'આ ચુકાદો મૃત્યુદંડથી ઓછો નથી...' કલમ 370 અંગે સુપ્રીમકોર્ટના નિર્ણયથી મહેબૂબા મુફ્તી ભડક્યાં
આ સર્વાનુમતે લેવાયેલા ચુકાદાને લીધે હું નિરાશ છું : ગુલામ નબી આઝાદ
અમે લાંબી લડત માટે તૈયાર છીએ : ઓમર અબ્દુલ્લાહ
Article 370 News | કલમ 370ની કાયદેસરતા અંગે સુપ્રીમકોર્ટે ચુકાદો આપી દીધો છે. ટોચની કોર્ટે કેન્દ્ર સરકારના કમલ 370 અંગેના નિર્ણયને યથાવત્ રાખ્યો અને કહ્યું કે હવે તેના પર ચર્ચા કરવી યોગ્ય નથી કેમ કે જ્યારે જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ બન્યો હતો ત્યારે જમ્મુ-કાશ્મીરે તેની સંપ્રભુતા ગુમાવી દીધી હતી. જમ્મુ-કાશ્મીરનું ઉદાહરણ આપતાં સીજેઆઈ ચંદ્રચૂડે કહ્યું હતું રાષ્ટ્રપતિને કોઈપણ રાજ્ય વિશે નિર્ણય કરવાનો અધિકાર છે અને તેમણે જ આ નિર્ણય કર્યો હતો. હવે આ ચુકાદા પર વિવિધ નેતાઓ પ્રતિક્રિયા આપવા લાગ્યા છે.
કોણે કોણે પ્રતિક્રિયા આપી?
આ ચુકાદા પર પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ખુશી વ્યક્ત કરી હતી તો જમ્મુ-કાશ્મીરથી ઓમર અબ્દુલ્લાહ અને ગુલામ નબી આઝાદ સહિત અનેક નેતાઓએ નિરાશા વ્યક્ત કરી હતી અને કહ્યું કે અમે લાંબી લડત માટે તૈયાર છીએ. જ્યારે મહેબુબા મુફ્તીએ સોશિયલ મીડિયા પર વિવાદિત વીડિયો પોસ્ટ કરી આ ચુકાદાની મૃત્યુદંડ સાથે તુલના કરી હતી.
મહેબૂબા મુફ્તીએ શું કહ્યું?
મહેબૂબા મુફ્તીએ સુપ્રીમકોર્ટના ચુકાદાને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો સાથે કહ્યું કે આજે સુપ્રીમકોર્ટે જે નિર્ણય લીધો છે તે ખરેખર નિરાશાજનક છે પણ આપણે નિરાશ થવાની જરૂર નથી. આપણા વિરોધી ઈચ્છે છે કે આપણે નિરાશ થઈએ અને પીછેહઠ કરી લઈએ પણ જમ્મુ-કાશ્મીરના લોકો એટલા નબળા નથી. આ આપણો પરાજય નથી, આ આઈડિયા ઓફ ઈન્ડિયાનો પરાજય છે. આ તેમનો પરાજય છે. જે ગંગા-જમના તહેજીબ સાથે કાશ્મીરના મુસ્લિમોએ પાકિસ્તાનની અવગણના કરી ગાંધીના દેશ સાથે, હિન્દુ ભાઈઓ સાથે હાથ મિલાવ્યા હતા આ તેમનો પરાજય છે. તેમણે કહ્યું કે સરકારે જે ગેરકાયદે કામ સંસદમાં કર્યું આજે તે કાયદેસર ગણાવી રહ્યા છે. આ ફક્ત જમ્મુ-કાશ્મીર માટે જ નહીં પણ સમગ્ર ભારત માટે સજા એ મૌતથી ઓછું નથી.
ઓમર અબ્દુલ્લાહ અને ગુલામ નબી આઝાદે શું કહ્યું?
નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાહે કહ્યું કે આ ચુકાદો નિરાશાજનક છે પણ અમે લાંબી લડત માટે તૈયાર છીએ. સંઘર્ષ ચાલુ રાખીશું. જોકે ગુલામ નબી આઝાદે કહ્યું કે આ સર્વાનુમતે લેવાયેલા ચુકાદાને લીધે હું નિરાશ છું. આજના નિર્ણયથી જમ્મુ-કાશ્મીરના લોકો ખુશ નથી.