હવે NDA સાથે ગઠબંધન કરી શકે છે આ મોટી પાર્ટી, પસમાંદા મુસ્લિમો પર છે સારી પકડ, જાણો સમગ્ર રણનીતિ
પીસ પાર્ટીના અધ્યક્ષ ડૉ.મોહમ્મદ અયુબ હવે ભાજપ સાથે મિલાવી શકે છે હાથ
હવે મુસ્લિમ સમુદાયે નિર્ણય કર્યો છે કે તેઓ જે પક્ષ અમને હિસ્સો આપશે તેની સાથે રહેશે : ડૉ.અયુબ
છેલ્લા પંદર વર્ષથી ભાજપ સામે ત્રણ લોકસભા અને ત્રણ વિધાનસભા ચૂંટણી લડી ચૂકેલા પીસ પાર્ટીના અધ્યક્ષ ડૉ.મોહમ્મદ અયુબ હવે ભાજપ સાથે હાથ મિલાવી શકે છે. તેમણે હવે ભાજપ જેવા પક્ષો સાથે રહીને ચુંટણી લડવામાં કોઈ સમસ્યા નથી.
આશરે દોઢ દાયકાની રાજકીય સફર બાદ તેમને લાગ્યું છે કે સપા, બસપા અને કોંગ્રેસે મુસ્લિમ સમાજનો ફક્ત એક વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો છે. તેમનું માનવું છે કે આ ત્રણેય પક્ષો ચુંટણીમાં મુસ્લિમોના વોટ તો લે છે પરંતુ જ્યારે સત્તામાં આવે તો આ સમાજને ભાગીદાર પણ નથી બનાવતા અને તેમનો ખ્યાલ પણ રાખતા નથી.
તેમનું કહેવું છે કે જો તેમને તક મળશે તો તેઓ એનડીએ સાથે ગઠબંધન કરવામાં અચકાશે નહીં. પૂર્વાંચલમાં પસમાંદા મુસ્લિમોના સૌથી મોટા પ્રતિનિધિ તરીકે ઓળખાતા ડો. અયુબે પાર્ટીની રચના બાદ 2012માં યોજાયેલી પ્રથમ વિધાનસભાની ચૂંટણીમાં ચાર બેઠકો જીતીને મુસ્લિમ સમુદાય પર પોતાની પકડ બનાવી લીધી હતી. પરંતુ ગઠબંધનના સમયમાં કોઈપણ મોટા પક્ષનો સાથ નહી મળતા પાર્ટી અલગ પડી ગઈ છે.
માનવામાં આવી રહ્યું છે કે આજ કારણે ડૉ.અયુબ હવે ભાજપ તરફ પણ મિત્રતાનો હાથ લંબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એનડીએ સાથે ગઠબંધન અંગેના તેમના તાજેતરના નિવેદનને આના સંદર્ભમાં જોવામાં આવી રહ્યું છે.
ડૉ.અયુબ કહે છે કે યુપીમાં પસમાંદા મુસ્લિમ સમુદાય જાગૃત થઈ ગયો છે. માત્ર વોટબેંક બનીને રહેવા માંગતા નથી. તેમનું કહેવું છે કે અત્યાર સુધી આ સમાજ બિનસાંપ્રદાયિકતાના નામે ભાજપને હરાવવા માટે જ મત આપતો હતો, પરંતુ હવે તે સમજવા લાગ્યો છે કે આ વિચારધારા સમાજને નુકસાન પહોંચાડી રહી છે.
તેથી, હવે મુસ્લિમ સમુદાયે નિર્ણય કર્યો છે કે તેઓ જે પક્ષ અમને હિસ્સો આપશે તેની સાથે રહેશે. તેમણે કહ્યું કે હવે અમારી કોઈ પાર્ટી સાથે દુશ્મની નથી. જે પણ અમને સહકાર આપશે અમે પણ સાથ આપીશું ભલે તે એન.ડી.એ. જ કેમ ન હોય.
પ્રથમ ચૂંટણીમાં પીસ પાર્ટીએ ચાર બેઠકો જીતી હતી
ફેબ્રુઆરી 2008માં પીસ પાર્ટીની રચના કરવામાં આવી હતી. 2009ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ 21 સીટો પર ચૂંટણી લડી હતી અને એક ટકા વોટ મેળવ્યા હતા. ત્યારબાદ 2012માં પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ 208 બેઠકો પર ચૂંટણી લડી હતી અને ચાર બેઠકો પર જીત મેળવી હતી.ડૉ.અયુબ પોતે ખલિલાબાદ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ સિવાય રાયબરેલી, કાંઠ અને ડુમરિયાગંજ સીટ પણ પીસ પાર્ટીના હાથમાં ગઈ. જો કે આ પછી પાર્ટી કોઈ ચૂંટણી જીતી શકી નથી. જોકે તેણે તમામ ચૂંટણીમાં ભાગ લીધો હતો.