Tax Demands : 20 લાખ કરોડ રૂપિયાના ટેક્સ ડિમાન્ડનો કેસ વિવાદમાં, ટેક્સપેયર્સને મળશે રાહત
રિપોર્ટ પ્રમાણે અત્યારે દેશમાં 18 થી 20 લાખ કરોડ રુપિયાના ટેક્સ ડિમાન્ડ સાથે જોડાયેલા કેસ કોર્ટમાં ફસાયેલા છે
Image Envato |
ટેક્સ સંબંધિત કાયદાના વિવાદમાં મોટી રકમ સાથે જોડાયેલા કેસ હાલમાં પેન્ડિંગ છે. એક રિપોર્ટ પ્રમાણે અત્યારે દેશમાં 18 થી 20 લાખ કરોડ રુપિયાના ટેક્સ ડિમાન્ડ સાથે જોડાયેલા કેસ કોર્ટમાં ફસાયેલા છે અને એ પ્રક્રિયા વિવિધ તબક્કામાં છે.
આ રીતે પેન્ડિંગ છે કેસો
એક રિપોર્ટ પ્રમાણે વરિષ્ઠ સરકારી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે, વિવિધ સેક્ટરોના કેટલાક કેસ હજુ કોર્ટમાં અટવાયેલા છે. આ તમામ પેન્ડિંગ કેસમાં બાકી ટેક્સની ડિમાન્ડ 18 થી 20 લાખ કરોડ રૂપિયા છે. મુકદ્દમાને લઈને પડતર બાબતોમાં ટ્રાન્સફર પ્રાઈસિંગ, રોયલ્ટી પેમેન્ટ, વિવિધ હેડ હેઠળ કમાણીનું ક્લાસિફિકેશન, ટેક્સપેયર્સ દ્વારા દાવા માટે કરવામાં આવેલી કપાત વગેરે સામેલ છે.
આ રીતે થાય છે ટેક્સ વિવાદ
આ મામલાઓ ડાયરેક્ટ ટેક્સ સાથે જોડાયેલ છે. ડાયરેક્ટ ટેક્સ હેઠળ ઈન્કમ ટેક્સ, કોર્પોરેટ ટેક્સ, કેપિટલ ગેઈન ટેક્સ વગેરેનો સમાવેશ થાય છે. ડાયરેક્ટ ટેક્સ સાથે જોડાયેલા વિવાદોનું મુખ્ય કારણમાં ટેક્સ અસેસમેન્ટ (આકારણી) અંગે વિભાગ અને ટેક્સપેયર્સ વચ્ચે ઉદ્ભવતાં મતભેદ છે. ડિપાર્ટમેન્ટ ટેક્સની આકારણી કર્યા પછી જો એવું લાગશે કે ટેક્સપેયર્સે ઓછો ટેક્સ ચૂકવ્યો છે અથવા વધુ કપાતનો દાવો કર્યો છે, તો ટેક્સપેયર્સને નોટિસ મોકલાવશે.
તાજેતરના બજેટમાં કરવામાં આવી હતી આ જાહેરાત
ટેક્સ સાથે જોડાયેલ વિવાદોનું સેટલમેન્ટ, એગ્રીમેન્ટ અથવા વિવાદના ઉકેલની વૈકલ્પિક વ્યવસ્થાઓના માધ્યમથી દૂર કરવામાં આવે છે. હાલમાં જ રજુ કરવામાં આવેલા બજેટમાં પણ કરવેરા વિવાદોના ઉકેલને લગતી મોટી જોગવાઈ કરવામાં આવી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણે કેટલાય કરદાતાઓ માટે પેન્ડિંગ ડિમાન્ડ નોટિસને નાબૂદ કરવાની જાહેરાત કરી હતી.
પેન્ડિંગ ટેક્સ ડિમાન્ડની કુલ રકમમાં રુપિયા 3,500 કરોડનો ઘટાડો થશે
બજેટમાં કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે, નાણાકીય વર્ષ 2009-10 સુધી રુપિયા 25 હજાર સુધીની ટેક્સ ડિમાન્ડ અને નાણાકીય વર્ષ 2010-11 થી 2014-15 વચ્ચે રુપિયા 10 હજાર સુધીની પેન્ડિંગ ડિમાન્ડ પરત કરવામાં આવશે. તેના કારણે આશરે 2 કરોડથી વધારે પેન્ડિંગ કેસો ઓછા થશે, અને પેન્ડિંગ ટેક્સ ડિમાન્ડની કુલ રકમમાં રુપિયા 3,500 કરોડનો ઘટાડો થશે. સરકાર ટેક્સ વિવાદોનો બોજો ઓછો કરવા માટે ઘણા પ્રયત્નો કરે છે. આ બજેટમાં તેનો આ એક મહત્ત્વનો પ્રયાસ રહ્યો છે.