હવે પેન્શન પેમેન્ટ ઓર્ડર ડિજિલોકરમાં સ્ટોર કરી શકાશે
પીપીઓ ખોવાઇ જવાને કારણે પેન્શનરોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો
પેન્શનરો માટે સારા સમાચાર
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૬
કેન્દ્ર સરકારના પેન્શનરો હવે ડિજિલોકરમાં પેન્શન પેમેન્ટ ઓર્ડર(પીપીઓ) સ્ટોર કરી શકશે તેમ સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શન એન્ડ પેન્શનર્સ વેલફેર(ડીઓપીપીડબ્લ્યુ)ને ધ્યાન પર આવ્યું હતું કે અનેક પેન્શનરોના તેમના ઓરિજિનલ પેન્શન પેમેન્ટ ઓર્ડર ખોવાઇ જવાના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ દસ્તાવેજની અગત્યતા ધ્યાનમાં રાખીને તેને ડિજિલોકરમાં સ્ટોર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પર્સોનેલ, પબ્લિક ગ્રીવન્સ અને પેન્શન મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે પીપીઓ ખોવાઇ જવાને કારણે પેન્શનરોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બીજી તરફ તાજેતરમાં નિવૃત્ત થયેલા કર્મચારીઓને વિવિધ સ્થળોએ પીપીઓની હાર્ડ કોપી લઇ જવી મુશ્કેલરૃપ હતું.
મંત્રાલયના જણાવ્યા અનુસાર ડિજિલોકર એકાઉન્ટમાંથી પેન્શનરો તેમના પીપીઓની નકલ પણ સરળતાથી કાઢી શકશે. ઉલ્લેખનીય છે કે ડિજિલોકર એક ડિજિટલ ડોક્યુમેન્ટ વોલેટ છે જેમાં સંગ્રહિત કરેલા અગત્યના દસ્તાવેજોને ગમે ત્યારે એક્સેસ કરી શકાય છે.
ડિજિલોેકરમાં ઇ-પીપીઓને સામેલ કરવાની કામગીરી વર્ષ ૨૦૨૧-૨૨ સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક હતો. જો કે કોરોનામહામારીને ધ્યાનમાં રાખીને આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે.