VIDEO : 500 રુપિયા આપો અને પાસ થાઓ..., પ્રિન્સિપાલનો વીડિયો વાયરલ થતા હડકંપ
Image Source: Twitter
લખનૌ, તા. 19 જાન્યુઆરી 2024 શુક્રવાર
બિહારની શિક્ષણ વ્યવસ્થાને પોતે શિક્ષક અને પ્રિન્સિપાલ જ કલંક લગાવી રહ્યા છે. એક વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો. આ વાયરલ વીડિયો ગયાના ડુમરિયાના ભંગિયા હાઈ સ્કુલનો જણાવાઈ રહ્યો છે. જેમાં વિજ્ઞાન વિષયમાં મેટ્રિકના પ્રેક્ટિકલમાં રૂપિયા લઈને માર્ક્સ વધારવાની વાત કહેવામાં આવી રહી છે.
રૂપિયા ન આપનારને ઓછા માર્ક્સ આપવાનું કહેવામાં આવ્યુ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અત્યારે બિહારની સરકારી સ્કુલોમાં મેટ્રિકની પ્રેક્ટિકલ પરીક્ષા ચાલી રહી છે. પરીક્ષાનો કાર્યક્રમ બિહાર વિદ્યાલય પરીક્ષા સમિતિ તરફથી જારી કરવામાં આવ્યો છે અને આ માટે તમામ સ્કુલોમાં અને નકલો પણ આપવામાં આવી છે.
પ્રિન્સિપાલ પર 500 રૂપિયા લેવાનો આરોપ
વિજ્ઞાન વિષયની પ્રેક્ટિકલ પરીક્ષામાં મનપસંદ માર્ક્સ આપવા માટે વિદ્યાર્થીઓ પાસેથી ખુલ્લેઆમ રૂપિયા લેવામાં આવી રહ્યા છે. ગયાના ડુમરિયા વિસ્તાર સ્થિત ભંગિયા હાઈ સ્કુલમાં વિદ્યાર્થીઓ પાસેથી પ્રેક્ટિકલની પરીક્ષામાં વધુ માર્ક્સ આપવા માટે પ્રિન્સિપાલ પર 500 રૂપિયા લેવાનો આરોપ છે. વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા લેવાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જોવામાં આવી રહ્યુ છે કે સ્કુલના પ્રિન્સિપાલ બાળકો પાસેથી પ્રેક્ટિકલ કોપી જમા કરાવ્યા બાદ રૂપિયા લઈ રહ્યા છે.
રૂપિયા આપનારને 40 અને રૂપિયા ન આપનારને 5 માર્ક્સ
સ્કુલના બાળકો દ્વારા જણાવવામાં આવ્યુ કે પ્રિન્સિપાલ દ્વારા રૂપિયા ન આપનારને પાંચ માર્ક્સ જ્યારે રૂપિયા આપનારને 40 માર્ક્સ આપવાનું કહેવામાં આવ્યુ છે. આ પહેલા પણ ત્યાંના પ્રિન્સિપાલ દ્વારા પ્રેક્ટિકલના નામ પર બાળકો પાસેથી રૂપિયા વસૂલવામાં આવતા રહ્યા છે. સ્કુલના અન્ય શિક્ષકો દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો તે બાદ બાળકોએ શાળામાં હોબાળો પણ કર્યો પરંતુ પ્રિન્સિપાલ દ્વારા શિક્ષકોને પણ નોકરીની ધમકી આપવામાં આવી છે.
શિક્ષક શું કહે છે
સ્કુલના એક શિક્ષક દ્વારા જણાવવામાં આવ્યુ કે છેલ્લા 6 વર્ષથી અહીંના આચાર્ય દ્વારા પ્રેક્ટિકલના નામ પર બાળકો પાસેથી રૂપિયા લેવામાં આવી રહ્યા છે. પ્રેક્ટિકલની પરીક્ષા શિક્ષકો દ્વારા લેવાની હોય છે પરંતુ આચાર્ય પોતે આની જવાબદારી ઉઠાવે છે. બાળકો પાસેથી રૂપિયા વસૂલવામાં આવે છે. જે બાળકો રૂપિયા નથી આપતા તેમને ઓછા માર્ક્સ આપવામાં આવે છે. તેમણે જણાવ્યુ કે શાળામાં લગભગ 500 રજિસ્ટ્રેશન છે. જેમાં મેટ્રિકમાં માત્ર 150 બાળકો છે.
સસ્પેન્ડ કરવાનો આદેશ
આ ઘટના સંબંધિત ગયાના જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યુ કે આ પ્રકારનો મામલો અમારા ધ્યાનમાં આવ્યો છે. તેમને સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.