ હેક ન થઈ શકે'


પેજર કનેક્ટેડ હોય છે, ઈવીએમ નથી હોતા : મુખ્ય ચૂંટણી અધિકારીનો જવાબ

ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીનું એલાન કરી દીધું છે. મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારે બન્ને રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરતાં ફરી એકવાર ઈવીએમ પર ઊભા થયેલા સવાલોને ફગાવી દીધા છે. પેજરમાં બ્લાસ્ટ થઈ શકે છે તો ઈવીએમ શા માટે હેક ના થઈ શકે? આ સવાલનો જવાબ આપતાં મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું કે, અરે ભાઈ બન્નેમાં ફરક એ છે કે પેજર કનેક્ટેડ હોય છે, જ્યારે ઈવીએમ કનેક્ટેડ નથી હોતા.

આ પણ વાંચો: 'હરિયાણાની 20 બેઠકોમાં ગરબડ થઈ, ઈવીએમની બેટરીમાં લોચો', કોંગ્રેસે ચૂંટણી પંચને કરી ફરિયાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈઝરાયલ સાથે સારા સંબંધ છે. ઈઝરાયલ આ બાબતોમાં એક્સપર્ટ છે. ઈવીએમનો મોટો ખેલ ક્યાંય પણ થઈ શકે છે અને આ માટે ભાજપ ચૂંટણી પહેલા જ આ બધો ખેલ કરી લે છે. ગયા અઠવાડિયે કોંગ્રેસ નેતા જયરામ રમેશે ચૂંટણી પંચને મેમોરેન્ડમ સોંપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આશા છે કે આ મુદ્દે આદેશ આપવામાં આવશે. તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે ચૂંટણી પંચને ઈવીએમ સાથે જોડાયેલા મુદ્દાની જાણકારી આપી દેવાઈ છે. હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં ઈવીએમમાં ગડબડની આશંકા છે.

કોંગ્રેસ નેતા પવન ખેડાએ કહ્યું હતું કે '20 બેઠકોની યાદી ચૂંટણી પંચને આપવામાં આવી છે જેની પર ઈવીએમમાં ગડબડીની આશંકા છે. 20 બેઠકો પર અમારા ઉમેદવારોએ લેખિત કે મૌખિક ફરિયાદ કરી હતી. આ મુદ્દો ગણતરી દરમિયાન ઉઠાવવામાં આવ્યો હતો. અમુક ઈવીએમમાં 99 ટકા બેટરી ચાર્જ બતાવી રહી હતી. અજીબ સંયોગ છે કે જે મશીન 99 ટકા ચાર્જ હતી ત્યાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો. જે મશીનોની બેટરી 60-70 ટકા ચાર્જ હતી, ત્યાં કોંગ્રેસ જીતી ગઈ. આવું કેમ થઈ રહ્યું હતું?'


Google NewsGoogle News